Abtak Media Google News

ગોરસ લોકમેળો કેન્દ્રિત પ્રથમ ત્રણ શ્રેષ્ઠ તસવીરને રોકડ પુરસ્કાર આપવામાં આવશે, કોઇ પણ નાગરિક સ્પર્ધામાં ભાગ લઇ શકશે 

રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ રાંધણ છઠ્ઠી યોજાતા પરંપરાગત અને પ્રસિદ્ધ લોકમેળામાં આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. આ વખતના ગોરસ લોકમેળામાં તસવીર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ નાગરિક ભાગ લઇ શકે છે. ગોરસ લોકમેળા કેન્દ્રિત આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ શ્રેષ્ઠ તસવીરને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમ કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું છે.

તસવીર સ્પર્ધાના નિયમો જોઇએ તો તસવીરનો વિષય માત્રને માત્ર ગોરસ મેળો જ રહેશે. જેમાં રેસકોર્સના મેદાનમાં તા.૧ સપ્ટેમ્બર થી ૫ સપ્ટેમ્બર સુધી યોજનારા ગોરસ લોકમેળામાં મહાલતુ જનજીવન, ભાતીગળ પહેરવેશ, આનંદપ્રમોદની પ્રવૃત્તિ, મેળાના આકર્ષણ, સ્ટોલ્સ સહિતની બાબતો તસવીરમાં કેન્દ્ર સ્થાને હોવી જોઇએ. આ તસવીરો કોઇની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક લાગણી દુભાઇ નહીં એવી તથા પદ-પ્રતિષ્ઠાને હાની ન પહોંચે એવી હોવી જોઇએ.

તસવીરો મોબાઇલ અવા વ્યવસાયિક કેમેરામાંથી લઇ શકાશે. પણ, તસવીરની સ્પષ્ટતા એટલે કે ક્લિયારિટી સારી ગુણવત્તાની હોવી જોઇએ. તસવીરોની સાઇઝ ઓછામાં ઓછી ત્રણ એમબી અને લઘુતમ ડીપીઆઇ (ડોટ પર ઇંચ) ૨૫૦ હોય એ ઇચ્છનીય છે. આ સ્પર્ધામાં એન્ટ્રી માત્રને માત્ર ઇમેઇલી જ સ્વીકારવામાં આવશે. એક સ્પર્ધક માત્ર બે જ તસવીરો મોકલી શકશે. બે કરતા વધારે એન્ટ્રી મળવાના કિસ્સામાં પ્રથમ બે તસવીરો સ્પર્ધામાં ધ્યાને લેવામાં આવશે. અરુચિકર, નબળી ગુણવત્તાયુક્ત તસવીરોને ધ્યાને લેવામાં નહીં આવે. ટ્રિક ફોટોગ્રાફી, મોર્ફ કરેલા ફોટા કે ડ્રોન કેમેરાથી લેવામાં આવેલી તસવીરો ધ્યાને નહીં લેવામાં આવે.

તસવીરો મોકલવાનું ઇમેઇલ આઇડી rajkotlokmela2018gmail.com છે. સ્પર્ધકે ઇમેઇલમાં પોતાનું નામ, સરનામુ, સંપર્ક નંબર સાથે લખવાનો રહેશે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ છે. એક વખત સ્પર્ધામાં આવેલી તસવીરોના ભવિષ્યના ઉપયોગનો અધિકાર જિલ્લા વહીવટી તંત્રને રહેશે. શ્રેષ્ઠ તસવીરોની પસંદગી સમિતિ દ્વારા થશે. એ આખરી ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.