Abtak Media Google News

હું કલા વેંચતો નથી… વહેંચું છું…

કવિ, લેખક, સંશોધક, લોકસાહિત્યકાર અને મૌલિક હાસ્યના બેતાજ બાદશાહ ગુલાબદાન બારોટ કે જેમણે રાજકોટ વિષે ઉંડાણપૂર્વક સંશોધન, લેખન કરીઅને સરળ ભાષામાં કવિતાના રૂપમાં લોકો સમક્ષ  મુકયું છું.

હાથી ખાનામાં હાથી નથી

સાંઢિયા વિનાનો પુલ છે

તોપ ખાનામાં તોપ નથી

એજ તમારી ભૂલ છે

જેવી અનેક કવિતાઓના રચયતા ગુલાબદાન બારોટને ટીવી, રેડિયો, કેસેટો કે જાહેર કાર્યક્રમોમાં સાંભળ્યા હશે અને એ સાંભળવા જેવા માણસ છે. સાથે સાથે જાણવા અને માણવા જેવા માણસ છે. ગુલાબદાન બારોટનો જન્મ ૪ ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ માળિયા તાલુકાના વવાણીયા ગામે થયો, વતનમાં જ અભ્યાસ કરી ૧૯૭૪માં વન વિભાગમાં નોકરી મળી અને અમરેલી, બાબરા ખાતે સરકારની સેવા બજાવવાની શરૂઆત કરી. અનેક સ્થળોએ જંગલની વનસ્પતિ અને પ્રાણીઓનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો જબરો શોખ ધરાવતા ગુલાબદાનજીના પિતા ભીમજીભાઇ બારોટ પહેલેથી જ સારા એવા વકતા અને લેખક હતા. પોતે વહીવંચા બારોટ હોવાના નાતે યજમાન વૃતિ પણ ખરી એટલે આ સંસ્કાર ગુલાબદાનજીને વારસામાં મળ્યા, તેઓને નાનપણથી જ ગઝલ, લેખન, સંશોધન કાર્યમાં લગાય હતો. તેઓનું ભણતર ઓછું પરંતુ ગણતર ઘણું

તમારી પ્રસિઘ્ધની શરૂઆત કયારે થઇ? તેવા પ્રશ્ર્નનો ઉતર આપતા બારોટનું એ કહ્યું કે ૧૯૮૦માં રાજકોટ શહેરમાં સળંગ ૧૫ દિવસ કાર્યક્રમો આપ્યા. ત્યારથી ગુલાબદાન બારોટનું નામ લોકોની જીભે ચડી ગયું લેખન, સંશોધન, સાથે સાથે લોકસાહિત્યના કાર્યક્રમો કરતા કરતા મૌલિક નિર્દોષ હાસ્યરસના કાર્યક્રમો શરૂ કર્યા અને માનવ જીવનના રોજબરોજની ઘટનાઓને પોતાની કોઠાસુઝથી લોક સાહિત્યમાં વણી લઇ હાસ્યરસના આભૂષણો પહેરાવવામાં માહીર ગુલાબદાનજીએ કલારસીકોમાં અનેરુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

કાર્યક્રમોમાં પુરષ્કાર અંગેના પ્રશ્ર્નનો જવાબ આપતા ગુલાબદાન બારોટે જણાવ્યું હતું કે હું કલા વેંચતો નથી, વહેંચુ છું… આશ્ર્ચર્ય જનક વાતને વણાંક આપતા એમ પણ જણાવ્યું કે ભાઇ મફતની આ જગતમાં કોઇ કિંમત નથી.. છતાં ગૌસેવા હમેશા મેં મારા પુરસ્કાર માટેની કયાંય ચોખવટ કરી નથી અને કરીશ પણ નહીં….

દ્વિઅર્થી, અભદ્ર અથવા તો તોછડી ભાષાના ઉપયોગથી હાસ્યરસનું સ્તર નીચે ગયું હોય તે બાબતે જણાવતા બારોટજીએ ખુબ જ સરસ વાત કરી કે ભાઇ

આ સમાજ તોતળી ભાષા હશે તો કદાચ ચલાવી લેશે પરંતુ ‘તોછડી’ તો નહીં જ… સાહિત્ય, હાસ્ય કે કાવ્યમાં ભાષા શુઘ્ધિ હોવી જરુરી છે. દરેક પંથકની ભાષાનો કંઇક અલગ અંદાજ છે. ગુજરાતી ભાષા વિશે તેઓએ જણાવ્યું કે, દેશ અને દુનિયામાં અનેક ભાષાઓ  છે પરંતુ માતૃભાષાના ભોગે અન્ય ભાષાઓને પકડવી યોગ્ય નથી.

ખુબ જ અધરુ ગણાતું પીંગળ સાહિત્યના ગીતોને પણ ગુલાબદાન બારોટ ખુબ જ સરળ રીતે સમજાવી શકે છે ઉપરાંત કોઇપણ જ્ઞાતિ, કોઇપણ ધર્મનો ઇતિહાસ એ મૂળમાંથી શોધી લાવે છે. તેઓએ ‘બોરીચા બાવન શાખા’ નામનું પુસ્તક લખવા ઉપરાંત અનેક કવિતાઓ, ભજનો, મુકતકો લખ્યા છે.

