Abtak Media Google News

મોદી સમાજ અંગેટિપ્પણી સંદર્ભે માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો કોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા. દરમિયાન કોર્ટમાં રાહુલ ગાંધીને ગુનો કબૂલ હોવા અંગે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. જેથી કોર્ટ દ્વારા આ કેસમાં વધુ સુનાવણી ૧૦ ડિસેમ્બરના રોજ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવા માંથી મુક્તિની અરજી કરી હતી જે મંજૂર કરાઈ છે.

બેંગ્લોરથી ૧૦૦ કિમી દુર તા. ૧૩મી એપ્રિલ, ૨૦૧૯ના રોજ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહલ ચોકસી, લલીત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલે જનમેદનીને પૂછ્યું હતુ કે, બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ ૩૦ હજાર કરોડ પોતાના દોસ્ત અનીલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં એડ. હસમુખ લાલવાલા, માયા વોરા અને શૈલેષ પવાર મારફત ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આવતી કાલે અમદાવાદની કોર્ટમાં હાજર થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. જેમી મુદ્દત આવતીકાલે ૧૧ ઓક્ટોબરે હોવાથી રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.