Abtak Media Google News

ધોરાજી પાલિકા વિસ્તાર ઉપર વધુ ભાર દેવાશે

અબતક, રાજકોટ : રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 13 ટકા લોકોને બીજો ડોઝ બાકી હોય આ લોકોને બીજો ડોઝ આપવા માટે એક પખવાડિયુ સઘન ઝુંબેશ ચલાવવામાં આવનાર છે. ઉપરાંત ધોરાજી પાલિકા વિસ્તાર ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ જિલ્લામાં કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ વેકસીનેશનની કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. અગાઉ ધોરાજી, જસદણ સહિતના પંથકમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ અંગત રસ લઈને વેકસીનેશન સઘન બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારબાદ હવે ફરી એક પખવાડયુ વેકસીનેશનની કામગીરી સઘન બનાવવામાં આદેશો જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવ્યા છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 87 ટકા લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે. હજુ 13 ટકા લોકો બીજા ડોઝ લેવામાં બાકી રહ્યા છે. ત્યારે આ તમામ લોકો પણ બીજો ડોઝ લ્યે તેવા પ્રયાસો આગામી પખવાડિયામાં હાથ ધરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં થર્ટી ફર્સ્ટ આવનાર છે. ત્યારે તંત્ર દ્વારા બાકી રહી ગયેલા વધુમાં વધુ લોકો વેક્સીન લ્યે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

97.30 ટકા જેટલા લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લઈ લીધો

રાજકોટ જિલ્લામાં વેકસીનેશનમાં તંત્રએ કરેલી મહેનતને સફળતા મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં 97.30 ટકા લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. અંધશ્રદ્ધા, વિશ્વાસનો અભાવ સહિતના પ્રશ્નો હોવા છતાં તંત્ર વેકસીનેશનના પ્રથમ ડોઝમાં 100 ટકા નજીક પહોંચ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.