જામનગર જિલ્લામાં કોરોનાની રસી આપવાની તૈયારી શરૂ

માસાંત સુધીમાં કોરોના રસી આપવા સજ્જ થતું વહીવટી તંત્ર

મતદાન કેન્દ્રો પર જ થશે રસીકરણ: ચાર તબક્કે રસી અપાશે

જામનગર જિલ્લામાં ચાલુ મહિનાના અંત સુધીમાં અથવા તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કોરોનાની વેક્સીન આપવાનું શરૂ થાય તેવી સંભાવનાઓ છે. તેવી જાહેરાત  જામનગરના જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે. જામનગર જિલ્લાના ૧,૨૩૭ મતદાન કેન્દ્રો ઉપરથી આપવાનો પ્રારંભ કરવામાં આવશે, જે અંગેની સંપૂર્ણ તૈયારીઓ પણ હાથ ધરી લેવામાં આવી છે. પ્રથમ ચાર તબક્કામાં વેકસીનેશન ની પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં સૌપ્રથમ હેલ્થ વર્કરને અપાશે, ત્યાર પછી ફ્રન્ટલાઈન વોરિયર, ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરની વયના લોકો, અને ચોથા તબક્કામાં ૧૮થી ૫૦ વર્ષની વયના જુદી-જુદી બીમારી થી પીડાતા લોકો ને વેક્સિનેશન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જામનગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ચાલુ માસના અંત સુધીમાં કોરોના વેક્સિન આપવામાં આવે તેવી તૈયારીઓ પરિપૂર્ણ કરી લેવામાં આવી છે. જે અંગેની સંપૂર્ણ માહિતી આપતાં જિલ્લા કલેકટર રવિશંકરે જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં કુલ ૧,૨૩૭ મતદાન કેન્દ્ર છે તે તમામ મતદાન કેન્દ્રો ઉપરથી જ વેક્સિનેશન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે મતદાન કેન્દ્ર પર લોકો પોતાનો મત આપવા માટે જાય છે તે સ્થળે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. જે અંગેની વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

પ્રથમ ચાર તબક્કાઓ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સૌથી પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરને વેક્સિનેશન પાસે તેમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો તથા તમામ પેરામેડિકલ સ્ટાફ ઉપરાંત જામનગર શહેરના તબીબો અને પેરામેડિકલ સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ વગેરે ને આવરી લેવાયા છે. અને જેઓની સંખ્યા ૧૨,૨૦૧ જેટલી થાય છે, ઉપરાંત હજુ પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે.

બીજા તબક્કાના ફ્રન્ટલાઈન વર્કર ને વેક્સિનેશન અપાશે, જેમાં જામનગર મહાનગરપાલિકા તથા અન્ય સરકારી ઓફિસોમાં ફરજ બજાવતા કર્મચારીઓ, બેંક કર્મચારીઓ, પોલીસ વિભાગ, સૈનિક, સહિતના તમામ લોકો કે જેઓ સીધા પબ્લિકના સંપર્કમાં આવે છે. તે તમામને વેક્સિનેશન અપાશે. ઉપરાંત જામનગરના વેપારીઓને પણ ફ્રન્ટલાઈન વર્કર તરીકે ગણવામાં આવ્યા છે.  જેઓ પણ પબ્લિકના સીધા સંપર્કમાં આવે છે, જેનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે.અને તેઓની સંખ્યા હવે પછી સુનિશ્ચિત થશે.

ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષની વયથી ઉપરના લોકોને  અપાશે. જેની મતદાર યાદી પ્રમાણે જામનગર જિલ્લામાં કુલ ૩,૮૪,૧૪૪ મતદારો એવા છે કે જેઓની વય પચાસ વર્ષથી વધુની છે. તેની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. ઉપરાંત હજુ પણ સર્વેની કામગીરી ચાલુ છે અને ત્રીજા તબક્કામાં તેઓને રસી અપાશે.

