Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં  58 જન ઔષધિ કેન્દ્રો કાર્યરત: 5 કરોડની આસપાસ જનઔષધિ દવાનું વેચાણ થયું

મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોમાં કોઇ માંદગી આવે એટલે તેમની આવકનો મોટો ભાગ આ માંદગી અને તેની દવાઓ પાછળ જતો હોય છે, અને અનેક નાણાકિય સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. અમુક વખત બ્લડ પ્રેશર જેવા રોગોની દવાઓ મોંઘી હોવાને કારણે નિયમિતપણે ન લેવાથી તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવુ પણ બનતું હોય છે. આ માટે સરકારે નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવાના શુભ ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી ભારતીય જનઔષિધ પરિયોજના (PMBJP) અમલમાં મુકી છે. ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ વિભાગ અંતર્ગત અમલીકરણ એજન્સી ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસિસ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા આ યોજના ચલાવવામાં આવી રહી છે.

Advertisement

Pmbi

દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછો એક જન ઔષધિ સ્ટોર હોવાના ઉદ્દેશ્ય સાથે જન ઔષધિ  યોજના નવેમ્બર, 2008માં શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ ડીસેમ્બર-2017માં 3000 કેન્દ્રો ખોલવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો. માર્ચ, 2020મા કુલ 6000 કેન્દ્રો ખુલ્યા. હાલ ફેબ્રુઆરી 2023 સુધીમાં સમગ્ર દેશમાં 9000થી વધુ જનઔષધિ કેન્દ્રો કાર્યરત થયા છે. આ રીટેઇલ વિતરણ કેન્દ્રો સરકારી એજન્સીઓ તેમજ ખાનગી સાહસિકો દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં રાહત ભાવે એલોપેથિક દવાઓ અને સાધનોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જનઔષધિ કેન્દ્રમાં ડબલ્યુ.એચ.ઓ. જી.એમ પી. સર્ટીફિકેટવાળી ઉચ્ચ ગુણવત્તાની દવાઓ મળે છે.

રાજકોટ જિલ્લામાં કૂલ 58 જનઔષધિ કેન્દ્ર આવેલા છે. જિલ્લામાં વર્ષ 2022-23 દરમ્યાન 5 કરોડની આસપાસ જનઔષધિ દવાનું વેચાણ થયું હતું. આનાથી રાજકોટ જીલ્લાના અંદાજિત 20 કરોડ રૂપિયાની આસપાસ બચત થયેલ છે. ગુજરાતમાં કૂલ  500થી વધુ  જનઔષધિ કેન્દ્ર કાર્યરત છે. આપની નજીકના જન ઔષધિ કેન્દ્ર, ઉપલબ્ધ દવાઓ, તેના ભાવ વગેરે તમામ માહિતી આંગળીના ટેરવે જન ઔષધિ સુગમ એપ (લિંક: http://onelink.to/janaushadisugam) દ્વારા મેળવી શકાય છે, તેમજ 1800-180-8080 હેલ્પલાઇન પર સંપર્ક કરી શકાય છે.

જન ઔષધિ- સસ્તી ભી, અચ્છી  ભી

માત્ર ઊંચી કિંમતે મળતી દવા જ ગુણવત્તાવાળી હોય એવી ધારણાનો સામનો કરવા માટે સમાજિક શિક્ષણ અને પ્રચાર દ્વારા જેનેરિક દવાઓ વિશે આ યોજના અંતર્ગત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા મોટા પ્રમાણમાં થતી ખરીદી, નવી વિતરણ વ્યવસ્થા  અને ઘટાડેલા નફા વડે સારામાં સારી ગુણવત્તા ધરાવતી દવાઓ અસરકારક રીતે ઓછા ભાવે પુરી પાડી શકે છે. જન ઔષધિ દવાઓની કિંમત બ્રાન્ડેડ દવાઓના 50 ટકા થી 90 ટકા જેટલી હોય છે.

મહિલાઓ માટે જન ઔષધિ સુવિધા સેનેટરી પેડ ફક્ત 1  રૂપિયાનું એક પેડ મળે છે. આ યોજનામાં 1700થી વધુ પ્રકારની દવાઓ અને 280 સર્જિકલ સાધનોને આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત, પ્રિસ્ક્રિપ્શનના પ્રચલિત વલણો અનુસાર નવી દવાઓ અને સંયોજન દવાઓને દર વર્ષે ઉમેરવામાં આવે છે.

દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા ગુડ મેન્યુફેકચરિંગ પ્રેક્ટિસ (WHO-GMP)  પ્રમાણિત સપ્લાયર્સ પાસેથી જ દવાઓ ખરીદવામાં આવે છે. તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ખરીદી પછી વેરહાઉસ પર પ્રાપ્તિ થયે દરેક બેચનું પરીક્ષણ કરવામાં આવે છે. આ માટે નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલીબ્રેશન લેબોરેટરીઝ(NABL) દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાઓમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. અત્યાધુનિક સોફ્ટવેર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએથી ગ્રાહક સુધી થતા વિતરણની દેખરેખ રાખવામાં આવે છે.

જન ઔષધિ- સેવા ભી, રોજગાર ભી

જન ઔષધિ કેન્દ્રો દ્વારા જેનેરિક દવાઓ પુરી પાડવા માટે સરકાર ઉદ્યોગ સાહિસકોને આમંત્રણ આપે છે, અને પાત્રતા ધરાવતા અરજદારોને કેન્દ્ર ખોલવા માટે ડ્રગ લાયસન્સ અને અન્ય માળખાકીય સુવિધાઓની મદદ પુરી પાડે છે. જે અંતર્ગત ફક્ત સરકાર દ્વારા નક્કી કરાયેલા વિસ્તારો માટે રૂ. 2 લાખ સુધીની સહાય કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ફર્નિચર માટે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત જન ઔષધિ કેન્દ્રના માલિકોને સુગમ સંચાલન માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં માસિક ખરીદના 15% લેખે મહિનાના રૂ. 15,000ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.