Abtak Media Google News

રાજકોટ,જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાપાલિકા ઉપરાંત સૌરાષ્ટ્રની તમામ પાલિકાઓ સેંકડો ટીપી સ્કીમ  વર્ષોથી રાજય સરકારમાં પેન્ડિંગ: વિકાસની જડીબુટ્ટીને સમી ટીપી સ્કીમોને શા માટે દબાવી રાખવામાં આવે છે

કોઈપણ શહેરના વિકાસની રૂપરેખા તે શહેરના પ્રશાસન દ્વારા તૈયાર કરવામા આવતી નગર રચના યોજનાઓ નકકી કરતી હોય છે જો રાજય સરકાર દ્વારા  નિયમિત રીતે ટીપી સ્કીમોને મંજૂરી આપી દેવામાં આવે તો વિકાસ રૂંધાય જવાની સંભાવના રહેલી હોય છે. સૌરાષ્ટ્રની  મહાપાલિકા અને નગરપાલિકાઓની પેન્ડીંગ ટીપી સ્કીમો વિકાસને તડફડાવી રહી છે. રાજય સરકાર ટીપી  મંજૂર કરવામાં  રાખવામાં આવતી ભેદી ઢીલના કારણે ઉજળી તકો હોવા છતાં ખૂદ સરકાર દ્વારા વર્ષો સુધી ટીપીને  એકયા બીજા કારણોસર દબાવી રાખવામાં આવે છે. અમુક ટીપી સ્કીમોતો અઢીથી ત્રણ દાયકાથી સરકારમા પેન્ડીંગ પડી છે.

શહેરોનો સુવ્યવસ્થિત વિકાસ થાય તે માટે મહાપાલિકા, નગરપાલિકા અને સત્તા મંડળો દ્વારા ટાઉન પ્લાનીંગ ટીપી સ્કીમ બનાવવામાં આવે છે. અને મંજૂરી અર્થે રાજય સરકાર સમક્ષ મૂકવામાં આવે છે. સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી સહિતના  મુદાઓનાં કારણે વર્ષો સુધી ટીપી  સ્કીમોને દબાવી રાખવામા આવે છે. જેના કારણે કોઈપણ શહેરનો ધાર્યો વિકાસ થતો નથી.

ગુજરાતમાં ગત સપ્ટેમ્બર માસમાં  નેતૃત્વ પરિવર્તન બાદ સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ગુજરાતનું સુકાન ભુપેન્દ્રભાઇ પટેલને સોંપવામાં આવ્યું છે છેલ્લા નવ માસમાં સીએમ દ્વારા રાજયની અલગ અલગ મહાપાલિકા નગરપાલિકા અને સત્તા મંડળની 100 થી વધુ ટીપી સ્કીમોને બહાલી આપવામાં આવી છે. જેમાં રાજકોટની માત્ર એક જ ટીપી મંજુર કરવામાં આવી છે. હવે માય બાપ સરકારે રાજકોટ પ્રત્યે પણ થોડી રહેમ રાહ રાખવાની જરુરીયાત છે નેતૃત્વ પરિવર્તન બાદ સરકારમાં રાજકોટનું કંઇ ખાસ ઉપજતું નથી તે વધુ એક વાર પુરવાર થઇ ચુકયું છે.સ્થાનીક નેતાઓ એક પદાધિકારીઓ માત્ર મોટી મોટી ગુબબાંગો ફૂંકે છે. સરકારમાં સામાન્ય ટીપી સ્ક્રીમ પણ મંજુરી કરવાની તાકાત ધરાવતા નથી. જો રાજકોટ સાથે આવું ઓરમાયુ વર્તન જારી રહેશે તો વિકાસ અટકી જશે.નેતૃત્વ પરિવર્તન બાદ રાજય સરકાર દ્વારા રાજકોટ સાથે ઓરમાયુ વર્તન શરુ કરવામાં આવ્યું છે.

જે સતત આગળ વધી રહ્યું છે. વિકાસ માટે જરુરી એવી ટાઉન પ્લાનીંગ સ્ક્રીમને બહાલી આપવામાં ન આવતા વિકાસ કામો પર અસર પડી રહી છે. રાજકોટની માત્ર એક જ ટીપી સ્ક્રીમને 9 માસમાં બહાલી આપવામાં આવી છે જે સાબિત કરે છે કે રાજકોટ પ્રત્યે સરકારના મનમાં કેટલી સુગ રહેલી છે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક સ્તુત્ય નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ અને વડોદરાની કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.ભૂપેન્દ્ર પટેલે 1 પ્રીલીમનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ, 1 ફાઈનલ સ્કીમ ઉપરાંત 4 ડ્રાફ્ટ સ્કીમ મંજૂર કરી છે. પ્રીલીમનરી સ્કીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં 26 (મકરબા) અને ફાઈનલ સ્કીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં. 37(દાણીલીમડા નોર્થ)નો સમાવેશ થાય છે મુખ્યમંત્રીએ વડોદરાની ચાર ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

