Abtak Media Google News

ગુજરાતમાં વરસાદે એક મહિનાનો વિરામ લેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને શાકભાજીના ભાવ આસમાને છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ એક રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ મુજબ, 21થી 25 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના લગભગ તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. તેમજ હાલ રાજ્યના સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો હોવાથી પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.

4 દિવસમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે

21 અને 22 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ દીવ, દાદરાનગર હવેલી, વલસાડ, છોટા ઉદેપુર, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ આવે એવી સંભાવના છે. જ્યારે 24-25 જુલાઈએ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમમાં રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યું છે. જેથી અગામી બે-ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

પાકને જીવતદાન, ખેડૂતોમાં ખુશી

હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી હોવાથી ખેડૂતોમાં પાક સુકાવાની ચિંતા વ્યાપી ગઈ છે,ત્યારે આજે(20 જૂલાઈ) રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મહેરબાની કરતા પાકને જીવતદાન મળ્યું છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

ઉત્તર ગુજરાતના અંબાજી નજીક દાંતાના ભેમાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો, બોટાદ, રાજકોટ, બોટાદ, ગઢડા, અમરેલીના ધારી સહિતના વિસ્તારમાંથી પણ વરસાદ મેઘ મહેર થઈ છે. તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સુબિર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર પંથકના લગભગ તમામ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ વરસાદને પગલે પાકને જીવતદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.