Abtak Media Google News

હોળીની ઉજવણીમાં પાણીનો વ્યય ન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય: પૂ.મહંતસ્વામિ મહારાજનાં સાંનિઘ્યમાં હોળી પર્વને ભાવભેર ઉજવવામાં આવશે.

ભગવાન સ્વામિનારાયણના સમયથી તીર્થધામ સારંગપુર ઉત્સવ માટે અને ખાસ કરીને રંગોત્સવ માટે પ્રખ્યાત છે. ભગવાન સ્વામિનારાયણે અહીં રંગોત્સવ કરીને સૌને દિવ્ય આનંદ આપ્યો હતો તેની સ્મૃતિમાં આજપર્યંત પ્રતિ વર્ષે પ્રસંગે અહીં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રંગોત્સવ યોજવામાં આવે છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અહીંના રંગોત્સવને એક વિશેષ આઘ્યાત્મિક મહત્વ આપીને લાખો ભકતોમાં તેનું અનોખું આકર્ષણ જમાવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાનિઘ્યમાં પણ આ રંગોત્સવ ઉજવાય છે.

પરંતુ ગત વર્ષે જરૂરીયાત કરતાં ઓછો વરસાદ થયો હોવાને કારણે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં દુષ્કાળની જાહેરાત કરવામાં આવી છે. આવા કટોકટીના સમયે પોતાની નૈતિક જવાબદારી સમજીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હંમેશા સમાજહિત માટે પહેલ કરવામાં આવી છે. આથી દુષ્કાળની આ સમસ્યાને લક્ષમાં રાખીને, પાણીનો બચાવ કરવા માટે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ પુષ્પદોલોત્સવ-હોળી પ્રસંગે રંગોત્સવની ઉજવણી સાદગીથી કરવાનું નિરધાર્યું છે.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજય ઈશ્વરચરણદાસ સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘દુષ્કાળનો પ્રસંગ હોય કે ભુકંપ રાહત કાર્ય હોય કે પુલવામા ખાતે શહિદ થયેલા સૈનિકોને સહાય આપવાની બાબત હોય, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ તેના સુત્રધાર પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ અને તેમના અનુગામી પરમ પૂજય મહંતસ્વામી મહારાજના આદેશ મુજબ આવા પ્રસંગે સૌને પ્રેરણા આપતી પહેલ કરી છે. એ જ રીતે આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિને લક્ષમાં રાખીને પાણીના બચાવ માટે સારંગપુર ખાતે તા.૨૧ના રોજ પુષ્પદોલોત્સવનો કાર્યક્રમ પરમ પૂજય મહંતસ્વામી મહારાજના સાનિઘ્યમાં યોજાશે પરંતુ તેમાં પાણીનો ઉપયોગ કરવામાં નહીં આવે. સરકારના પાણી બચાવો જાહેર હિતના અભિયાનમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આ રીતે એક મહત્વનું યોગદાન આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.