Abtak Media Google News

‘ન ભૂતો ન ભવિષ્યતી’ જેવો જાજરમાન જલ્સો : પ્રથમવાર રાજકોટના આંગણે એટ હોમ કાર્યક્રમ : ધ્વજવંદન વેળાએ આકાશમાંથી પુષ્પવર્ષા

નગરજનોના નયનોમાં પ્રજાસત્તાક પર્વનો નેહ અને ઉરમાં ઉછળતો ઉમંગ : વિકાસને જેટ ગતી આપવા અબજોના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

ઉત્સવ ઘેલી રાજકોટની રંગીલી પ્રજા નાનો પ્રસંગ પણ હરખભેર છલકાતા ઉરે ખુબ મોજથી ઉજવે છે ત્યારે અત્યારે તો રાજકોટવાસીઓ માટે ગાંડા અને ઘેલા થવાનું વ્યાજબી બહાનું છે કારણકે અત્યારે રાષ્ટ્રીય તહેવાર એવા પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટનાં આંગણે થઈ રહી છે. આ ઉજવણીને લઈને આખા રાજકોટે દુલ્હન જેવા શણગાર સજયા છે. આ ઉજવણીમાં ભરચક જાહેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેનો શહેરીજનો મનભરીને આનંદ માણી રહ્યા છે. આ ઉપરાંત વિકાસને જેટ ગતિ આપવા રાજકોટ જિલ્લામાં અબજોના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ થઈ રહ્યું છે. આમ અત્યાર સુધી ન થઈ હોય તેવી અવિસ્મરણીય અને ઐતિહાસિક પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટીયનો માટે જીવનભરનું યાદગાર સંભારણું બનવા જઈ રહ્યું છે.

હાલ રાજકોટનો માહોલ એવો છે કે કોઈ બહારના સ્થળેથી મુલાકાતી આવી ચડે તો તેને નવાઈ લાગે કે આવી કડકડતી ઠંડીમાં આવી ઉત્સાહી ગરમી છે શેની? તેમાં પણ તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ રોશનીનો અનેરો ઝગમગાટ જોઈને સૌ કોઈ આફરીન થઈ ઉઠે. આમ પ્રજાસત્તાક પર્વ સમગ્ર શહેર માટે અત્યાર સુધીનો શ્રેષ્ઠ પર્વ બની રહ્યો છે. વધુમાં આ પર્વ નિમિતે છેલ્લા એક અઠવાડિયાથી કાર્યક્રમોની ભરમાર ચાલી રહી છે ત્યારે હવે સાંજનાં સમયે ગાંધી મ્યુઝીયમ ખાતે પ્રથમ વખત રાજયપાલનો ભવ્ય એટ હોમ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં ૬૨૫ આમંત્રિત મહેમાનો પધાર્યા હતા. કાર્યક્રમમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતએ પાંચ મિનિટનું ઉદબોધન કર્યું હતું ત્યારબાદ દેશભકિતના ગીતોની પ્રસ્તુતિ થઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ, મુખ્ય સચિવ, ડી.જી. તેમજ સાંસદો અને ધારાસભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. આ મહેમાનોએ એટ હોમ કાર્યક્રમમાં અડદિયા, કાઠિયાવાડી ઢેબરા, લીલવા કચોરી, વણેલા ગાંઠીયા અને જલેબી સહિતનાં વ્યંજનોની લિજ્જત માણી હતી ત્યારબાદ હવે રાત્રીનાં મેગા ઈવેન્ટ યોજાનાર છે જેમાં રાજકોટનાં ઈતિહાસ, વર્તમાન અને ભવિષ્યને રંગ છે રાજકોટ નામના નાટક સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવશે. આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહેવાના છે.

7537D2F3 13

આવતીકાલે પ્રજાસત્તાક પર્વનો મુખ્ય ઘ્વજવંદનનો કાર્યક્રમ રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનાર છે જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતનાં હસ્તે રાષ્ટ્રઘ્વજ ફરકારવવામાં આવશે. આ વેળાએ હેલીકોપ્ટર મારફતે આકાશમાંથી પુષ્પવર્ષા થવાની છે. આ રાષ્ટ્રીય પર્વમાં પોલીસ., એસ.આર.પી., ભારતીય કોસ્ટગાર્ડ, એન.સી.સી., હોમગાર્ડઝ સહિત ૨૮ જેટલી પ્લાટુનો પરેડમાં ભાગ લેશે. અંદાજે ૮૪૦ જેટલા જવાનો પરેડમાં ભાગ લેશે.

આ કાર્યક્રમમાં વિવિધ ખાતાઓની યોજનાઓની જાણકારી આપતા ૨૨જેટલા ટેબ્લો રજુ કરવામાંઆવશે. આ ટેબ્લોમાં આરોગ્ય, બાળ કલ્યાણ, આર.ટી.ઓ. પી.જી.વી.સી.એલ. પાણી પુરવઠા, પશુપાલન, સમાજ કલ્યાણ, લીડ બેંક, સિંચાઇ, ડીઝાસ્ટર, મહીલા બાળ કલ્યાણ, જી.આઇ.ડી.સી. જી.જી.આર.સી. મહાનગરપાલીકા, પ્રવાસન, યુવા વિકાસ, આત્મીય યુનિવર્સિટી, આઇ.ઓે.સી. આર.કે.યુનિવર્સિટી, વન વિભાગ વિગેરેનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૯ સ્કૂલના ૨૨૦૦ જેટલા વિદ્યાર્થોઓ દ્વારા દેશભક્તિસભર રંગા રગં સાંસ્કુતિ  કાર્યક્રમ રજુ કરશે જયારે ૧૧૦૦ જેટલા બાળકો દ્વારા યોગ નિદર્શન યોજાશે.

આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના જવાનો  દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થશે. જેમાં પરંપરાગત રાસ-ગરબાની કૃતિઓ પણ રજુ થશે. આ ઉપરાંત જીમનાસ્ટીક અને મલખમના કરતબ સહિત જાંબાઝ મોટર સાયકલ સવારો દ્વારા વિવિધ દિલધડક કરતબો રજુ કરવામાં આવશે. ચેતક કમાન્ડો દ્વારા રેસ્ક્યુ ઓપરેશનનો ડેમો રજુ થશે. શ્વાન દળ દ્વારા સ્પે. ડોગ શો અને થનગનાટ કરતા અશ્વો દ્વારા અશ્વ શો પણ રજુ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.