Abtak Media Google News

ગુજરાતમાં પહેલવાર પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થઈ ગયું છે. આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ પ્રમાણે પેટ્રોલ રુ. ૭૭.૭૯ પ્રતિ લિટર, જ્યારે ડીઝલ રુ. ૭૭.૯૨ના ભાવે વેચાઈ રહ્યા છે.  અન્ય શહેરોમાં પણ પેટ્રોલ કરતા ડીઝલના ભાવ વધી ગયા છે.

આવું પહેલીવાર થયું છે જ્યારે પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ ૨૦થી ૨૫ પૈસા જેટલો વધી ગયો છે. સુરતમાં આજે પેટ્રોલનો ભાવ ૭૮.૦૩ રુપિયા છે, જ્યારે ડીઝલનો ભાવ ૭૮.૨૮ રુપિયા છે. વડોદરામાં પેટ્રોલ કરતા ડીઝલ છ પૈસા મોંઘુ વેચાઈ રહ્યું છે. શહેરમાં આજનો પેટ્રોલનો ભાવ રુ. ૭૭.૫૫ જ્યારે ડીઝલનો ભઆવ ૭૭.૬૧ રુપિયા છે. રાજકોટમાં પેટ્રોલ કરતા ડીઝલ ૨૪ પૈસા મોંઘુ છે. શહેરમાં પેટ્રોલનો આજનો ભાવ રુ. ૭૭.૯૪ જ્યારે ડીઝલનો ભાવ ૭૮.૧૮ પૈસા પ્રતિ લિટર છે.

૧૭ ઓક્ટોબરથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ઘટી રહ્યા છે. આજે થયેલા ઘટાડા બાદ પેટ્રોલ ૭૮ રુપિયાની સપાટીથી નીચે આવી ગયું છે. મહત્વનું છે કે, ૪ ઓક્ટોબરે પેટ્રોલનો ભાવ ૮૩ રુપિયાની સપાટીને પાર કરી ગયો હતો. જોકે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કરતા બીજા જ દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પાંચ રુપિયા જેટલો ઘટાડો થયો હતો. ડીઝલ પર પેટ્રોલ કરતા ઓછો ટેક્સ છે.

પરંતુ તેની પડતર કિંમતમાં છેલ્લા કેટલાક સમયમાં પાંચ રુપિયા જેટલો વધારો થયો છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલ વચ્ચેનો તફાવત ઘણા સમયથી ઓછો થઈ રહ્યો હતો. એક સમયે પેટ્રોલ અને ડીઝલ વચ્ચે પાંચેક રુપિયા જેટલો તફાવત રહેતો, પરંતુ તે ઘણા સમયથી ઘટી રહ્યો હતો, અને હવે તો ડીઝલ પેટ્રોલથી આગળ નીકળી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.