ગુલાબદાન બારોટ  કાર્યક્રમોમાં પોતે રચેલી કવિતાઓ રજુ કરી જ્ઞાન સાથે ગમ્મત કહેવતને સાર્થક કરતો મૌલિક હાસ્યરસ અને લોકસાહિત્ય રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કરે છે.

લોકસાહિત્ય અને હાસ્યરસના માહિર ગુલાબદાન બારોટ હિન્દુ ધર્મ, ધર્મની વ્યાખ્યા, હિન્દુ ધર્મની ઉત્પતિથી લઇ વેદ, વેદાંત, કલ્પસૂત્ર, મહાભારત, કશ્યપ, ગાયત્રી, શિવ, શિખ સંપ્રદાય, નાથ સં૫્રદાય, બૌઘ્ધ ધર્મ, યમ, નિયમ, તુલસી માળા, આરતી, જનોઇ એ તમામ બાબતોનું સંક્ષિપ્તમાં સરળ વર્પન કરે છે. એમની કવિતા હસાવે પણ ખરી…. અને રડાવે પણ ખરી… એની લખેલી કવિતાનો જબરો મર્મ છે બસ એ સમજવો પડે બારોટજી કહે છે કે આપણી સંસ્કૃતિ અને માતૃભાષા, ગુજરાતીનો આદર થવો જોઇએ, અને આપણા સાહિત્યનો ઉપયોગ દેશ અને ધર્મ માટે થવો જોઇએ.

બારોટ શૈલીનું સાહિત્ય બીજા કરતાં કંઇક જુદુ પડતુ હોવા વિષે જણાવતા ગુલાબદાન બારોટે કહ્યું કે બારોટ વકતાઓની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તેઓ સંતાર અથવા રવાજ સાથે બોલે એટલે કે બોલતા જાય અને સંતાર કે રવાજ વગાડતા જાય અને બારોટ કવિતામય વર્ણનના

શોખીન હોય એમનું વર્ણન રસપ્રદ હોય છે અને તેમની અલગ ખાસીયત એ હોય છે કે મુળ વાતને વફાદાર રહી અને રવાડ વાતો કરતા જાય છે એથી વાર્તા કે પ્રસંગ ભરાવદાર બને છે. ગુલાબદાન બારોટ લેખન કથન અને ગાયનમાં પણ માહિર છે ભકિતરસ, શૌર્યરસ, હાસ્ય કે કરૂણરસ પર કલાકો નહી પણ દિવસો સુધી બોલવું  એના માટે ખુબ જ આશાન છે.

ગુલાબદાનજીએ લગાતાર ૧૬ દિવસ સુધી કરેલા કાર્યક્રમમાં આજે રજુ થયેલી વાત સાહિત્ય હાસ્ય કે કાવ્યએ બીજા દિવસે ન આવે આમ સતત સોળ દિવસ સુધી નવું જ સાહિત્ય નવું જ હાસ્ય, નવું જ કાવ્યની રજુઆતે વિશાળ સંખ્યામાં શ્રોતાજનોને રસ તરબોળ કર્યા હતા. ગુલાબદાન બારોટે આફ્રિકા, દુબઇ સહિતના દેશોમાં લોકસાહિત્ય હાસ્ય રસના કાર્યક્રમો દ્વારા ત્યાં વસતા ગુજરાતીઓને પોતાની આગવી કળાથી રસતરબોળ કર્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા યોજાતા લોકાર્પણ, ખાતામુહુર્ત, નવરાત્રી ઉત્સવ ગરીબ કલ્યાણ મેળો જેવા ઉત્સવોમાં પણ ગુલાબદાન બારોટ લોકસાહિત્ય, હાસ્યરસ ના કાર્યક્રમોમાં પણ વિશાળ જન સમુદાયની લોકચાહના મેળવી છે.

ગુલાબદાન બારોટની પ્રિય કવિતાઓ

જેની જયાં જરૂર છે, તેને ન ત્યજાય બાકસ ઘર બાળી દયે, પણ રોજ ઘરમાં રખાય,

ફેરવ્યા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય ફૈબાને મુછુ ઉગે, કાકો નો કહેવાય

આજે બેસતું વરસ, આવતીકાલે ઉભુ થાય અને પરમ દિવસે હાલતું થાય અને હાલી હાલીને ઇ વરદ થાકી જાય… વગેરે વગેરે….

ઉગતા કલાકારોએ ગાંઠે બાંધવા જેવી વાત

હાસ્યની જનેતા વેદના છે, જો તમે વેદના ભોગવી હશે તો સારા હાસ્ય કલાકાર થઇ શકશો લોક સાહિત્યકાર કે સર્જક થવા માટે ખુબ જ વાંચવું, સાંભળવું અને પછી જ સ્ટેજ પર જવું

કલાકારની ભાષા ‘તોતળી’ હશે તો ચાલશે પરંતુ ‘તોછડી’ હશે તો નહિં ચાલે

લોક સાહિત્ય અને હાસ્યરસમાં ભાષા શુઘ્ધિ જરૂરી

નિર્દોષ હાસ્યરસ પીરસવાનો આગ્રહ રાખવો વગેરે વગેરે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.