Abtak Media Google News

જો કચરાની સમસ્યા નહીં ઉકેલાય તો સરપંચના ઘર પાસે કચરો નાખવાની રહીશોની ચીમકી

અબતક, ઋષિ મેહતા, મોરબી

એક બાજુ સ્વચ્છ ભારતની વાત થતી હોય ત્યારે બીજી બાજુ ગામડાઓની હાલત પણ અતિ ગંભીર બનતી જાય છે. ટંકારા તાલુકાના વિરપર ગામે જાહેરમાં કચરો ફેકતા હોવાની એક સ્થાનિક વ્યક્તિએ તો કલેકટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત પણ કરી છે. જોકે, એક બાજુ કોરોના મહામારીએ માંડ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી બાજુ મેલેરિયા, ડેન્ગ્યુના કેસોમાં પણ હાલમાં જ વધારો જોવા મળી રહ્યો છે. જે બાબતે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજાએ રજુઆત કરી આરોગ્યલક્ષી પગલા ભરવા માંગ કરી હતી. પરંતુ ટંકારાના વિરપર ગામે જાહેરમાં કચરો નખાતા હોવાથી સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ તોળાઇ રહ્યું છે. ત્યારે ગ્રામ પંચાયત ગ્રામજનો માટે સ્વાસ્થ્યલક્ષી પગલા ભરી ગામની  સ્વચ્છતાને જાળવી રાખવી જોઈએ. ત્યારે વિરપર ગામના જ મુંદડિયા સાવન નરેન્દ્રભાઈએ કલેક્ટર અને મામલતદારને આ બાબતે રજુઆત કરી તાત્કાલિક કચરાના ઢગલા દુર કરવા માંગ કરી છે.

તેમણે રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના વિરપર ગામે રહેણાંક વિસ્તારમાં ઘરની સામે કચરાના ઢગલા પડયા હોય જે કચરો પવન મારફતે દરરોજ ઘરમાં તથા શેરીમાં આવતો હોય, સરપંચને છેલ્લા 10 દિવસમાં ફોન દ્વારા તથા રૂબરૂ બેથી ત્રણ વાર કહેવામાં આવેલ હોય પણ સરપંચ દ્વારા કહેવામાં આવેલ કે, જેસીબી મશીન મળે એટલે ઉઠાવી લઉ એવા ઉડાઉ જવાબ આપવામાં આવે છે. અને કોઈ પ્રકારની એ બાબતે કામગીરી કરવામાં આવતી નથી. ત્યાંના રહીશો એ નક્કી કરેલ છે કે જો આ કચરો તાત્કાલિક ઉઠાવવામાં નહી આવે તો, આ કચરાનો ઢગલો ત્યાંના રહીશો દ્વારા ઉઠાવીને સરપંચના ઘરની સામે ઠાલવવામાં આવશે.

તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને આ સમસ્યાથી આજુબાજુમાં રહેતા રહીશોને છુટકારો મળે તેવી રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.