Abtak Media Google News

જેઈઈ-નીટની પરીક્ષા મુલત્વી રાખવા કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ નોંધાવ્યો

Advertisement

કોરોના સમયમાં હાલ જે રીતે લોકો સંક્રમિત થઈ રહ્યા છે તેની સામે કેન્દ્ર સરકારે જેઈઈ-નીટની પરીક્ષા સપ્ટેમ્બર માસમાં યોજવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનાં પગલે કોંગ્રેસ સહિતનાં વિરોધ પક્ષોએ નિર્ણયની ઝાટકણી કરી હતી અને જણાવ્યું હતું કે, હાલ આ મહામારીના સમયમાં પરીક્ષાને મુલત્વી રાખવામાં આવી જોઈએ જેને લઈ કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પણ નોંધાવ્યો હતો તો બીજી તરફ રાહુલ ગાંધીએ પણ વિદ્યાર્થીઓનાં ભવિષ્યને લઈ ચિંતા વ્યકત કરી હતી. તેમના જણાવ્યા મુજબ સરકારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી ત્યારબાદ પરીક્ષાને યોજવા માટેનો નિર્ણય લેવો જોઈએ. નીટ અને જેઈઈની પરીક્ષાઓ ટાળવાની માંગને લઈ શુક્રવારના રોજ કોંગ્રેસે દિલ્હી, ગુજરાત સહિત ૧૦ રાજયોમાં વિરોધ અને દેખાવ પ્રદર્શનો કર્યા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન અભિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ચલાવવામાં પણ આવ્યું હતું.

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લોકોને કોંગ્રેસનો પક્ષ લેવા અનુરોધ પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ ટવીટર ઉપર ટવીટ કરતા જણાવ્યું હતું કે, લાખો વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે ત્યારે તેનો અવાજની સાથે દેશનો અવાજ પણ જોડાવવો જોઈએ અને સરકારને આ અવાજ પણ સંભળાવો જોઈએ તો બીજી તરફ કોંગ્રેસનાં સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ પણ ટવીટર ઉપર ટવીટ કરી સરકાર પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર વિદ્યાર્થીઓ અને તેમના પરીવારજનોની અવગણના સરકાર ન કરે તે માટે પણ જણાવ્યું હતું. હાલના તબકકે કોરોનાના સમયમાં ભણતરમાં પણ રાજકારણ ઘુસી ગયું છે ત્યારે રાજકારણથી પર થઈ હાલના તબકકે વિદ્યાર્થીઓની સ્થિતિને મુલવવી અત્યંત જરૂરી છે. જેઈઈ-નીટની પરીક્ષા ૨ વખત મુલત્વી રાખવામાં આવી છે જેને લઈ હાલ વિદ્યાર્થીઓમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે પરંતુ કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ હાલ જે તારીખો પરીક્ષા માટે નિર્ધારીત કરવામાં આવી છે તેજ સમયગાળા દરમિયાન પરીક્ષાઓ લેવામાં આવશે.

રાહુલ ગાંધીએ ટવીટરમાં ટવીટ કરતા જણાવ્યું હતું કે, સરકારની નિષ્ફળતાના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા ન જોઈએ અને પરીક્ષાઓને મુલત્વી રાખવી જોઈએ જેના પ્રતિઉતરમાં કેન્દ્ર સરકારે માહિતી આપતા જણાવ્યું હતું કે, નિર્ધારીત તારીખોમાં જ વિદ્યાર્થીઓની પરીક્ષા તેમના સ્વાસ્થ્યને ધ્યાને લઈ લેવામાં આવશે. રાહુલ ગાંધીએ ટવીટરમાં વિડીયો પણ અપલોડ કરી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સૌપ્રથમ લોકોને સાંભળવા જોઈએ અને ત્યારબાદ જ કોઈ નકકર નિર્ણય પરીક્ષાને લઈ લેવો જોઈએ જેનું એકમાત્ર કારણ એ છે કે ભારતનું યુવાધન દેશનાં વિકાસ માટે સિંહફાળો આપી રહ્યો છે જેનો ફાયદો આગામી સમયમાં દેશને પણ મળવાપાત્ર રહેશે.

વાલીઓ, સંચાલકો અને સરકારની ઉણપથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં?

વૈશ્ર્વિક મહામારી કોરોના બાદ જે લોકડાઉનની સ્થિતિ જોવા મળી હતી તેવા સમયથી જ દેશમાં શિક્ષણ ખોરવાઈ ગયું છે. હજુ નિયમિત શાળા-કોલેજો શરૂ થઈ નથી અને વિદ્યાર્થીઓને અનેકવિધ રીતે અભ્યાસમાં તકલીફનો સામનો કરવો પડે છે. બીજી તરફ વિદ્યાર્થીઓને એકટીવ રાખવા માટે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણને વધુને વધુ પ્રોત્સાહન આપવા માટે જણાવ્યું છે પરંતુ ઓનલાઈન શિક્ષણ જે રીતે ઉપયોગી સાબિત થવુ જોઈએ તે થઈ શકયું નથી તો બીજી તરફ વાલીઓ પણ પોતાના બાળકોને શાળા અથવા કોલેજોમાં અભ્યાસ કરવા માટે પરવાનગી નથી આપતા ત્યારે હાલ જેઈઈ-નીટની પરીક્ષાને લઈ વિવાદ વકર્યો છે તેનાથી હવે વિદ્યાર્થીઓનું પણ માનવું છે કે, પરીક્ષાઓને નિયમિત તારીખોમાં જ લેવી જોઈએ. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શાળા સંચાલકો પણ સરકાર દ્વારા જાહેર કરેલી તારીખોમાં પરીક્ષા યોજવા માટે સહમત થયા છે. સંચાલકોનું માનવું છે કે, વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યા છે જેથી હવે પરીક્ષા રાબેતા મુજબ જ લેવાવી જોઈએ. જુજ વિદ્યાર્થીઓ પરીક્ષાને મુલત્વી રાખવા માટેની ઈચ્છા રાખતા હતા જેનું એકમાત્ર કારણ એ હતું કે, તેઓને પરીવહનની તકલીફો પડી રહી હતી પરંતુ સરકારે તે તમામ વિદ્યાર્થીઓ માટેના પરીક્ષા કેન્દ્રોમાં ફેરબદલી કરી છે જેથી હવે તેઓને કોઈ જ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે પરંતુ પ્રશ્ર્ન અંતે એ ઉદભવિત થાય છે કે, શું વાલીઓ અને સંચાલકોની સાથે સરકારની ઉણપ વિદ્યાર્થીઓના ભાવિને જોખમમાં મુકી દેશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.