Abtak Media Google News

વોલ્વો બસમાં ટીવી બંધ હોય તો એજન્સી પાસેથી રૂ.૧૦૦૦નો દંડ વસુલાય છે: એક્સપ્રેસમાં ટીવી બન્યાં શોભાના ગાંઠીયા સમાન

રાજકોટ એસ.ટી. વિભાગની મોટાભાગની વોલ્વો અને એકસપ્રેસની બસમાં ટીવી બંધ હોવાની સમસ્યા સામે આવી છે. જેમાં વોલ્વો બસમાં ટીવી બંધ હોય તો એજન્સીને તગડી પેનલ્ટી ફટકારવામાં આવે છે. પરંતુ એસટીની એકસ્પ્રેસ કે ગુર્જર નગરી બસમાં આ પ્રકારનો કોઈ નિયમ નથી. જેને લીધે એકસપ્રેસ બસમાં ટીવી બંધ હોય તો પણ કોઈ દંડ થતો નથી. ટીવી બંધ હોવાની સમસ્યાને કારણે હવે એસટી વિભાગની નવી મીની બસમાં ટીવી મુકવામાં જ આવતા નથી.

રાજકોટ એસટી વિભાગની વોલ્વો આમ તો આધુનિક સ્વરૂપની છે અને એકસ્પ્રેસ બસમાં પણ મુસાફરોને આધુનિક સુવિધા મળે તેવી માત્ર વાતો કરવામાં આવે છે. પરંતુ હકીકત તો કંઈક અલગ જ છે. રાજકોટ એસટી. વિભાગ પાસે ૩૮ વોલ્વો છે જેમાંથી ૩૦ સીટીંગ બસમાં ટીવી મુકાયા છે. મોટાભાગની વોલ્વોમાં ટીવી ચાલુ હોય છે અને જો ટીવી બંધ હોય તો એસટીને વોલ્વોના વાહનો પુરા પાડતી એજન્સી ચાર્ટર અને આદિનાને રૂા.૧ હજારની પેનલ્ટી ફટકારવામાં આવે છે. એસટીની વોલ્વો બસમાં ટીવી બંધ હોવાની સમસ્યા ઓછી છે પરંતુ મોટાભાગની એકસ્પ્રેસ અને ગુર્જર નગરી બસમાં ટીવી બંધ જ હોય છે. અગાઉ એકસ્પ્રેસ બસમાં પણ ટીવી બંધ હોય તો પણ કંપનીને દંડ ફટકારવામાં આવતો હતો.  જો કે હાલ એકસ્પ્રેસ બસમાં ટીવી બંધ હોય તો આ પ્રકારનો કોઈ દંડ નથી. ટીવી બંધ હોવાની સમસ્યાને કારણે એસટીની નવી મીની બસમાં ટીવી મુકવામાં જ આવતા નથી.

રાજકોટમાં એસ.ટી.ના મુસાફર માટે પાસ કાઢવાની સાંજની શિફ્ટ ચાર વર્ષી બંધ

રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં અગાઉ દરરોજ અપડાઉન કરતા મુસાફરોને માસીક પાસ કાઢી આપવાની સુવિધા બે શીફટમાં ચાલું હતું. જેમાં સવારે ૭ થી બપેારના ૨ વાગ્યા સુધી અને બપોરે ૨ થી રાતના ૯ વાગ્યા સુધી મુસાફરોને પાસ કાઢી આપવામાં આવતો હતો. જો કે અગાઉ કંડકટરની અછત હોવાના કારણે મુસાફર માસીક પાસ એક શીફટમાં જ કાઢી આપવાનું શરૂ કરાયું. બે શીફટને બદલે એક શીફટ કરી નાખતા હાલ મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. હવે કંડકટરની અછત પણ ઓછી થઈ અને બે શીફટમાં પાસ કાઢવાનું ચાલુ કરી શકાય તેમ છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી મુસાફર માસીક પાસ માત્ર એક શીફટમાં જ કાઢી આપવામાં આવતા મુસાફરોમાં રોષ ફેલાયો છે.

એસ.ટી. બસ સ્ટેન્ડમાંથી મુસાફરોને જબરદસ્તી લઈ જતાં ખાનગી વાહન ધારકો સામે થશે કાર્યવાહી

રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડમાં મુસાફરોને ખાનગી બસ વાહન ધારકો જબરદસ્તી લઈ જતાં હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડમાં એક જાહેર નોટિસ મુકવામાં આવી છે. જેમાં લખાયું છે કે, રાજકોટ એસ.ટી. બસ સ્ટેશનમાં મુસાફરોને લલચાવી-ફોસલાવી ખાનગી વાહનમાં મુસાફરી કરવા કોઈ વ્યક્તિગત કે ખાનગી સંચાલક કે તેમના એજન્ટ અનઅધિકૃત રીતે પ્રવૃતિ કરતા જણાય આવે તો તે અંગે નિગમના હેલ્પલાઈન નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬, ૦૭૯૨૨૮૩૫૦૦૦ પર જાણ કરી શકે છે. અને તે અંગેના ફોટો અને વિડિયો બનાવી મુખ્ય સુરક્ષા અધિકારીના મો.નં.૬૩૫૯૯ ૧૯૦૨૫ પર મોકલી તે અંગેની જાણ ટેલીફોનથી કરી શકે છે. મુસાફરની ફરિયાદ બાદ તે ખાનગી સંચાલક કે તેના એજન્ટ સામે ફરિયાદ થશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.