Abtak Media Google News

સીબી કલાઉડના કારણે છુટા છવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે: રાજકોટ અને અમરેલી જિલ્લામાં વરસાદથી ભારે નુકસાની

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે બપોર બાદ છુટા છવાયા વિસ્તારોમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આગામી બે દિવસ હજુ વાતાવરણમાં પલટો જોવા મળશે ત્યારબાદ ફરી એકવાર ગરમીનું જોર વધશે. બુધવારે રાજકોટ શહેર અને અમરેલી જીલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થવા પામી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર તાપમાનનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રી આસપાસ રહે છે સાથો સાથ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોવાના કારણે સીબી કલાઉડ ફોર્મેશન થતુ હોય છે જેથી બપોર બાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે છે. હાલ મોનસુન સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આજે પણ બપોર બાદ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના જણાય રહી છે. સીબી કલાઉડ ફોમેશન થવા માટે કોઈ વિસ્તાર નકકી હોતો નથી આ ગરમીનું પ્રમાણ સાથે ભેજ વધારે હોય ત્યાં વરસાદ વરસી જતો હોય છે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૬.૨ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૮ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલે રાજકોટનું મહતમ તાપમાન ૪૨.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. શહેરમાં ૧૨ મી.મી. વરસાદ પડયો હતો.

રાજકોટમાં બુધવારે ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે દોઢ ડઝનથી વધુ સ્થળોએ વૃક્ષો અને હોર્ડિંગ બોર્ડ ધરાશાય થઈ ગયા હતા. રેસકોર્ષમાં આજથી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનો આરંભ થઈ રહ્યો છે. કથા સ્થળે પણ મંડપ ઉડી ગયા હતા. અમરેલી જિલ્લાના રાજુલા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે બુધવારે વરસાદ પડયો હતો. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને ભારે નુકસાની પહોંચી છે. આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બફારાનું પ્રમાણ વધ્યું છે. લોકો પરસેવે નિતરી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.