Abtak Media Google News

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને આયોજિત રોડ સેફટી મિટિંગમાં ટ્રાફિક નિયમન, જનજાગૃતિ અને અકસ્માત નિવારણ અર્થે કરવામાં આવેલી કામગીરી અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરાયો હતો.

પોલીસ કમિશનર દ્વારા જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવા ટ્રાફિક પોલીસ તેમજ મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવા નિર્દેશ કરાયો હતો. નો પાર્કિંગ ઝોન જગ્યાએ યોગ્ય રીતે સાઈનબોર્ડ લગાવવા ખાસ સૂચના અપાઈ હતી. આ ઉપરાંત  ધૂમ બાઈક સહીત અવાજનું પ્રદુષણ વધારતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પણ આર.ટી.ઓ તેમજ પોલીસ વિભાગને અગ્રવાલે સૂચના આપી હતી.

રાજકોટ શહેર આસપાસના 36 જેટલા બ્લેકસ્પોટ પર વાહન અકસ્માત અટકાવવા ખાસ અભિયાન હાથ ધરાયુ છે, સંલગ્ન વિભાગ દ્વારા જે તે સ્થળ પર જરૂરી સ્પીડ બ્રેકર પટ્ટા, એલી.ઈ.ડી. લાઇટ સહીતસાઈનેઝ લગાવવાની કામગીરી ચાલી રહી છે. હાલ અકસ્માતના પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું. તેમજ આ તમામ સ્પોટ પર બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા નેશનલ હાઇવે, ગ્રામ પંચાયત, મહાનગરપાલિકા સહિતના વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમન માટે સિગ્નલ ટાઈમિંગ, નો પાર્કિંગ ઝોન સહીત વિવિધ સાઈન બોર્ડ, પાર્કિંગ ઝોન સ્થળો સહિતના મુદ્દે કરવામાં આવેલ કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.

રોડ સેફટી મિટિંગમાં ઝોન-1 ડી.સી.પી. પ્રવિણકુમાર, એસીપી ટ્રાફિક પોલીસ ભરત ચાવડા, આર.ટી.ઓ અધિકારી  લાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ-વે ઓથોરિટી, જી.ઇ.બી, માહિતી વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.