Abtak Media Google News

છેલ્લા 24 કલાકમાં 15 તાલુકાઓમાં મેઘમહેર: તાલાલામાં સૌથી વધુ 1 ઈંચ, ધોરાજીમાં અડધો ઈંચ

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ  પડી શકે છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વીજળવીના  કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. લાંબા સમયનાં વિરામ બાદ મેઘાની એન્ટ્રી થતાં ખેડૂતો ખુશ થયા હતા. ઉપલેટા. ધોરાજીમાં અશહ્ય બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

લોકોએ બફારાથી રાહત મેળવી હતી. વીજના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં  રોડ પર પાણી ફરી વળ્યા હતા.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ગીર-સોમનાથના તાલાલામાં 22મીમી, અમરેલીના રાજુલામાં 17મીમી અને રાજકોટના ધોરાજીમાં 15 મીમી વરસાદ પડ્યો છે. રાજુલા પંથકમા બપોરના સમયે ઘનઘોર વાદળો ચડી આવ્યા હતા અને વરસી પડયા હતા. અહી પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. ડિઝાસ્ટર કંટ્રોલરૂમના સુત્રોએ જણાવ્યું હતુ કે રાજુલામા 17મીમી વરસાદ થયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં મેધરાજા મનમૂકીને વરસી શકે છે.  જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શકયતાના પગલે એક દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં  રાજયમાં સીઝનનો 30 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સીઝન કરતા 28 ટકા વધુ વરસાદ પડતા રાજયના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

રાજકોટમાં શહેરના જામનગર રોડ, જંક્શન પ્લોટ, ગાયત્રીનગર, 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી, ત્રિકોણબાગ, બસસ્ટેન્ડ, યાજ્ઞીક રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ જંક્શન પ્લોટમાં રસ્તાઓ પણ પાણી ભરાયા હતા. 15 દિવસ બદ મેઘરાજાએ પધરામણી કરતા લોકોમાં પણ આંનદની લાગણી જોવા મળી હતી.

હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના એકાદ વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 4 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની કોઈ સંભાવના નથી. હાલ ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. બીજી તરફ રાજ્યનાં 15 તાલુકાઓમાં હજી 50 ટકા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.