Abtak Media Google News
  • ભાજપ સરકાર દ્વારા ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે: ચૈતર વસાવા
  • ગુજરાત સરકારનું બજેટ શહેરીજનો એટલે કે ફક્ત ઉદ્યોગપતિઓ માટેનું છે: ઉમેશ મકવાણા
  • આજના બજેટમાં સૌરાષ્ટ્રને અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોને અન્યાય થયો છે: હેમંત ખવા

Gujarat news : શુક્રવારે ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું હતું. આ અવસર પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા અને જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નમો લક્ષ્મી યોજના, નમો શ્રી યોજના અને નમો સરસ્વતી યોજના જેવી યોજનાઓ લોકોને રીઝવવા લાવ્યા છે. સરકારે કહ્યું છે કે આદિજાતિ લોકો માટે 4374 કરોડ ફાળવવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં આદિવાસી સમુદાય ખૂબ જ મોટો સમુદાય છે, તેમ છતાં પણ ફક્ત 4374 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત એક લાખ કરોડ ફાળવવાની વાત કરવામાં આવી છે પરંતુ 2024 આવ્યું ત્યાં સુધી આ યોજનામાં કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેની કોઈ જાહેરાત કરી નથી. તેવી જ રીતે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના બજેટમાં ફક્ત બાંધકામ કરવા માટે વધારો કર્યો છે. કોઈપણ જગ્યાએ કાયમી ડોક્ટર, કાયમી સ્ટાફ અને કાયમી શિક્ષકોની ભરતી વિશે કોઈ જોગવાઈ કરી નથી. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોને અન્યાય થઈ રહ્યો છે, કારણ કે શહેરી વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થતો નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી વિસ્તારના લોકોને વધુ રકમ ચૂકવવામાં આવે છે. કદાચ સરકાર એ બાબતથી અજાણ છે કે સિમેન્ટ અને રેતી કપચીના ભાવ ગામડા અને શહેરમાં સરખા જ હોય છે. માટે અમારી માંગણી છે કે ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ શહેરી વિસ્તારના લોકોની જેમ 3,50,000 રૂપિયા આપવામાં આવે.

સરકારે ગયા વર્ષે જે બજેટ રજૂ કર્યું હતું તેમાંથી ફક્ત 65 ટકા રકમનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને 35% વણવપરાયેલું પડ્યું છે. જ્યારે સરકારે એક રૂપિયો ચૂકવે છે તો લાભાર્થી સુધી ફક્ત દસ પૈસા પહોંચે છે એવું અમે માનીએ છીએ. ક્યાંક ને ક્યાંક એમની એજન્સીઓ, નકલી કચેરીઓ નકલી અધિકારીઓ આદિવાસી વિસ્તારમાં ધમધમે છે અને ખૂબ જ ભ્રષ્ટાચાર કરે છે. આદિવાસી વિસ્તારમાં 6,500 કરોડની પાણી પુરવઠાની જૂથ યોજનાઓ લાવ્યા છે, પરંતુ ભૂતકાળમાં જેટલી પણ પાણી પુરવઠાની જૂથ યોજનાઓ બની છે તે સદંતર નિષ્ફળ ગઈ છે અને બંધ હાલતમાં છે. આજે 70% ગામડાઓમાં નળથી પાણી નથી પહોંચતું. નળ ફક્ત શોભાના ગાંઠીયા બની ગયા છે. અને આ બજેટ ફક્ત એક આંકડાનું માયાજાળ છે એવું અમને લાગી રહ્યું છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનું બજેટ શહેરીજનો એટલે કે ફક્ત ઉદ્યોગપતિઓ માટેનું છે. આ બજેટમાં મહિલાઓને કોઈ ખાસ લાભ આપવામાં આવ્યો નથી. રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે કોઈ નવી નોકરીઓની જાહેરાત કરવામાં આવી નથી. ખેડૂતોને દેવા માફીની કે સવારે 12 કલાક વીજળી આપવાની અથવા તો પાકની સારી કિંમત આપવાની કોઈ પણ વાત કરવામાં આવી નથી.

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પછાત વર્ગના એટલે કે SC અને OBC સમાજના બાળકોના શિક્ષણ માટે આ બજેટમાં કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી. આમ આદમી પાર્ટી એ ગુજરાતની જનતા પાસેથી સૂચનો મંગાવ્યા હતા અને અમે આ તમામ 57 સૂચનો માનનીય મુખ્યમંત્રી શ્રી ને સોંપ્યા હતા. પરંતુ એ 57 માંથી એક પણ સૂચન ને માન્ય રાખવામાં આવ્યું નથી અને કોઈ સૂચનનું અમલીકરણ પણ કરવામાં આવ્યું હતું. માટે મારું માનવું છે કે આ બજેટ ગુજરાતની જનતાની વિરુદ્ધનું બજેટ છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આજના બજેટમાં સૌરાષ્ટ્રને અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોને અન્યાય થયો છે. સૌરાષ્ટ્રમાં એક પણ નવું પ્રવાસન ધામ બનાવવા માટે કે નવો ડેમ બનાવવા માટે કે એક પણ નવો હાઇવે બનાવવા માટે આ બજેટમાં કોઈ પ્રાવધાન કરવામાં આવ્યું નથી. કૃષિ મંત્રી અને પ્રવાસન મંત્રી સૌરાષ્ટ્રમાંથી આવતા હોવા છતાં એક પણ નવી કૃષિ કે પશુપાલનની કોલેજ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી નથી. આજના બજેટમાં શહેરી વિસ્તારને 21,696 કરોડ આપવામાં આવે છે તેની સામે ગ્રામ્ય વિસ્તારની ફક્ત 12138 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વસતા પછાત વર્ગના લોકો સાથે અન્યાય થયો છે સ્પષ્ટપણે જોઈ શકાય છે. અમારી માંગણી છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વિકસાવવામાં આવે.

ચૂંટણી પહેલાના આ બજેટમાં ખેડૂતો ખૂબ જ અપેક્ષા રાખીને બેઠા હતા. પરંતુ સીધી રીતે ખેડૂતોને ફાયદો કરાવતી કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી. ઘણા સમયથી ખેડૂતોની માગણી છે કે ત્રણ લાખ ઉપર ચાર ટકા વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે તે ઓછામાં ઓછા પાંચ લાખ સુધી વધારીને સહાય મળતી થાય. કારણકે મોંઘવારીમાં બિયારણ અને ખાતરના ભાવ ખૂબ જ મોંઘા પડી રહ્યા છે, જેના કારણે અવારનવાર ધિરાણ લેવું પડે છે. પરંતુ સરકાર દ્વારા આ દિશામાં પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.