Abtak Media Google News

ઇસ્ટ, વેસ્ટ ઝોન ઓફિસ અને મેસોનિક હોલ, 21 આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન ખાતે વેક્સિનેશન સાઇટ : વિવિધ સ્થળોએ મોબાઇલ વાહન દ્વારા પણ વેક્સિનેશનની કામગીરી થશે

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. આ અનુસંધાને આજે વિવિધ સંસ્થાઓ સાથે મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં આવતીકાલે વધુ ને વધુ લોકો વેક્સીન લઈ લ્યે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વેક્સીનેશનમાં બાકી રહેલા લોકોને આ વેક્સીનેશન મહાઅભિયાનમાં લાભ લેવા ખાસ અપીલ કરી છે.

કાલે મહાપાલિકાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ, 21 આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે વેક્સીનેશન સાઈટ : ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ વેક્સીનેશન થશે અને અન્ય વિવિધ સ્થળોએ મોબાઈલ વેકસીનેશન વાન મોકલીને વેક્સીનેશન થશે. આ મહાઅભિયાનમાં હાઉસિંગ સોસાયટીઓ, સ્લમ એરિયા, બાંધકામ સાઈટ્સ, હોકર્સ ઝોન વગેરે સ્થળોને આવરી લેવામાં આવશે.

મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા આ મહાઅભિયાન અનુસંધાને ડેપ્યુટી કમિશનર, આસીસ્ટન્ટ કમિશનર, અન્ય વહીવટી અધિકારી, તબીબો વગેરેને જુદી-જુદી જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવેલ છે.

તમામ આરોગ્ય કેન્દ્ર સહિત 31 કેન્દ્રો પર કોવીશિલ્ડ રસી આપવામાં આવે છે. જ્યારે બે કેન્દ્રો પર કોવેક્સિન રસી આપવામાં આવે છે. કોવીશિલ્ડ રસી પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવે છે. જયારે કોવીશિલ્ડ જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને 84 દિવસ થઇ ગયા હોય તેવા તમામ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા 50 હજાર વેક્સીનના ડોઝ ફાળવ્યા છે. નગરજનોને વેક્સિન લેવા ડો.પ્રદિપ ડવ, ડે.મેયર, ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.