Abtak Media Google News

સ્તનપાન અંગે ધર્મશાસ્ત્રોમાં પણ ખાસ તાકીદ કરવામાં આવી છે

“સ્તનપાન માટે પ્રોત્સાહન, શિક્ષણ અને સમર્થન”

દર વર્ષે ઓગસ્ટ મહિનાનું પહેલું સપ્તાહ- 1 થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્તનપાનના મહત્વ વિશે જાગૃત કરવાનો છે. નેશનલ ગાઈડલાઇન IYCF (guidelines on infant and young child feeding) નો પણ મુખ્ય હેતુ એ જ છે કે સમાજના દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજીને સ્તનપાન નું મહત્વ સમજે અને ટેકો આપે, પોતાની આજુ બાજુની માતાઓને સ્તનપાન- મૈત્રીપૂર્ણ વાતાવરણ પ્રદાન કરે. પતિ, કુટુંબીઓ, આરોગ્ય અને શિક્ષણ સેવાઓ તેમજ કાર્ય સ્થળોએ પણ સહકાર સાથે સ્તનપાનનું મહત્વ સમજવાની જરૂર છે જેથી વર્કિંગ મધર ને પણ તકલીફ ન પડે. કુપોષણ ભારતદેશની મોટી સમસ્યાઓમાંથી એક છે જેને નિયંત્રિત કરવામાં સ્તનપાન મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. તો આજે આપણે આ રાષ્ટ્રીય મુદ્દા વિશે ચર્ચા કરીશું.

WHO  ની ગાઈડલાઇન મુજબ બાળક જન્મે ત્યારથી લઈને તે છ માસનું થાય ત્યાં સુધી માતાનું ધાવણ તેને માટે અમૃતતુલ્ય છે. જે આપણી પ્રાચીન પરંપરાઓ નું પણ સમર્થન કરે છે. છ માસ સુધી ફક્ત અને ફક્ત સ્તનપાન જ કરાવવું જોઈએ (exclusive breast feeding),   તેના સિવાય અન્ય એક પણ ખોરાક કે પ્રવાહી આપવાની જરૂર નથી.

માતાનું સ્તન્ય કુદરતી રીતે જંતુમુક્ત અને બાળક માટે જરૂરી તાપમાન યુક્ત હોય છે. જે બાળકને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. બાળકને ચેપી રોગોથી દુર રાખે છે અને વધુ બુદ્ધિશાળી બનાવે છે. સ્તનપાન દ્વારા માતા અને બાળક વચ્ચે ખાસ ભાવનાત્મક જોડાણ સર્જાય છે જે બાળક તેમજ માતા માટે ખૂબ જ જરૂરી છે.

માતા અને ખાસ કરીને પ્રથમવાર બનેલી માતાઓએ સ્તનપાન માટેની યોગ્ય સ્થિતિ (પોઝિશન) જાણીને શિશુની જરૂરીયાત મુજબ સ્તનપાન કરાવવું જોઇએ. દરેક ફિડ ત્યાં સુધી ચાલુ રાખવું જોઈએ જ્યાં સુધી શિશુ ચૂસવાનું ચાલુ રાખે. શિશુ પોતાની જરૂરિયાત સામાન્ય રીતે રડીને વ્યક્ત કરે છે. ડાબા અને જમણા બંને સ્તનમાં વારાફરતી, દિવસ અને રાત્રે સ્તનપાન કરાવવું, જેથી એક સ્તનમાં સ્તન્યનો ભરાવો ન થઈ જાય.

આ ઉપરાંત જો કોઇ પણ પ્રશ્ર્ન કે તકલીફ ઊભી થાય તો પ્રસુતિતંત્ર અને સ્ત્રી રોગ વિભાગના વૈદ્યનો સંપર્ક કરવો સૂચિત છે. તો સ્તનપાનના મહત્વને સમજીને સમજદાર માતા તેમજ નાગરિક બનીએ અને તેને પ્રોત્સાહન સાથે સમર્થન આપીએ.

સંકલન:

વૈદ્યા હેતલ પી.બારીયા

પ્રસૂતિતંત્ર અને સ્ત્રીરોગ વિશેષજ્ઞ

આયુર્વેદિક શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન જામનગર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.