Abtak Media Google News

લોકસભાની ચૂંટણી નજીક આવતા બેઠકોનો ધમધમાટ

કાલે સુરતમાં સવારે 11 કલાકે બેઠક: પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકર માર્ગદર્શન આપશે: અચાનક સુરત બોલાવાતા ભારે આશ્ર્ચર્ય

લોકસભાની ચુંટણીના આડે હવે માત્ર 10 માસથી પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે સત્તાધારી પક્ષ  ભાજપ દ્વારા સતત ત્રીજી વખત રાજયની લોકસભાની તમામ ર6 બેઠકો રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતવા માટેની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સંગઠનને વધુ મજબુત  બનાવવા માટે સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.  દરમિયાન પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે રાજયની આઠેય મહાનગરપાલિકાના મેયર સહિતના મુખ્ય ચારેય હોદેદારો અને મહાનગરના સંગઠન પ્રભારી,  પ્રમુખ અને મહામંત્રીઓ સહિત મહાપાલિકા દીઠ નવ આગેવાનોને તાકીદે આવતીકાલે સુરત બોલાવ્યા છે. અચાનક  પાટીલનું તેડુ આવતા અને ગાંધીનગરના બદલે સુરત બોલાવાતા ભારે આશ્ર્ચર્ય ફેલાઇ જવા પામ્યું છે. કયાં કારણોસર પાટીલના તેડા આવ્યા છે તે વાત સસ્પેન્સ રાખવામાંઆવી છે.

Advertisement

પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે નવી પહેલ શરુ કરી છે જે અંતર્ગત તમામ જીલ્લા અને મહાનગરોની કારોબારી બેઠક પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બોલાવવામાં આવે છે. જેમાં ગઇકાલે રાજકોટ શહેરનો વારો હતો આ બેઠક પૂર્ણ કર્યા બાદ સંગઠનના હોદેદારો તથા મહાપાલિકાના પદાધિકારીઓ રાજકોટ પરત ફર્યા ત્યાં નવો આદેશ આવી ગયો હતો. રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર  એમ રાજયની તમામ આઠેય મહાપાલિકાના મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શાસક પક્ષના નેતા ઉપરાંત મહાનગરના પ્રદેશ સંગઠન પ્રભારી, શહેર પ્રમુખ અને ત્રણેય મહામંત્રી સહિત કુલ નવ આગેવાનોને આવતીકાલે બુધવારે સુરત ખાતે બોલાવ્યા છે.

સુરતના એરપોર્ટ પાસે આવેલા ડુમસ રોડ સ્થિત હોટલ અવધ યુ ટોપીયા ખાતે કાલે સવારે 11 કલાકે બેઠકનો આરંભ થશે.સવારે 10 કલાકે તમામે હાજર થઇ જવા માટે તાકીદ કરવામાં આવી છે. જેમાં આઠેય મહાપાલિકાના પદાધિકારીઓ અને સંગઠનના હોદેદારોને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશ મહામંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. કયાં વિષયની ચર્ચા કરવા માટે તેડા મોકલવામાં આવ્યા છે તે જાહેર કરવામાં આવ્યું નથી. આગામી માર્ચ માસમાં લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થાય તે પૂર્વ મહાપાલિકા વિસ્તારમાં હાલ ચાલી રહેલા તમામ વિકાસ કામો અને મોટા પ્રોજેકટનું કામ પૂર્ણ કરી તેના લોકાર્પણ કરી દેવા અને બજેટમાં જો પ્રોજેકટ જાહેર કરવામાં આવ્યા છે. તે ઝડપથી શરુ થાય તે અંગે માર્ગદર્શન અપાય તેવી શકયતા જણાય રહી છે.રાજયની છ મહાપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં વર્તમાન પદાધિકારીઓની ટર્મ આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે. ત્યારે નવી નિમણુંક સંદર્ભે પણ કોઇ ચર્ચા વિચારણા કરવામાં આવીતેવી શકયતા નકારી નથી. મહાપાલિકાના પદાધિકારીઓ પાસે બે વર્ષની કામગીરીના લેખા જોખા પણ માંગવામાં આવી શકે છે. આ ઉપરાંત જે  મહાનગરોના પ્રમુખની ટર્મ પુરી થઇ ગઇ છે. અને તેઓ હજી પ્રમુખ પદે ચાલુ છે. તેના સ્થાને નવી નિમણુંક  અંગે પણ વિચારણા કરાય તેવી અટકળો ચાલી રહી છે.રાજકોટથી મેયર ડો. પ્રદિપ ડવ,ડે.મેયર કંચનબેન સિઘ્ધપુરા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી અને નરેન્દ્રસિંહ ઠાકુર સહિત નવ સભ્યો આજે આગેવાનો બપોરે સુરત જવા રવાના થઇ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.