રાહી મનવા દુખ કી ચિંતા કયું સતાતી હૈ, દુઃખ તો અપના સાથી હૈ!!

આજની ૨૧મી સદીમાં ભૌતિક સુવિધાથી સજજ દુનિયામાં માણસ દુઃખી જોવા મળે છે. ગમે તે માનવીને કંઇકને કંઈક ખુટતું લાગતા તે દુઃખી થાય છે

 

પૃથ્વી પર રહેતા તમામ માનવી કોઇને કોઇ પ્રકારે આજે દુ:ખી જોવા મળે છે. મોટાભાગના દુ:ખ માનવીએ જાતે ઉભા કરેલા હોય છે. દોસ્તી ફિલ્મના ગીતની સરસ લાઇન ‘રાહી મનવા દુ:ખ કી ચિંતા કર્યુ સતાતી હૈ, દુ:ખ તો અપના સાથી હે’ સંસાર યાત્રાની બાજુ મોટી સમજ સમજાવે છે. આજની ર1મી સદીમાં અદ્યતન ભૌતિક સુવિધા વચ્ચે પણ માનવી દુ:ખી જોવા મળે છે. આજે ગમે તે માનવીને પૂછો તો કંઇકને કંઇક દુ:ખ જણાવશે. આપણે કયારેય શાંત ચિત્તે વિચારીને સુખને ચેક અવસર આપ્યો નથી દુ:ખનું કોઇ એક કારણ ન હોય શકે જેમ કે ગરીબ માનવીના અને શ્રીમંત લોકોના દુ:ખ અલગ જોવા મળે છે. પૈસાવાળા તન, મનથી દુ:ખી છે તો ગરીબ માણસ ધનની કમીને કારણે દુ:ખી છે. આજનો યુવા વર્ગ  ભણી ગણિને તૈયાર થયો તો નોકરી ન મળવાથી દુ:ખી છે.

સંસાર યાત્રાના બે પૈંડા સુખ અને દુ:ખ છે જેના વગર માનવી જીવી શકતો નથી. દરેક પૃથ્વીવાસીએ વિચારવું જોઇએ કે કોઇપણ વસ્તુ લાંબો સમય ટકતી નથી, જન્મનો આનંદ મૃત્યુ સમયે માતમ બને છે. રોગી માણસ તેના શરીરના દુ:ખાવાથી દવા તો માત્ર પોતે જ છે, તેનો સામનો મકકમતાથી કરવો જ પડે છે. ઇશ્ર્વર, સૃષ્ટિ, પ્રકૃતિ અને પરિવાર સાથે ઇશ્ર્વરમાં બફાટ શ્રઘ્ધા સૌના દુ:ખનો ભાર હળવો કરે છે પણ તેમાં સમય લાગે છે. દુ:ખ ભય કે આનંદની સીધી અસર આપણાં મગજ પર પડતી હોવાથી તેની અસર વધુ જોવા મળે છે.

ઇશ્ર્વર માનવીને લાયકાત કરતાં વધારે સુખ આપતો નથી, એતી સામે સહન શકિત કરતાં વધારે દુ:ખ પણ આપતો નથી. બધામાં તેને સહન કરવાની શકિત આપેલી જ હોય છે. પણ કેટલાક નાસી પાસ થતાં દુ:ખ સહન ન થઇ શકતા પોતાનું જીવન ટુંકાવે છે. દુ:ખનું કારણ કર્મનો અભાવ છે. જ્ઞાનીને દુ:ખ થઇ શકે છે, પણ જ્ઞાતી દુ:ખી ના થઇ શકે, બાળથી મોટેરાને અસંતોષ માત્રથી નોકરી કરતો માનવી તેના પરિવારનું ભાડાના મકાનમાં રહેતો હોવા છતાં કેમ પુરૂ કરતો હશે એ વિચાર માત્રથી આપણને કંપારી છૂટી જાય છે. ગરીબ લોકોમાં સહન શકિત વધુ હોવાથી તે થોડામાં પણ આનંદથી રહી શકે છે.વિદેશોમાં પણ ધનાઢય માનવી પોતાના મનથી દુ:ખી થતાં આપણાં ભારતમાં શાંતિના સુખની શોધમાં યોગ, ઘ્યાન, ધર્મમાં જોડાવા લાગ્યો છે. ત્યારે આપણી હિન્દુ સંસ્કૃતિના મહાન ગ્રંથો વાંચો તો ઘણા પ્રશ્ર્નોનો હલ તેમાંથી મળી શકે તેમ છે. દરરોજનો દિવસ બધા માટે એક સરખો ન હોય શકે પણ  વ્યકિતની સમજ, ધીરજ અને સહન શકિત દ્વારા તેની તમામ સમસ્યાનું સમાધાન પોતે શોધી જ શકે છે. આપણે આજે પૈસા ન હોવાના દુ:ખને બહુ મોટું માની રહ્યા છે. ત્યારે કોઇ દિવ્યાંગ વગર પૈસે પણ ખુલ્લો ફુટપાથમાં આરામથી ગીતો ગાતો નજરે પડે છે.

