Abtak Media Google News

રાજકોટના સુપર કિડ સ્વીમર મંત્ર હરખાનીએ અબુધાબીમાં આયોજીત સ્પેશિયલ ઓલ્મિપીકમાં બે ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું હોવાથી આજે તેઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ૨૦૨૧થી સન્માનીત કરવામાં આવ્યા છે. આ માટે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓની સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કર્યો હતો અને તેઓને આ એવોર્ડથી નવાજયા હતા.  રાજકોટના જીતેન્દ્રભાઈ હરખાની અને બિજલબેન હરખાનીના દિવ્યાંગ પુત્ર મંત્ર હરખાનીએ ૧૭ વર્ષની વયે જ સમગ્ર વિશ્ર્વમાં સ્વીમીંગ ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. મંત્રએ અબુધાબીમાં યોજાયેલી સ્પેશિયલ ઓલ્મિપીકમાં ૫૦ મીટર બેક સ્ટ્રોક અને ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. એક સાથે બે ગોલ્ડ મેડલ મેળવનાર તે ભારતનો પ્રથમ સ્વીમર બન્યો હતો. તેની આ સિધ્ધીને ધ્યાને લઈ દર વર્ષે આયોજીત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ૨૦૨૧ માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ પુરસ્કાર માટે સમગ્ર દેશમાંથી માત્ર ૩૬ ખેલાડીને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના માત્ર બે જ ખેલાડી હતા અને સમગ્ર રાષ્ટ્રમાં માત્ર એક જ સ્પેશિયલ કેટેગરીનો ખેલાડી હતો.  મંત્ર હરખાની બોર્ન ડાઉન સિન્ડ્રોમ ધરાવે છે. તે માત્ર ૧૦ વર્ષની ઉંમરથી જ સ્વીમીંગ કરે છે. તે વર્ષ ૨૦૧૬માં નેશનલ ઓલ્મિપીકમાં સિલેકટ થયો હતો. ત્યારથી તેને ક્યારેય પાછુ વળીને જોયું નથી. અલગ અલગ રાજ્યોમાં પોતાના સ્વીમીંગ કૌશલ્યથી અનેકવિધ મેડલો મેળવ્યા બાદ તેણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ બે-બે મેડલો મેળવ્યા છે. તેની આ સિધ્ધી બદલ તેઓને રાષ્ટ્રીય કક્ષાનો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરષ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

Advertisement

Vlcsnap 2021 01 25 14H54M19S078

માતા-પિતાએ મંત્ર ફાઉન્ડેશન બનાવ્યું: હાલ ૧૦૦થી વધુ દિવ્યાંગોને અપાય છે તાલીમ

મંત્રના માતા-પિતા બિજલબેન અને જીતેન્દ્રભાઈએ ખાસ મંત્ર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ ફાઉન્ડેશન વર્ષ ૨૦૧૬ થી કાર્યરત છે. જેમાં અત્યારે ૧૦૦થી વધુ દિવ્યાંગ બાળકો તાલીમ લઈ રહ્યાં છે. આ ફાઉન્ડેશનનો એક યુનિટ જીનીયસ સ્કૂલ ખાતે ચાલુ રહ્યું છે જ્યારે બીજુ યુનિટ યુનિવર્સિટી રોડ પર રવિરત્ન પાર્કમાં ચાલી રહ્યું છે. આ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બાળકોને એજ્યુકેશન અને વ્યવહારૂ જીવન વિશે ખાસ તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત ફાઉન્ડેશન દ્વારા રવિરત્ન પાર્ક ખાતે મંત્રા માર્ટ સ્ટોર પણ ખોલવામાં આવ્યો છે. જ્યાં ૧૬ વર્ષથી ઉપરની ઉંમરના દિવ્યાંગ બાળકોને વ્યવસાયીક તાલીમ પણ આપવામાં આવે છે.

Vlcsnap 2021 01 25 14H55M50S049

વડાપ્રધાને કહ્યું ‘હું આવું ત્યારે નાસ્તો કરાવીશ ને ?’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્ર હરખાની સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહેલા મંત્ર હરખાનીને વિડીયો કોન્ફરન્સા માધ્યમથી વડાપ્રધાન સાથે વાતચીત કરવાની સુવર્ણ તક મળી હતી. આ વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રને પુછ્યું હતું કે તારૂ સપનું શું છે ત્યારે મંત્રએ કહ્યું હતું કે, મારે ઈન્ટરનેશનલ સ્વીમર બનવું છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુછયું કે, હું ગુજરાત આવું ત્યારે મને નાસ્તો કરાવીશ ને ? વળતા જવાબમાં મંત્રએ કહ્યું કે, હા હું તમને ગાંઠીયા, જલેબી ખવડાવીશ અને ચા પણ પીવડાવીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.