Abtak Media Google News

રૈયાધાર અને જેટકો ચોકડી ખાતે બની રહેલ 50 એમએલડી ક્ષમતાનાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે વર્તમાન ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી શહેરીજનોને પીવાનું પાણી નિયમિત ધોરણે મળતું રહે અને સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થા વ્યસ્થિતરીતે કાર્યરત્ત રહે તે બાબત પર વિશેષ ભાર મુકી આનુસાંગિક પરિબળોની જાણકારી મેળવી તેની સમીક્ષા કરી છે. કમિશનરએ આ વિશે એમ જણાવ્યું હતું કે, રાજકોટને આજી-1, ન્યારી-1, ભાદર ડેમ અને આવશ્યકતા અનુસાર રાજ્ય સરકાર મારફત “સૌની યોજના” હેઠળ નર્મદાનાં નીર પ્રાપ્ત થઇ રહ્યા છે.

01

ઉપલબ્ધ જળ રાશી મુજબ સમગ્ર શહેરમાં યોગ્યરીતે પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી છે. કમિશનરે રૈયાધાર અને જેટકો ચોકડી ખાતે બની રહેલા પચાસ પચાસ એમ.એલ.ડી. ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. સાથોસાથ વોર્ડ નં. 1 અને વોર્ડ નં. 12ની વોર્ડ ઓફિસ ખાતે થઇ રહેલી વિવિધ કામગીરીની ઓવરઓલ સમીક્ષા પણ કરી હતી.

કમિશનરએ વિશેષમાં ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નં. 1માં ચાલતા બાંધકામ પ્રોજેક્ટ પૈકી  50 એમએલડી ક્ષમતા ધરાવતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સિવિલ, મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન વગેરે કામગીરી પૂર્ણતાને આરે છે તેમજ  ઉકત કામ વહેલી તકે પૂર્ણ કરી શહેરીજનોને વહેલામાં વહેલી તકે પાણી પુરવઠો ઉપલબ્ધ થઈ શકે તે માટે પ્રોજેક્ટ સાઇટ ઉપર રાત-દિવસ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

ઉનાળાને ધ્યાને રાખી શહેરીજનોને વહેલો પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તે માટે વહેલીતકે રૈયાધાર ખાતેનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તાત્કાલિક શરૂ કરવા મ્યુનિ. કમિશનર સંબંધિત અધિકારીને સુચના આપી છે. આ ઉપરાંત જેટકો ચોકડી પાસે વોર્ડ નં. 11માં બની રહેલા 50 એમએલડી ક્ષમતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત આ કામગીરી સત્વરે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિતોને સૂચના આપેલ છે.

દરમ્યાન મ્યુનિ. કમિશનરએ વોર્ડ નં. 1 અને વોર્ડ નં. 12ની વોર્ડ ઓફિસ ખાતે પ્રોફેશન ટેક્સ, ટાઉન પ્લાનિંગ, દીન દયાળ ઔષધાલય, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ઓનલાઈન-ઓફલાઇન આવતી ફરિયાદો, વોટર વર્કસની ફરિયાદો, મધ્યાહન ભોજન તેમજ ચાલુ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી તમામ કામો નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.

મ્યુનિ. કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. એચ. યુ. દોઢિયા, કે. પી. દેથારીયા, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, ગાર્ડન એન્ડ પાર્કસનાં ડાયરેકટર ચૌહાણ સહીત સંબંધિત અધિકારીઓ હાજર રહી વિવિધ શાખાની અને ચાલુ પ્રોજેક્ટની માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.