Abtak Media Google News

કોમર્શીયલ મિલકતોને વેરામાં ૨૦ ટકા વળતરની યોજના સોમવારે પૂર્ણ: લાભ લેવા મિલકત ધારકોને મેયરની અપીલ

કોમર્શીયલ મિલકતોને વેરામાં ૨૦ ટકા વળતર આપવાની યોજના સોમવારે પૂર્ણ થઈ રહી છે. ત્યારે આવતીકાલે રવિવારની રજાના દિવસે પણ કોર્પોરેશન દ્વારા વેરો સ્વીકારવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા કોમર્શીયલ મિલકત ધારકોને મેયર બિનાબેન આચાર્ય દ્વારા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે મિલકતધારકોને એડવાન્સ ટેક્સ ચુકવવા બદલ મે-૨૦૨૦માં ૧૦% અને મહિલા મિલકતધારકોને વધારાના ૫% તેમજ ઓનલાઈન ભરનારને ૧% વધારાનું વળતર અને જુન-૨૦૨૦માં ૫% અને મહિલા મિલકત ધારકને ૫% આપવાનું મંજુર કરાયેલ. કોરોના મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા ૩૧ ઓગષ્ટ ૨૦૨૦માં મિલકત વેરો ભરનારને રહેણાંક પર ૧૦% અને કોમર્શીયલ પર ૨૦% વળતર આપવાનો નિર્ણય કરવામાં આવેલ જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોમર્શીયલ મિલકતધારકોને ૩૧ ઓગષ્ટ ૨૦૨૦ વેરો ભરનારને ૨૦% અને ૧% ઓનલાઈન વળતર આપવાનું મંજુર કરવામાં આવ્યું છે.

આ વળતર યોજનાના અંતર્ગત આજ દિવસ સુધી ૧.૫૫.૪૬૫ રહેણાંક મિલકત ધારકોએ રૂ.૫૧.૨૭ કરોડ એડવાન્સ વેરો ભરેલ છે અને ૫.૫૪ કરોડનું વળતર આપવામાં આવેલ. જયારે ૬૫,૩૩૦ કોમર્શીયલ મિલકત ધારકોએ રૂ.૬૮.૯૩ કરોડનો વેરો ભરપાઈ કરેલ છે. જેમાં ૮.૩૦ કરોડનું વળતર ચુકવવામાં આવેલ છે. આમ કુલ ૧૨૦.૨૧ કરોડ મિલકત વેરો કોર્પોરેશનને મળેલ છે અને ૧૩.૮૫ કરોડનું રાજકોટ મહાનગરપાલિકાએ વળતર આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.