Abtak Media Google News

ગામનાં પશુપાલકોએ ગૌપાલક એકતા મંચની આગેવાનીમાં જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન: ઉગ્ર આંદોલનની ચીમકી

પડધરી તાલુકાનાં મોટા ખીજડીયા ગામે પડતર ચરીયાણ જમીન પર ગ્રામ પંચાયતની બોડીએ ખાનગી કંપનીને સોલાર પાવર પ્લાન્ટ બનાવવાની મંજુરી આપી દીધી છે. જેના વિરોધમાં ગામનાં પશુપાલકોએ ગૌપાલક એકતા મંચની આગેવાનીમાં જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આવેદનમાં જણાવાયું કે, રાજકોટ જિલ્લાનાં પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામમાં સરકારી પડતર ચરીયાણ જમીન સર્વે નં.૨૮૬ પૈકીની જે જગ્યા સાકળીધાર તરીકે ઓળખાય તે જગ્યામાં અમારા ગામની પંચાયત બોડી દ્વારા બરોબહાર મેલીમુરાદથી કોઈ ખાનગી કંપનીને સોલાર પાવર પ્લાન્ટ બનાવવા પધરામણી કરાય તેમ છે. જેથી ગામના માલધારીઓ તથા ગૌપાલક એકતા મંચ દ્વારા આ જગ્યા ઉપર કોઈપણ પ્રકારના પ્લાન્ટ સ્થપાય તો તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણકે આ ગામમાં નાના-મોટા ૨ થી ૩ હજાર પશુઓ તેમજ માલધારીઓનું ભરણ પોષણ થાય છે. જો આ જગ્યા પર કોઈપણ પ્રકારના પ્લાન્ટ ઉભા થશે તો ગૌપાલક એકતા મંચના માધ્યમથી કાયદાકીય જોગવાઈ પ્રમાણે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવેદન આપતી વેળાએ ગૌપાલક એકતા મંચના મુખ્ય પ્રયોજક મહેશભાઈ પરમાર, સહ-પ્રયોજક નારણભાઈ લાંબરીયાની આગેવામાં ગામના આગેવાનો નારણ રતા ભરવાડ, મોમ સોઢા ભરવાડ, હાજા ચકુ ભરવાડ, રામા પોપટ ભરવાડ, વિરા હમીર ભરવાડ, સિંધા રેવા ભરવાડ, સતા અમીર ભરવાડ, ભવાન સતા ભરવાડ, ગાંડા સતા ભરવાડ, હઠા વિરા ભરવાડ, કાથડ હકુ ભરવાડ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.