Abtak Media Google News

કામની સમય મર્યાદા પૂર્ણ થઈ તેને પણ 3 વર્ષ થઇ ગયા છતાં હજુ 40થી 50 ટકા જ કામ થયું  : નેશનલ હાઈવે ડિવિઝન દ્વારા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને નોટિસો ફટકારવામાં આવી પણ તેનો કોઈ જવાબ પણ ન આવ્યો

અબતક, રાજકોટ : રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેનું કામ છેલ્લા 5 વર્ષથી લોલ્મલોલ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ ત્રણ વર્ષ વિલંબિત થયો છે. વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે પરંતુ હાઈવેનું કામ ક્યારે પૂરું થશે તેની સમય મર્યાદા વિશે કોઈ જાણકારી નથી. પાંચ વર્ષથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેના લીધે હાઈવે પર કેટલાય ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને રસ્તા પણ બ્લોક થયા છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના નેશનલ હાઈવે ડિવિઝન દ્વારા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને નોટિસો ફટકારવામાં આવી છે પરંતુ તેનો કોઈ જવાબ આપ્યો નથી.

આ અંગે એક આરટીઆઈ કરવામાં આવી હતી અને તેના આધારે કોન્ટ્રાક્ટરો-ઓથોરિટી અને તેમણે મોકલેલી નોટિસો અંગેનો ખુલાસો થયો હતો. આરટીઆઈ પરથી જાણવા મળ્યું કે, બે કોન્ટ્રાક્ટરોને હાઈવેના ચાર સેક્શન માટે કામ સોંપવામાં આવ્યું હતું. તેમણે માત્ર 40-50 ટકા કામ કર્યું છે અને પછી નાદારી નોંધાવી હતી. આ બંને કોન્ટ્રાક્ટરોને જાન્યુઆરી 2019માં કામ આપવામાં આવ્યું હતું. કામ પૂરું થવાની ડેડલાઈન જાન્યુઆરી 2020 હતી.

નેશનલ હાઈવે ડિવિઝનના એક્ઝિક્યુટીવ એન્જિનિયરે 21 ડિસેમ્બર 2022ના રોજ સદ્ભાવ એન્જિનિયર લિમિટેડને ટર્મિનેશન નોટિસ મોકલી હતી. જેમાં ઉલ્લેખ હતો કે, કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારના સુધારા કરવાની તસ્દી લીધા વિના ખરાબ ગુણવત્તાનું કામ ચાલુ રાખ્યું હતું. સાયલા-બામણબોર વિસ્તારનું કામ આ કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું. બંને વચ્ચે થયેલા પત્રવ્યવહાર પ્રમાણે, ઓથોરિટીએ કોન્ટ્રાક્ટરની આર્થિક તંગીને માન્ય રાખી હતી. પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે સબ-કોન્ટ્રાક્ટિંગની મંજૂરી આપી હતી અને સબ-કોન્ટ્રાક્ટરને ડાયરેક્ટ પેમેન્ટ કરવાની ગોઠવણ કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે ત્રણ મહિના વેડફ્યા હતા અને ઓક્ટોબર 2022માં ટ્રાય-પાર્ટી અગ્રીમેન્ટ કર્યો હતો.

આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું, “20 દિવસ પહેલા જ મને બે આરટીઆઈઓના જવાબ મળ્યા છે. ઓથોરિટી દ્વારા મોકલાયેલી તમામ નોટિસો પ્રોજેક્ટની ડેડલાઈન પૂરી થઈ પછીની હતી. કોન્ટ્રાક્ટરોને કામ પૂરું કરવા માટે 730 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને તે દરમિયાન સુપરવિઝન કરવામાં આવ્યું નહોતું. સત્તાધીશોની બેદરકારી પણ આમા છતી થાય છે અને આ દેશ માટે પણ મોટું નુકસાન છે.”

કોન્ટ્રાક્ટરની ફર્મને અન્ય સંસ્થાએ હસ્તગત કરી તેનાથી ઓથોરિટી પણ અજાણ

24 નવેમ્બર 2022ના રોજ ઓથોરિટીના એન્જિનિયરે ધ્યાન દોર્યું કે, કોન્ટ્રાક્ટર કે સબ-કોન્ટ્રાક્ટરે શ્રમિકો, મશીનરી અને મટિરિયલ (સિમેન્ટ, સ્ટીલ, ડામર વગેરે) ઓથોરિટીની પૂર્વ મંજૂરી વિના જ ત્યાંથી હટાવવાનું શરૂ કરી દીધું હતું. હાઈવેના બગોદરા-લીમડી સેક્શનનું કામ પણ આ જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટ-બામણબોરા સેક્શનનું કામ વરાહા ઈન્ફ્રા લિમિટેડને અપાયું હતું. ઓથોરિટીના કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટરની સુપરવાઈઝિંગ એજન્સીએ લખેલા પત્રમાં ઉલ્લેખ છે કે, “વિવિધ સૂત્રો પાસેથી અમને જાણકારી મળી છે કે, કોન્ટ્રાક્ટરની ફર્મને એક નાણાંકીય સંસ્થાએ હસ્તગત કરી લીધી છે. આવી અગત્યની માહિતી ઓથોરિટીથી ગુપ્ત રાખવામાં આવી.”

કોન્ટ્રાક્ટરની કામ પૂરું કરવાની દાનત નહીં

પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે, કોન્ટ્રાક્ટરની દાનત કામ અધૂરું છોડી દેવાની હતી. આ પત્ર માર્ગ અને મકાન વિભાગના તમામ લાગતાવળગતા અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. તેમાં કન્સલ્ટન્ટે ઉલ્લેખ કર્યો છે કે, “ઓથોરિટીએ કેટલીય તક અને ચેતવણીઓ આપી તેમ છતાં કોન્ટ્રાક્ટરનો ઈરાદો એગ્રીમેન્ટનું પાલન કરવાનો નહોતો.” આ જ કોન્ટ્રાક્ટરને લીમડી-સાયલા સેક્શનનું પણ કામ સોંપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.