તદઅનુસાર, આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ (1) ટી.પી. સ્કીમ નં. 27/બી(બીલ) (2) ટી.પી. સ્કીમ નં. 27/સી(ચાવડ) (3) ટી.પી. સ્કીમ નં. 24/બી(ભાયલી-ગોકુલપુરા-રાયપુરા) તથા (4) ટી.પી. સ્કીમ નં. 42(કોયલી)નો સમાવેશ થાય છે.મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 01 પ્રીલિમિનરી ટી.પી. સ્કીમ અને વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની 4 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ એમ કુલ પાંચ ટી.પી. સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે 51.84 હેક્ટર્સ જમીન, બાગબગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે કુલ 61.52 હેક્ટર્સ જમીન ઉપરાંત જાહેર સુવિધા માટે 52.89 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ આશરે 111.99 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે આ પાંચ સ્કીમમાં મળીને અંદાજે કુલ 46,400 ઈ.ડબ્લ્યુ.એસ. આવાસો બની શકશે.

  • ટીપીને સમયસર મંજૂરી ન અપાતી હોવાથી દબાણ સહિતની સમસ્યા સર્જાય છે
  • અનામત રાખવામાં આવેલા પ્લોટ પર જમીન માફિયાઓ જમાવી લ્યે છે કબ્જો

ટીપી સ્કીમ બનાવતી વેળાએ તેમાં વાણીજય હેતુ રહેણાંક હેતુ, પબ્લીક પર્પઝ, આવાસ યોજના, બાગ-બગીચા સહિતના વિવિધ હેતુઓ માટે અનામત પ્લોટ રાખવામાં આવતા હોય છે. જેમાં જમીનના મૂળ માલીકની જમીનને કપાતમાં લેવામાં આવે છે.બીજી તરફ સરકાર દ્વારા સમયસર ટીપી મંજૂર કરવામાં આવતી નથી જેના કારણે અનામતમાં મૂકાયેલા પ્લોટમાં જમીન માફીયાઓ દબાણ ખડકીદે છે. ટીપી મંજૂર થતા આ પ્લોટ ખાલી કરાવવા માટે ડિમોલીશન કરવું પડે છે. જેમાં નાણા  સાથે માનવ કલાકો પણ ખર્ચાય જાય છે. અમૂક કિસ્સામાં કોર્ટ કેસ અને ઘષર્ણની સંભાવના પણ રહે છે.

ઈરાદો જાહેર કર્યા બાદ નવ માસમાં ટીપી બનાવવી ફરજિયાત, મંજુરી માટે કોઈ સમય મર્યાદા નહી

મહાપાલિકા સતામંહળ કે મહાનગરપાલીકા દ્વારા ટાઉન પ્લાનીંગ સ્કીમ બનાવવા માટે ઈરાદો જાહેર કરાયા બાદ સરકારની મંજુરી મળતા નવ મહિનાની અંદર ડ્રાફટ ટીપી સ્કીમ બનાવી મંજૂરી અર્થે રાજય સરકારના શહેરી વિકાસ વિભાગમાં રજૂ કરી દેવી  ફરજીયાત છે.પરંતુ ટીપી સ્કીમ મંજૂરી અર્થે  મૂકાયા બાદ તેને કેટલા સમયમાં મંજુરી આપવી તેનો કોઈજ નિયમ નથી જેના કારણે અનેક શહેરોએ બનાવેલી ટીપી સ્કીમો અઢી કે ત્રણ દાયકાથી રાજય સરકારના ટીપીઓ પાસે મંજૂરીની વાટ જોઈ રહી છે. સરકાર દ્વારા પણ છાશવારે ટીપીઓની બદલી કરી નાખવામાં આવતી હોય અથવા તે નિવૃત થતા હોવાના કારણે ટીપી વર્ષો સુધી મંજૂર થતી નથી જેનું પરિણામ શહેરની જનતાએ ભોગવવુ પડે છે.ટીપી વિકાસના દ્વાર ચોકકસ ઉઘાડે છે પરંતુ સરકારની દાનત મુજબ ટીપી મંજૂર થાય છે.

ગુજરાતના વિકાસને વધુ વેગ આપવા સરકાર આળશ  ખંખેરી જાગૃત બનેીં

ગુજરાત સમગ્ર દેશ માટે એક વિકાસ મોડલ બની ઉભરી આવ્યું છે જો હજી રાજયને વધુમાં વધુ વેગ આપવો હોય તો સરકારે આળસ ખંખેરી જાગૃતતા કેળવવાની આવશ્યકતા છે. ટીપી સ્કીમોને બહાલી આપવામાં વર્ષના વર્ષો નિકળી જાય છે. તેના બદલે અકે નિયત સમય નિશ્ર્ચિત  કરવો  જોઈએ. ત્રણથી પાંચ વર્ષમાં ટીપી સ્કીમને મંજૂરી આપી દેવામાં આવે તો જે તે શહેરનો વિકાસ  ધાર્યા કરતા પણ સવાયો થઈ શકે છે. વિકાસની મોટી મોટી વાતો ચોકકસ કરવામાં આવે છે.પરંતુ વિકાસ માટે જેની આવશ્યતા છે. તેના માટે ખાસ ગંભીરતા દાખવવામાં આવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.