પોરબંદર: ભારવાડા ગામે બાકડે બેઠેલા બે ભાઈઓ પર કાળ બની કાર ત્રાટકી

કાર ચાલકે બાકડા સહિત બંને ભાઈઓને હડફેટે લઈ ખાડામાં ખાબકી: બંને ભાઈઓના મોત

પોરબંદરના ભારવાડા ગામે બાકડા પર બેઠેલા બે પિતરાઈ ભાઈઓ પર કાર કાળ બનીને ત્રાટકતા બંનેના કરુણ મોત નીપજ્યા છે. કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા તેને બાકડા અને બંને ભાઈઓને ઠોકર મારી કાર પાણીમાં ખાબકી હતી. જેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના દેવાંગ ગામે સીમ વિસ્તારમાં રહેતા લખમણભાઇ માલદેવભાઈ ઓડેદરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના કાકા અરજણભાઇ રાણાભાઇ ઓડેદરા (ઉ.વ.55) અને તેમના મોટા બાપા છગનભાઈ મસરીભાઈ ઓડેદરા (ઉ.વ.53) બંને પિતરાઈ ભાઈઓ બસ સ્ટેન્ડ પાસે આવેલા પીપળાના વૃક્ષ નીચે સિમેન્ટના બાંકડા પર બેઠા હતા.

તે દરમિયાન ત્યાંથી કાર લઈને પસાર થઈ રહેલા અજીત ઉર્ફે અજ્જુ રણમલ ગોઢાણીયા નામના શખ્સે સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવતા તેને બાકડા સાથે બંને ભાઈઓને હડફેટે લઈ પાણીમાં ખાબકી હતી. ગોઝારો અકસ્માત સર્જાતા જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી ગયો હતો.પોલીસે ઘટના સ્થળ પર પહોંચી જેસીબીની મદદથી પાણીના ખાડામાંથી કાર અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. એક જ પરિવારમાંથી બે અર્થી ઉઠતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.