રૂ. 46 લાખના પટોળાની ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણ ઝડપાયા એકની શોધખોળ

એક તસ્કર લીંબડી અને બે વડોદરા નજીકથી ઝડપાયા: કિંમતી પટોળા કબ્જે: સુત્રધારની શોધખોળ:  ક્રાઇમ બ્રાન્ચને સીસીટીવી ફુટેજની મદદથી ભેદ ઉકેલવામાં મળી મહત્વની સફળતા

શહેરમાં 24 કલાક ટ્રાફિકથી ધમધમતા યાજ્ઞિક રોડ સર્વેશ્ર્વર ચોકમાં વી.જે.સન્સ નામની પટોળાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.46 લાખની કિંમતના પટોળા ચોરીની થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. એક શખ્સને લીંબડી અને બે શખ્સોને વડોદરા પાસેથી ઝડપી લીધા છે. સુત્રધારની શોધખોળ હાથધરી છે. લાખોની કિંમતના પટોળા પોલીસે મુંબઇથી કબ્જે કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિરાણી હાઇસ્કૂલ પાછળ રહેતા પટોળાના વેપારી પંકજભાઇ જીવરાજભાઇ વાઢેરની સર્વેશ્ર્વર ચોકમાં આવેલી વી.જે.સન્સ નામની દુકાનના શટર અને કાચનો દરવાજો તોડી રૂ.46 લાખની કિંમતના પટોળા ચોરી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ બે દિવસ પહેલાં નોંધાઇ હતી.

સુરેન્દ્રનગર ખાતે પટોળાનું વણાટ કામ કરાવી સર્વેશ્ર્વર ચોકમાં વી.જે.સન્સ નામની દુકાનમાં કિંમતી પટોળા રાખી છુટક અને જથ્થાબંધ વેચાણ કરતા પંકજભાઇ વાઢેર કિંમતી પટોળા એકઝિબીશનમાં લઇ જવાના હોવાથી બે દિવસ પહેલાં સુરેન્દ્રનગરથી પટોળા મગાવી વી.જે.સન્સમાં રાખ્યા બાદ ગતરાતે ચોરી થઇ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સુધીરકુમાર દેસાઇ, એસીપી જે.એસ.ગેડમ, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી. જાડેજા, એ ડિવિઝન પી.આઇ. સી.જી.જોષી, પી.એસ.આઇ. બોરીસાગર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન તસ્કરો ઇક્કો કારમાં ભાગતા જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોનું પગેરૂ દબાવ્યું છે. પટોળાની ચોરીના ગુનામાં સંડોવાયેલા એક તસ્કરને ક્રાઇમ બ્રાન્ચે લીંબડીથી અને બે તસ્કરોને વડોદરા ખાતેથી ઝડપી લીધા હતા. ચોરેલા પટોળા મુંબઇ પહોચી ગયા હોવાથી પોલીસે મુંબઇથી પટોળા કબ્જે કરી ચોરીના ગુનામાં સંડોવાયેલા માસ્ટર માઇન્ડની શોધખોળ હાથધરી છે.