Abtak Media Google News

યુવક મહોત્સવને સફળ બનાવવા જુદી-જુદી ૨૦ કમિટીઓની રચના કરાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુષુપ્ત શકિતઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું આયોજન થાય છે તે અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા.૮,૯ અને ૧૦ ઓકટોબર એમ ત્રણ દિવસ ૪૮માં યુવક મહોત્સવ થનગનાટ-૨૦૧૮નું આયોજન યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર ૪૮માં યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જીલ્લાઓની ૯૭ કોલેજોના આશરે ૩૫૦૦ જેટલા સ્પર્ધકો ૩૩ જેટલી સ્પર્ધાઓમાં સહભાગી થવા માટે થનગની રહ્યા છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૮માં યુવક મહોત્સવ થનગનાટ-૨૦૧૮નું ઉદઘાટન તા.૮/૧૦/૨૦૧૮ના રોજ સવારે ૯:૪૫ કલાકે ગુજરાત રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે લોકસાહિત્યકાર પદ્મ ભીખુદાન ગઢવી, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા તેમજ લોકગાયક બિહારી હેમુભાઈ ગઢવી ઉપસ્થિત રહેશે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર અને ગાંધીજીની કર્મભૂમિ એટલે કે રાજકોટ આ બે મહત્વના સ્થળો ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા છે. ગાંધીજીમાંથી પ્રેરણા લઈ સામાન્ય મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા તરફની કૂચ પ્રતિકુળતા વચ્ચે કરી હતી તેમાંથી યુવાનોને પ્રેરણા મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના ઉજવણીના ભાગરૂપે આ યુવક મહોત્સવમાં ગાંધીજીના જીવન આધારીત વિવિધ ઘટનાઓને પ્રદર્શિત કરવામાં આવનાર છે.

આ યુવક મહોત્સવને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવે તથા કુલસચિવ ડો.ધીરેન પંડયાના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ૨૦ કમિટીઓની રચના કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ કમિટીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો, એકેડેમિક કાઉન્સિલના સભ્યો તેમજ કોલેજોના આચાર્યોની વિવિધ ટીમ દ્વારા યુવક મહોત્સવની કામગીરીનું સંકલન તેમજ માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે. આ યુવક મહોત્સવને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો, સેનેટ સભ્યો, વિવિધ ભવનોના અધ્યક્ષ, પ્રાધ્યાપક, સંલગ્ન કોલેજના પ્રિન્સીપાલ, યુનિવર્સિટીના વિવિધ અધિકારીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવે અને કુલસચિવ ડો.ધીરેન પંડયાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.