Abtak Media Google News

રાજકોટ શહેર એક સપ્તાહમાં ત્રીજી વખત રક્તરંજિત બન્યું છે. જેમાં ન્યુ જાગનાથ વિસ્તારમાં નેપાળી યુવકને તેના જ મિત્રએ ગળું વાઢી હત્યા કરી હોવાનો બનાવ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં તેના જ મિત્રએ યુવાનને છરીનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હોવાનુ સામે આવ્યું છે. પોલીસે બનાવના પગલે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ન્યુ જાગનાથ-૨૬માં રહેતા અને એસ્ટ્રોન ચોક પાસે ઇલેક્ટ્રિક દુકાનમાં ઓફિસ બોય તરીકે કામ કરતા કમલેશ ઉર્ફે કમલ સુરેશભાઈ સોની નામના ૩૨ વર્ષીય નેપાળી યુવાનને તેના જ નેપાળી મિત્ર વિજય ઉજરસિંહ વિશ્વકર્મા નામના શખ્સે ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાથી ચકચાર મચી ગયો છે.

પોલીસને ઘટના અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ કે.એન.ભુકણ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વિજય વિશ્વકર્માને રેલવે સ્ટેશન પાસેથી દબોચી લીધો હતો. આરોપી વિજયની પુછપરછમાં જાણવા મળ્યા મુજબ કમલેશ ઉર્ફે કમલ અને વિજય બંને મિત્ર હતા.

ગઇ કાલે રાત્રીના કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થતા કમલે આરોપી વિજયને ગાળો આપી હતી જે બાબતે વિજયે ના પાડવા છતાં પણ ગાળો દેતા છરીનો ઘા ગળાના ભાગે ઝીકી દેતા કમલેશ ઉર્ફે કમલનું ઘટના સ્થળ પર જ ઢીમ ઢળી ગયું હતું. પોલીસે ફરિયાદના આધારે વિજય વિશ્વકર્મા સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

બોક્સ

રાજકોટમાં કાયદાની સ્થિતિ કથડાઈ: એક સપ્તાહમાં ત્રણ હત્યા

રાજકોટ રંગીલા શહેરમાંથી હવે જાણે રક્તરંજિત શહેર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં જ ત્રણ – ત્રણ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ૮૦ ફૂટ રોડ પર આંબેડકરનગરમાં જૂની અદાવતને કારણે યુવાને છરીના ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો. તો બીજી તરફ રવિવારના રોજ ઘંટેશ્વર ૨૫ વારિયામા નશાની હાલતમાં પત્નીનો હાથ પકડવા મામલે યુવાનને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બનાવમાં હજુ લોહી સુકાયું ન હતું તે પહેલાં જ ન્યુ જાગનાથ વિસ્તારમાં નેપાળી મિત્રો વચ્ચે બોલાચાલી થતા યુવકનું ગળું વાઢી હત્યા કર્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. શહેરમાં નજીવી બાબતે છરી વડે હુમલા કરવાના બનાવમાં પગલે જાણે ગુનેગારોને ખાખિનો ખોફ જ ના રહ્યો હોય તેમ રંગીલા રાજકોટમાં ગુનાખોરી વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.