Abtak Media Google News

કેપ્ટન કે.એલ. અને મયંકની જોડીએ મેચ જીતાડી પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત

આઈપીએલ ૨૦૨૦ ની ૪૫મી મેચ દુબઇમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઇ હતી. પંજાબે કલકત્તાને વિકેટ થી હાર આપી હતી. પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ઇયોન મોર્ગનની ટીમ કોલકાતાએ ૨૦ ઓવરના અંતે ૧૬૫ રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં પંજાબે ૧૯.૩ ઓવરમાં ૫ વિકેટે ૧૬૮ રન કરીને જીત મેળવી હતી.

રાહુલ અને તેની ટીમે કરો અને મરોની સ્થિતીનુ પ્રદર્શન કરી દર્શાવ્યુ હતુ. પંજાબ ટીમના કેપ્ટન કેએલ રાહુલે અર્ધશતક જમાવ્યુ હતુ. તે અંતિમ ઓવર સુધી પિચ પર રહીને ૫૫ બોલમાં ૬૭ રન બનાવ્યા હતા. જોકે તે અંતિમ ઓવરમાં ઐય્યરનો શિકાર થયો હતો. રાહુલ અને મયંક અગ્રવાલની જોડીએ ૭૦ રનની પાર્ટનરશીપ કરી હતી. મયંક ૨૭ બોલમાં ૪૦ રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા લગાવ્યા હતા. તે ચક્રવર્તીના સ્પિન બોલની જાળમાં ઝડપાઇ ગયો હતો.

નિકોલસ પૂરન ૭ બોલમાં ૧૨ રન એક છગ્ગા સાથે કર્યા હતા. તે પણ વરુણ ચક્રવર્તીના ચક્કરમાં ફસાયો હતો. એઇડન માર્કરમ ૧૬ બોલમાં ૧૮ રન કરીને આઉટ થયો હતો. તે સુનિલ નરેનના બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. એક સમયે પંજાબ માટે એકતરફી થઇ રહેલી મેચમાં એક બાદ એક વિકેટ પડવા લાગતા મેચ રોમાંચક સ્થિતીમાં પહોંચી હતી. આ દરમ્યાન જ દિપક હુડ્ડાએ પણ માત્ર ૩ રન કરીને વિકેટ ગુમાવી દીધી હતી. આમ જીતની નજીક આવતા જ વધુ એક વિકેટ ગુમાવી હતી. શાહરુખ ૧૬ રન કરી અણનમ રહ્યો હતો.

વરુણ ચક્રવર્તીએ તેના તરફ થી પુરો પ્રયાસ કરી લીધો હતો. તેણે ઓપનીંગ જોડીને તોડી હતી. તેના બાદ બીજી વિકેટ પણ ઝડપી લીધી હતી. પરંતુ બાકીનુ કામ પુરુ કરવા માટે અન્ય બોલરો વિકેટ શોધવામાં નબળા પડી રહ્યા હતા. વરુણે ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૨ વિકેટ મેળવી હતી. સુનિલ નરેને ૪ ઓવરમાં ૩૪ રન આપીને ૧ વિકેટ ઝડપી હતી. વેંકટેશ ઐય્યરે બેટથી યોગદાન આપ્યા બાદ બોલીંગમાં પણ એક વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી. નિતીશ રાણાએ ૧ ઓવરમાં ૭ રન આપ્યા હતા. શિવમ માવીએ ૪ ઓવરમાં ૩૧ રન આપી એક વિકેટ મેળવી હતી.

વેંકટેશન ઐય્યરે ફરી એકવાર જબરદસ્ત બેટીંગ કરી હતી. તેણે શરુઆતથી જ પોતાના અંદાજ મુજબ બેટીંગ કરી અર્ધશતક લગાવ્યુ હતુ. જોકે તેનો સાથી ઓપનર શુભમન ગિલ માત્ર ૭ જ રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે ૭ બોલમાં ૧ ચોગ્ગો લગાવીને વિકેટ ગુમાવી હતી. અર્શદિપ સિંહના બોલ પર તે બોલ્ડ થયો હતો. આમ ૧૮ રનના સ્કોર પર જ કોલકાતાએ તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યાર બાદ ઐય્યર અને રાહુલ ત્રિપાઠીએ મળીને ૭૨ રનની ભાગીદારી રમત રમી હતી.

રાહુલ ત્રિપાઠીએ ૨૬ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગો લગાવીને ૩૪ રનનુ યોગદાન આપ્યુ હતુ. ત્યાર બાદ નિતીશ રાણા મેદાને આવ્યો હતો. રાણા સાથે ૩૦ રનની ભાગીદારી રમત રમીને ઐય્યર આઉટ થયો હતો. ઐય્યર ૬૭ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે ૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૯ બોલમાં ૬૭ રન કર્યા હતા. ઇયોન મોર્ગન ૨ બોલમાં ૨ રન કરી એલબીડબલ્યુ આઉટ થયો હતો.

નિતીશ રાણા ૧૮ બોલમાં ૩૪ રન કરીને આઉટ થયો હતો. તેણે ૨ છગ્ગા લગાવ્યા હતા. ડેબ્યૂટન્ટ ટિમ સિફર્ટ ૪ બોલમાં ૨ રન કરીને રન આઉટ થયો હતો. તેને શામીએ ડાયરેક્ટ હિટ રન આઉટ કર્યો હતો. દિનેશ કાર્તિક અંતિમ બોલે ક્લીન બોલ્ડ થયો હતો. તેણે ૧૧ રન કર્યા હતા. સુનિલ નરેને અણનમ ૪ રન કર્યા હતા.

અર્શદિપ સિંહે ઓપનીંગ જોડીને ઇનીંગની ત્રીજી ઓવરમાં જ તોડી દીધી હતી. ૧૮ રનના સ્કોર પર જ કોલકાતાને ઝટકો આપ્યો હતો. પરંતુ ત્યાર બાદ પંજાબના બોલરો વિકેટ શોધતા જ રહી ગયા હતા. અર્શદિપે ૩ વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઇએ જોકે ત્રિપાઠી અને બાદમાં ઐય્યરની વિકેટ ઝડપીને પંજાબને રાહત અપાવી હતી. રવિએ ૪ ઓવરમાં ૨૨ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી. ફાબિયન એલને ૪ ઓવરમાં ૩૮ રન ગુમાવ્યા હતા. મોહંમદ શામીએ ૪ ઓવરમાં ૨૪ રન આપી ૧ વિકેટ મેળવી હતી. નાથન એલિસે ૪ ઓવરમાં ૪૬ રન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.