Abtak Media Google News

પ્રચારના ભુંગળા શાંત થતા હવે ડોર ટુ ડોર સંપર્ક

 

અબતક,દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાની રવિવારે 338 ગ્રામ પંચાયતોની યોજાનારી ચૂંટણીમાં 333 સરપંચ અને 1882 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.

હાલ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીલક્ષી માહોલ જોવા મળી રહ્યો છે. અને પ્રચાર અંતિમ ચરણમાં પ્રવેશી ગયો છે.

ત્યારે આજે સાંજના પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે ત્યારે મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક શરૂૂ થશે.

જૂનાગઢ જિલ્લામાં કુલ 412 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી, 17 માં પેટા ચૂંટણી અને કેશોદના ખીરસરામા મધ્યસત્ર ચૂંટણી મળી કુલ 430 ગ્રામ પંચાયતોમાં અને 3,458 વોર્ડમાં ચૂંટણી જાહેર કરાઇ હતી .દરમિયાન સરપંચ પદ માટે 412 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 62 ગ્રામપંચાયતો બિન હરીફ થયા છે. જ્યારે 3 ગામોમાં એક પણ ફોર્મ ન ભરાતા, 3 સરપંચ અને 3 વોડે ખાલી રહ્યા છે. ત્યારે આ ગામોમાં ફરીથી ચૂંટણી યોજાશે. આમ હાલમાં જૂનાગઢ જિલ્લામાં 338 ગ્રામ પંચાયતોમાં 333 સરપંચો અને 1882 વોડે માટે ચૂંટણી જંગ જામવાનો છે.

આગામી રવિવારે જૂનાગઢ જિલ્લામાં યોજાનાર 338 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 787 મતદાન મથકો પૈકી 256 સંવેદનશીલ મતદાન મથકો અને 165 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે જ્યારે સામાન્ય મતદાન મથકની સંખ્યા 358 છે, જ્યાં આગામી તા 19 ડિસેમ્બરના રોજ રવિવારે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન ની કાર્યવાહી કરવામાં આવશે.

જુનાગઢ જિલ્લામાં આગામી રવિવારે 338 ગામોમાં ચૂંટણી યોજાય રહી છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોના કાર્યાલયો ધમધમી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી દરમિયાન જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે .જ્યારે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.