Abtak Media Google News

ફરજમાં હાજર ન થતાં રાજકોટ આરટીઓ કચેરીના બે કર્મચારીઓને કારણ દર્શક નોટિસ તેમજ કોટડા સાંગાણી અને લોધીકાના બે કર્મચારીઓ સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરતા ગ્રામ્ય પ્રાંત ડો. ઓમ પ્રકાશ

ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરીમાં હાજર ન થતા બે કર્મચારીઓને પોલીસે ઉપાડયા હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય પ્રાંતે ઓર્ડર થયો હોવા છતાં ફરજમાં હાજર ન થનાર રાજકોટ આરટીઓ કચેરીના બે કર્મચારીઓને કારણદર્શક નોટીસ તેમજ કોટડાસાંગાણી અને લોધીકાના બે કર્મચારીઓ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ જીલ્લા સહિત રાજયનાં ૧રર કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળે કામગીરીનો બહિષ્કાર કરતા જીલ્લા કલેકટરે તાત્કાલીક અન્ય કચેરીઓમાં સરકારી કર્મચારીઓના ધડાધડ ઓર્ડર કર્યા હતા. ત્યારે રાજકોટ આરટીઓ કચેરી અને તાલુકા પંચાયતોનાં સ્ટાફને પણ મગફળી ખરીદીની કામગીરીમાં બોલાવવામાં આવ્યા હતા.

આ વેળાએ લોધીકા તાલુકા પંચાયત કચેરીનાં અધિક મદદનીશ ઇજનેર, કોટડા સાંગાણી તાલુકા પંચાયત કચેરીનાં અધિક મદદનીશ ઇજનેર જીનલ પટેલ, રાજકોટ આરટીઓ કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષક આર.આર.પટેલ તેમજ સંદીપ એન. નાડીયા ફરજ પર હાજર ન થતાં તેઓને રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી ડો. ઓમ પ્રકાશ દ્વારા કારણદર્શન નોટીસ ફટકારવામાં આવી હતી.

બાદમાં આરટીઓ કચેરીનાં બે કર્મચારીઓ નોટીસના પગલે ફરજ પર હાજર થઇ ગયા હતા. જયારે બાકીના બે કર્મચારીઓ ફરજ પર હાજર ન થતાં તેઓ સામે રાજકોટ ગ્રામ્ય પ્રાંતે ફોજદારી કાર્યરીતી સહીતા તબે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યુ હતું. જેના પગલે પોલીસે લોધીકા અને કોટડા સાંગાણીના કર્મચારીઓ જીનલ પટેલ અને લખધીરસિંહ પરમારની અટક કરી હાજર કરવામાં આવ્યા હતા.

બાદમાં આ બંને કર્મચારીઓએ મગફળી ખરીદી પ્રક્રિયાની સોંપેલી ફરજો સંભાળી લીધી છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો. ઓમ પ્રકાશ દ્વારા અન્ય કર્મચારીઓની ગેરહાજરી સંબંધે શિસ્ત ભંગના પગલા લેવા કારણદર્શક નોટીસો ઇસ્યુ કરવાની કાર્યવાહી ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.