ત્યાર પછી ચોથા તબક્કામાં ૧૮થી ૫૦ વર્ષની વયના મતદારો કે જેઓ કેન્સર, થેલેસેમિયા, ડાયાબિટીસ, બીપી સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે, તેવા લોકોની યાદી તૈયાર કરીને ચોથા તબક્કામાં તેઓને પણ વેક્સિનેશન અપાશે.

પ્રથમ ચાર તબક્કા ની હાલ જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. અને સરકાર દ્વારા વેંકસીનનો જથ્થો પૂરો પાડવામાં આવે, ત્યાર પછી તાત્કાલિક અસરથી વેક્સિનેશન પ્રક્રિયાઓ શરૂ થઈ જશે. જેમાં જામનગર શહેરના બંને વિધાનસભા વિસ્તારોમાં જામનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા વેક્સિનેશન ની પ્રક્રિયા હાથ ધરાશે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત હસ્તક વેક્સિનેશન ની કાર્યવાહી હાથ ધરાશે. ઈન્જેકશન આપવા માટે હાલ ૪૦૦ વર્કરો તૈયાર છે અને તાલીમ અપાઇ ગઇ છે. ત્યારે તેનો અંકમાં ૧,૨૩૭ કરવા માટેની પ્રક્રિયાઓ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અને જિલ્લાના તમામ ૧,૨૩૭ મતદાન મથકો ઉપર  પૂરતો સ્ટાફ ઉપલબ્ધ બને તેની પ્રક્રિયાઓ પણ હાથ ધરી લેવામાં આવી છે.

જિલ્લામાં ૩૭ લાખ એમએલ રસીનો જથ્થો સંગ્રહ કરી શકાશે

જામનગર જિલ્લામાં કોરોના ના વેક્સિન ના જથ્થો ઉપલબ્ધ થાય ત્યારપછી તેને સ્ટોરેજ કરવા માટેની વ્યવસ્થા પણ વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવી છે. આશરે ૩૭ લાખ મિલીલીટર કેપેસિટીનો જથ્થો સ્ટોરેજ કરી શકાય તે માટેની વ્યવસ્થાઓ કરી લીધી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ઉપરાંત શહેર અને જિલ્લાના જુદાજુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ જિલ્લાની અન્ય સરકારી હોસ્પિટલો વગેરે તમામ સ્થળોમાં ૩૭ લાખ મિલીલીટરની કેપેસીટીમાં જથ્થો સ્ટોરેજ કરી શકાય તે માટેની વ્યવસ્થા ઊભી કરી લેવામાં આવી છે. ઉપરાંત વધુ જથ્થો સ્ટોરેજ કરવાની જરૂરિયાત રહે તો તે માટે નેવીની હોસ્પિટલમાં પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને જરૂર પડયે નેવીની સરકારી હોસ્પિટલનો પણ ઉપયોગ કરવામાં આવશે. અને ત્યાં પણ વેક્સિનનું સ્ટોરેજ કરાશે તેમ કલેકટરે જણાવ્યું હતું.

વેક્સિનના ડોઝના સર્વેની કામગીરીમાં સહકાર આપવા મ્યુ.કમિશનરની અપીલ

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું વેકસીન આપવા માટેની વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટૂકડી શહેરમા ઘેર-ઘેર સર્વે કરવા માટે આવશે ત્યારે જે વ્યક્તિના ડોઝ આપવા માટે નામોની યાદી અને ફોટો આઈડી આધારકાર્ડ સહિતની જરૂરી માહિતી પૂરી પાડવા માટે સહયોગ આપવા માટે ની મ્યુનિ.કમિશનર સતીષ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે. જેથી ઘરે સર્વે કરવા આવનાર સ્ટાફને ઝડપથી જરૂરી માહિતી મળી જશે તો તેની પ્રક્રિયાઓ વહેલી તકે શરૂ કરવામાં મદદરૂપ થશે, તેમ મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું હતું.