આજના યુગના માનવીએ ઘણું સમજવાની જરુર છે. કોઇના દુ:ખના ભાગીદાર બનવું નહી અને કોઇના સુખની કયારેય બળતરા ન કરવી. બીજાને દુ:ખ આપનાર વ્યકિત જીવનમાં કયારેય સુખ પામી શકતો તે વાત નકકી છે. સ્ત્રીના રૂદન પરથી તેના દુ:ખો વિશે જાણી શકાય છે પણ પુરૂષના હાસ્ય પાછળ તે વ્યકિતએ જીંદગીમાં કેટલા ઘા સહન કર્યા છે તે ખબર જ ના પડે, રોજ આપણે બીજાની ભૂલો શોધીને ખુશ થઇ એ છીએ પણ આપણી ભૂલો આપણને દેખાતી જ નથી.

સંસાર યાત્રામાં આપણી ઇચ્છાઓ પુરી થાય કે નહીં પણ કયારેય દુ:ખી ના થવું જીવનમાં આવતી તમામ સ્થિતિમાં સકારાત્મક વિચારો દ્વારા ટકી રહેવુંએ સુખી જીવનની ચાવી છે. આજના યુગમાં સૌ પોતે એ લક્ષ્ય મેળવવા ગધેડાની જેમ કામ કરીને પોતાનું શરીર બગાડે છે અને અંતે તો ત્યાં નો ત્યાં જ જોવા મળે છે. આજનો ગુસ્સો ઉપર કંટ્રોલ રાખી શકતો નથી. આજ વાત જીવનમાં ભૂચાલ લાવીને જીવન બરબાદ કરી નાંખે છે જીવનમાં  સુખ અને દુ:ખ આપણાં જ કર્મોથી મળે છે.

પાંડવ જનની કુન્તીએ એક વાર વાસુદેવને કહ્યું કે તમે મને કંઇક આપવા જ માંગતા હોય તો વેદના આપો, દુ:ખ આપો, આજ દુ:ખ માણસની અગ્નિ પરીક્ષા લે છે અને સહનશકિતના બળે તે તેમાંથી નીકળીને ફરી નોર્મલ લાઇફ જીવવા લાગે છે. કોઇને એક સુખ મળે એટલે તે બીજા સુખની શોધમાં દોટ મુકવા લાગે છે. ઘણી સ્થિતિ  માનવી માટે માનો તો સુખને માનો તો દુ:ખ જેવી હોય છે. મનને અનુકુલન સાધે તે સુખ છે, અને પ્રતિકુળ લાગે તે દુ:ખ છે.

દુ:ખના સમાનર્થી શબ્દો

આર્ન,  વિષાદ, વેદના, કઠણાઇ, દર્દ, ઉતાપો, વ્યાધિ, વ્યથા, લાય, કષ્ટ, આપત્તિ, વિપત્તિ, શુળ, મોકાણ, પીડા, અસુખ, સંકટ, નડતર, અડચણ

સૌ પોતાના સ્વભાવ પ્રમાણે દુ:ખને પંપાળે છે

સમાધાન અને સમજદારી જીવનમાં નહી કેળવો તો તમને સુખ ન મળી શકે, સુખને મન સાથે સંબંધ છે. કોઇપણ માનવીને દુ:ખ કયારેય કહીને નથી આવતુ,  પશુ-પંખીને સુખ-દુ:ખની ખબર જ નથી હોતી. પૃથ્વી પર એક માત્ર માનવી જ દુ:ખ, દુ:ખ ન હોય છતાં માની લે છે, જો કે આજે હેપીનેશ લાઇફ જીવનારા બહુ જ ઓછા લોકો છે. અપેક્ષા સતત વધે ત્યારે દુ:ખ આવે જ છે. સૌ પોત પોતાના સ્વભાવ પ્રમાણે દુ:ખને પંપાળે છે. જિંદગીની વાસ્તવિકતા ન સ્વીકાર હમેશા દુ:ખી જોવા મળતો હોય છે. આજના યુગમાં માનવી સુખ, દુ:ખની સરખામણી કરીને પણ પોતે દુ:ખી થતો જોવા મળે છે. પ્રેમ, મિત્રતા, સહાનુભૂતિ,  કરૂણા, દયા, લાગણી જેવા ગુણો કેળવો તો જ સુખી થશો બાકી તો જીવનભર દુ:ખીનું કારણ તમે પોતે જ હશો એ નકકી વાત !!