Abtak Media Google News

ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અન્ડરબ્રિજ, ઓવરબ્રિજ અને અન્ડરપાસ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના હોમી દસ્તૂર માર્ગથી આગળ હેમુ ગઢવી હોલ અને એસ્ટ્રોન ચોક નાલાની વચ્ચે એક નવો માર્ગ બનાવવા માટે રૂ.2.79 કરોડના ખર્ચે નવુ નાલુ બનાવવામાં આવી રહ્યું છે. જેનું કામ રેલવેએ વિભાગ દ્વારા કરવામાં આવે છે. પાંચેક મહિના પહેલા શરૂ થયેલું આ કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. દરમિયાન રિવાઝ્ડ એસ્ટીમેન્ટના નામે રેલવે વિભાગ દ્વારા કોર્પોરેશન પાસે રૂ.1.18 કરોડની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી વધારાની રકમ માંગીને કામ અટકાવી દેવામાં આવ્યું છે.

રિવાઇઝ્ડ એસ્ટીમેન્ટ આપી વધુ નાણાની કરી માંગણી: નવું નાલુ બનાવવાનું કામ ઘણા સમયથી બંધ

કોર્પોરેશન દ્વારા બજેટમાં હોમી દસ્તૂર માર્ગ પર નાલું બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. જૂન માસમાં રેલવે વિભાગને આ કામ માટે રૂ.2.79 કરોડ ચૂકવી દેવાયા બાદ નાલા બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે કામનું ખાતમુહુર્ત કરાયું ત્યારે કોર્પોરેશનના શાસકો દ્વારા એવી ઘોષણા કરવામાં આવી હતી કે દિવાળી પહેલા નાલાનું કામ પુરૂં થઇ જશે. પરંતુ હજુ સુધી કામ પુરૂં થયું નથી. 4 મીટર ડ 2.50 મીટર  ડ  18 મીટરના બે નાલા વાહન વ્યવહાર માટે બનાવવામાં આવી રહ્યા છે.

હયાત રોડ લેવલથી 0.35 મીટર જેટલા નીચે રોડનું લેવલ મળી રહે અને ગ્રેવીટીથી પાણીનો નિકાલ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા છ માસથી નાલા બનાવવાનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા આ કામ માટે કોર્પોરેશનને રિવાઇઝ્ડ એસ્ટીમેન્ટ આપવામાં આવ્યું છે. જેમાં વધારાના રૂ.1,17,93,000ની માંગણી કરવામાં આવી છે. આ રકમની માંગણી કરીને નાલાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. રેલવેના રિવાઇઝ્ડ એસ્ટીમેન્ટ અંગે હાલ ઇજનેરો અભ્યાસ કરી રહ્યા છે. ટૂંક સમયમાં તેનો નિવેડો આવી જાય તેવું લાગી રહ્યું છે. રેલવેને વધારાના રૂ.1.18 કરોડ ચૂકવવામાં ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટીની સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે વિભાગ દ્વારા હમેંશા મૂળ એસ્ટીમેન્ટ આપ્યા બાદ તોતીંગ રિવાઇઝ્ડ એસ્ટીમેન્ટ આપવામાં આવે છે અને કરોડો રૂપિયાની વધારાની માંગણી કરવામાં આવે છે. જ્યાં સુધી નાણાની ચુકવણી કરવામાં ન આવે ત્યાં સુધી કામ રઝળાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.