Abtak Media Google News

2030 સુધીમાં ભારતમાં વીજળીની માંગ બમણી થઈ જશે, મોદીનું વિઝન આ માંગને બિન પરંપરાગત ઉર્જાથી પુરી કરવા સક્ષમ હશે

અબતક, નવી દિલ્હી

ભારતમાં વીજળીની માંગ 2030 સુધીમાં બમણી થઈ જવાની છે. ત્યારે આ માંગને ભારત રીન્યુએબલ એનર્જી વડે પુરી કરી શકવા સક્ષમ છે. જેના માટે ઊર્જા સંગ્રહ, કૃષિ લોડ શિફ્ટિંગ, હાઇડ્રોપાવર સહિતની રિન્યુએબલ એનર્જી, પૂરક ફ્લેક્ષીબલ સંસાધનો અને થર્મલ પાવર સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ જરૂરી બનશે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના આર્થિક વિકાસ, ઉર્જા અને પર્યાવરણ માટેના અન્ડર સેક્રેટરી જોસ ડબલ્યુ. ફર્નાન્ડીઝ અને ભારતના પાવર મંત્રાલયના સચિવ આલોક કુમારે ગુરુવારે વર્ચ્યુઅલ લોન્ચ દરમિયાન લેવરન્સ બેર્કલી નેશનલ લેબોરેટરીના અભ્યાસ પર પ્રકાશ પાડ્યો હતો. આ અભ્યાસ યુએસ-ઈન્ડિયા ક્લીન એનર્જી ફાઈનાન્સ ટાસ્ક ફોર્સના ફ્લેક્સિબલ રિસોર્સિસ ઈનિશિએટિવ હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો, જેનું સંચાલન સ્ટેટ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઑફ એનર્જી રિસોર્સિસ દ્વારા કરવામાં આવે છે.  એફઆરઆઈ તેના સ્વચ્છ ઉર્જા સંક્રમણના સમર્થનમાં ભારતની પાવર સિસ્ટમની ફ્લેકસીબલિટી અને મજબૂતાઈને વધારવા માટે ખર્ચ-અસરકારક વ્યૂહરચનાઓને આગળ ધપાવે છે.

જો ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ પુન:પ્રાપ્ય ઊર્જા સ્થાપિત કરવાના તેના લક્ષ્યને પૂર્ણ કરે છે, તો તે તેની વીજળીની બમણી માંગને પુરી કરી શકશે. પ્રદૂષિત કોલસા અને ગેસ આધારિત પાવર પ્લાન્ટને બંધ કર્યા વિના ઉત્સર્જનમાં ઘટાડો કરી શકશે. તેવું અભ્યાસમાં જાહેર કરવામાં આવ્યું છે.

તાજેતરના સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતની ખર્ચ- અસરકારકતાને આ અભ્યાસ માન્યતા આપે છે. ભારત 2030 સુધીમાં 500 ગીગા વોટ નવીનીકરણીય ઊર્જા ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરશે. પરંતુ, આ આશાવાદી પ્રક્ષેપણ માટે શરતો છે. બેટરી સ્ટોરેજ, પવન અને સૌર ઉર્જા ટેક્નોલોજીનો ખર્ચ ઘટતો રહેવો જોઈએ.  તેમને ફ્લેકસીબલ સંસાધનો જેવા કે કાર્યક્ષમ ઉર્જા સંગ્રહ, કૃષિ લોડ શિફ્ટિંગ, હાઇડ્રોપાવર અને દેશમાં પાવર એસેટ સાથે હાલની થર્મલ પાવર સાથે પૂરક હોવા જોઈએ.

 

વીજળીની કિંમત 8% થી 10% સુધી ઘટાડી શકાય છે

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા સંચાલિત યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાયન્સ લેબોરેટરી લોરેન્સ બર્કલે નેશનલ લેબોરેટરી દ્વારા કરાયેલ અભ્યાસ સૂચવે છે કે જો ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ વીજળી ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય હાંસલ કરે છે, તો તે ખર્ચમાં ઘટાડો કરી શકે છે. વીજળીનો ભાવ 8% થી ઘટાડીને 10% થઈ શકે એમ છે. નવીનીકરણીય ઉર્જા અને બેટરી સ્ટોરેજની કિંમતો સતત ઘટતી રહેશે. ઉપરાંત 2020ના સ્તરો કરતાં 2030 સુધીમાં વીજળી પુરવઠાની કાર્બન ઉત્સર્જનની તીવ્રતાને 43% થી 50% સુધી ઘટાડી શકાશે.

 

2022 સુધીમાં 175 ગીગા વોટ પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક

ભારતે 2022 સુધીમાં 175 ગીગા વોટ પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં ભારત 100 ગીગા વોટ પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરી રહ્યું છે. આ ક્ષમતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2030 સુધીમાં 500 ગીગા વોટ સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી છે. અભ્યાસ સૂચવે છે કે જો ભારત 2030 નું લક્ષ્ય હાંસલ કરે છે, તો તેનો 50% વીજ પુરવઠો કાર્બન મુક્ત સ્ત્રોતોમાંથી આવી શકે છે, જ્યારે 2020 માં તે માત્ર 25% હતો.

 

આગામી સમયમાં કાર્યક્ષમ નીતિની જરૂર પડશે

પરંપરાગત કોલસો અને ગેસ પાવર પ્લાન્ટને તાત્કાલિક બંધ કરવાની જરૂર નથી. પણ આગળ જતા એક સમયે, ભારતે કાર્યક્ષમ નીતિ અને નિયમનકારી માળખામાં કેટલાક નિયમનકારી ફેરફારો કરવાની જરૂર પડશે. માળખામાં રાજ્યોને એકબીજા સાથે સંસાધનોની વહેંચણી કરવા, પાવર યુટિલિટીઝના આયોજન અને પ્રાપ્તિ પ્રથાઓમાં વિશ્વસનીયતા અને ખર્ચ-અસરકારકતાને એકીકૃત કરવા, વીજળીના બજારોમાં વધારો કરવા અને ઉર્જા સંગ્રહની વ્યાજબી કિંમત અને વળતરની ખાતરી કરવાના નિર્ણયો પણ લેવા પડશે.

 

યુએસ-ઈન્ડિયા ક્લિન એનર્જી ફાઈનાન્સ ટાસ્ક ફોર્સના ફ્લેક્સિબલ રિસોર્સિસ ઈનિશિએટિવ હેઠળ હાથ ધરાયેલા અભ્યાસમાં સામે આવ્યું, વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ પુન:પ્રાપ્ય ઊર્જા સ્થાપિત કરવાનો મોદીનો લક્ષ્ય સાકાર થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.