Abtak Media Google News

વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્દઘાટન કર્યા પૂર્વે 9 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ-શો કરશે.  યુએઇ પ્રેસિડેન્ટ પણ રોડ-શોમાં ઉપસ્થિત રહેશે. આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી યોજાશે.

વાયબ્રન્ટ સમિટ પૂર્વે એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી યોજાશે રોડ શો, યુએઇના પ્રેસિડેન્ટ પણ રોડ શોમાં જોડાશે

રોડ-શો બાદ બન્ને દેશના વડા ગાંધીનગર જશે. તથા ટ્રેડ શોમાં પણ પીએમ સાથે યુએક પ્રેસિડેન્ટ હાજર રહેશે. વાયબ્રન્ટ ગુજરાત દરમિયાન ભારત યુએઇ સંબંધો મજબૂત થશે. અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ-શો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. વડાપ્રધાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપીને તેમની મુલાકાત દરમિયાન બીજા દિવસે સમિટની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

સરકાર આ સમીટથી મોટી આશાઓ લઈને બેઠી છે. એવા અંદાજો છે કે આ સમીટ બાદ ગુજરાતમાં રોકાણમાં જબરદસ્ત વધારો થશે. કોરોનાના કારણે ચાર વર્ષ બાદ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લી સમિટ 2019માં યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે રોકાણકારોને ગુજરાતમાં લાવવાની કલ્પના કરીને આ સમિટની શરૂઆત કરી હતી. આ વખતની સમિટ માટે વિશ્વના 35 દેશો ભાગીદાર બન્યા છે અને 14 સંસ્થાઓ સહયોગી બની છે.

જાપાન, મોરોક્કો, રવાન્ડા, યુ.કે., થાઈલેન્ડ, યુએઈ, સિંગાપોર, કઝાકિસ્તાન, એસ્ટોનિયા, યુક્રેન, યુગાન્ડા, ભૂતાન, વિએતનામે સત્તાવાર ક્ધફર્મેશન આપ્યું છે. બીજી તરફ પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત 5 જાન્યુઆરીના રોજ હોટલ લીલા ખાતે હોલિસ્ટિક હેલ્થકેરની થીમ સાથે આરોગ્યલક્ષી સેમિનાર યોજાશે. જેમાં પ્રમોટિંગ ફાર્માસ્યુટિકલ, ટેકનોલોજી અને મેડિકલ સેક્ટરના વિકાસ મુદ્દે ચર્ચા થશે.

12 જાન્યુઆરીના રોજ વેસ્ટ ટૂ એનર્જી પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્લ્ડ બેન્કના ડાયરેક્ટર, નીતિ આયોગ, વર્લ્ડ બેન્ક, જાયકા ઇન્ડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

સેમિનારમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ મુદ્દે પર ચર્ચા કરાશે. કૃષિ અને ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં વેસ્ટ વોટરને રિયુઝ વોટર તરીકે ઉપયોગ કરવા માટેના વિશેષ આયોજનો પર પણ મંથન કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.