Abtak Media Google News

બે દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી: છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ તાલુકાઓમાં વરસાદ

દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ અરબી સમુદ્રનાં વિસ્તારમાં દરિયાઈ સપાટીથી ૦.૯ થી લઈ ૩.૧ કિલોમીટરની ઉંચાઈ પર એક સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. આ ઉપરાંત રાજયમાં પ્રિ-મોનસુન એકટીવીટીની અસરતળે છેલ્લા ૮ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આગામી રવિ અને સોમવારે રાજયમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયમાં ૫૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

Advertisement

હવામાન વિભાગનાં સુત્રોના જણાવ્યા અનુસાર પ્રિ-મોનસુન એકટીવીટીની અસરતળે સૌરાષ્ટ્રમાં બે દિવસ હળવાથી મધ્યમ અને દક્ષિણ, ઉતર અને મધ્યમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. હાલ દક્ષિણ ગુજરાત અને તેની પાસેના અરબી સમુદ્રમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસરનાં કારણે આગામી ૧૪ અને ૧૫ જુનનાં રોજ રાજયમાં સાર્વત્રિક વરસાદની શકયતા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૭ જિલ્લાઓમાં વરસાદ પડયો હતો જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢનાં માળીયાહાટીનામાં ૬૦ મીમી જેટલો વરસી ગયો છે. ગઈકાલે ગુરુવારે સૌરાષ્ટ્રનાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને બાદ કરતા મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. બોટાદનાં ગઢડામાં પણ અઢી ઈંચ, પોરબંદરનાં કુતિયાણામાં બે ઈંચ, ગીર સોમનાથનાં તાલાલામાં ૨ ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, રાણાવાવ, માણાવદરમાં દોઢ ઈંચ, ગીરગઢડામાં સવા ઈંચ, વડિયા, ગોંડલ, ભાણવડ, વિસાવદરમાં એક ઈંચ, ખંભાળીયા, લાલપુર, કોડિનાર, વંથલી, જામજોધુપરમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.

સતત વરસી રહેલા વરસાદનાં કારણે જળાશયોમાં પણ પાણીની આવક થઈ રહી છે. ફોફળમાં ૧.૧૨ ફુટ, આજીમાં ૦.૨૦ ફુટ, આજી-૩માં ૦.૩૯ ફુટ, સુરવોમાં ૧.૬૪ ફુટ, વેરીમાં ૦.૩૩ ફુટ, ભાદર-૨માં ૦.૩૩ ફુટ, કણુકીમાં ૦.૯૮ ફુટ, બ્રાહ્મણી-૨માં ૦.૩૧ ફુટ, વર્તુમાં ૭.૮૧ ફુટ, વર્તુ-૨માં ૪.૭૬ ફુટ, કાબરકામાં ૫.૨૫ ફુટ, વેરાડીમાં ૭.૫૨ ફુટ, વઢવાણ, ભોગાવો-૧માં ૧૦.૯૦ ફુટ, વાસલમાં ૦.૧૬ ફુટ અને સાકરોડીમાં ૨.૯૦ ફુટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.