Abtak Media Google News

સાવરકુંડલામાં દોઢ ઈંચ વરસાદ: ધારી, ખાંભા, બાબરા, ભેંસાણ, બિલખા, વિસાવદર અને જુનાગઢનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રના ઉપલેટા, જસદણ, ચોટીલા, ધોરાજી, જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલ બપોરબાદથી પ્રિ-મોન્સુન એક્ટિવીટી ધમધમતી થઇ છે. સૌરાષ્ટ્ર પંથકમાં બુધવારે બપોર બાદ અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે હળવા ઝાપટા વરસ્યા હતા. સૌરાષ્ટ્રમાં વૃક્ષ ધરાશાયી અને વીજ પુરવઠો ખોરવાયાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી.

  • ઉપલેટા

V 7

ઉપલેટા શહેર-તાલુકામાં કોરોનાનાં કહેર વચ્ચે ભરઉનાળામાં અડધાથી એક ઈંચ વરસાદ એકાએક પવન સાથે ખાબકતા ખેતરમાં વાવેલ ઉનાળુ પાકને નુકસાની થવા પામી છે. તેમજ ભાયાવદર, ખાખીજાળીયા અને નાની ખાવડી ગામે રસ્તા પર મોટા ઝાડ પડી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મજુરોને આહિર સમાજની વાડીમાં રહેવા-જમવાની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે ભરઉનાળે શહેરમાં વરસાદનું આગમન થતા એકાદ કલાકમાં એક ઈંચ પાણી પડી ગયું હતું જયારે ખાખીજાળીયા, મોજીરા સહિતનાં ગામોનાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદનાં કારણે ખેતરોમાં વાવેલ ઉનાળુ પાકને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. જયારે ભારે પવનને કારણે ખાખીજાળીયા ભાયાવદર રોડ ઉપર પીપરનાં મોટા ઝાડ પડી જતા વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો. નાની વાવડી ગામનાં આગેવાન નિલેશ કણસાગરા અને તેની ટીમ દ્વારા આ ઝાડને દુર કરવામાં આવ્યા હતા. ભાયાવદર-ખાખીજાળીયા રોડ ઉપર ભાયાવદરનાં પીએસઆઈ ચાવડા, સ્ટાફનાં શિવુભા ઝાલા સહિતનાં સ્ટાફે પહોંચી ઝાડને દુર કરી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યા હતા.

  • બિલખા

બિલખાનાં નવા પીપળીયામાં ભારે પવન સાથે કરા અને વરસાદથી ખેડુતોનાં પાકને ભારે નુકસાન અને ઝાડ પડી ગયા હોય, કોઈ જગ્યાએ પતરાઓ ઉડી ગયા હોય તેવી ફરિયાદો ઉઠવા પામી હતી. ખેતર અને રોડ પર પાણી ફરી વળ્યા હતા અને કપાસનો પાક પણ પલળી ગયો હતો.

  • જસદણ

V 9

જસદણ પંથકમાં બુધવારે સાંજે ધુપ-છાંવ પછી વિજળીનાં ગડગડાટ સાથે છાંટા પડવાનું શ‚ થયું હતું. જસદણનાં કડુકા સહિતનાં ૧૨ જેટલા ગામોમાં વરસાદી વાતાવરણ છવાયું હતું. વિજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદી વાતાવરણ છવાતા ખેડુતોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી. બે કલાકનાં ધુપ-છાંવ બાદ અચાનક વિજળીનાં ગડગડાટ વચ્ચે છાંટા શ‚ થતા રોડ-રસ્તા ભીંજાઈ ગયા હતા.

  • ધોરાજી

V 8

ધોરાજીમાં ગઈકાલે બપોર બાદ જોરદાર પવન સાથે વિજળીનાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીનાં મુખ્ય માર્ગો પર અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ખેડુતોનાં ઉભા પાક મગફળી, તલ, અડદ સહિતનાં પાકને નુકસાન જાય તેવી ભીતિ સર્જાય છે.

  • ચોટીલા

ચોટીલાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પવનનાં સુસવાટા સાથે ગઈકાલે બપોર બાદ અચાનક જ ઝાપટુ પડતા ખેડુતો ચિંતાતુર બન્યા છે. ચોટીલાનાં આણંદપુર, ચોબારી સહિત રાજપર જેવા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડયું હતું અને હાલ ચોટીલાથી નજીક થાન ગામે કોરોના વાયરસનો એક કેસ પોઝીટીવ નોંધાતા ચોટીલા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદી ઝાપટુ પડતા કોરોના વાયરસ વધુ સંક્રમિત થાય તેવી ભીતિ સર્જાય હતી.

  • જુનાગઢ

ગઈકાલે સોરઠનાં વાતાવરણમાં બપોર બાદ અચાનક જ પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ થતા ગીરની કેરી સહિતનાં વિવિધ પાકોને ભારે નુકસાન પહોંચવાનાં અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જુનાગઢમાં તોફાની પવન સાથે કાળા દિબાંગ વાદળો છવાયા હતા. સદનશીબે કમોસમી વરસાદ વરસ્યો નથી પરંતુ  જુનાગઢની આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભેંસાણ, મેંદરડા અને વિસાવદર ૫ંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના વાવડ મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.