Abtak Media Google News

હવે કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાવતાની સાથે નિકાલ થયાના ખોટા મેસેજો બંધ થશે: ફરિયાદીના મોબાઈલમાં એક ઓટીપી આવશે જે મેળવ્યા બાદ અધિકારી-કર્મચારી નિકાલનો રિપોર્ટ અપડેટ કરશે: મહાપાલિકાની તમામ સેવા શહેરીજનોને હવે વોટ્સએપ પર આપવામાં આવશે

સ્ટેન્ડિંગ કમીટી દ્વારા આજે મંજૂર કરવામાં આવેલા બજેટમાં 22 નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહાપાલિકાના કોલ સેન્ટરનું અપગ્રેડેશન કરવામાં આવશે અને આરએમસી ઓન વોટ્સએપ સેવા શરૂ કરાશે તેવી જાહેરાત ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

તેઓએ ઉમેયુર્ં હતું કે, વર્ષ 2008થી મહાપાલિકા દ્વારા 24 કલાક કોલ સેન્ટરની શરૂ કરવામાં આવી છે જેમાં જુદી જુદી ફરિયાદો નોંધવામાં આવે છે.

રાજકોટનો ભૌગોલીક વ્યાપ અને વસ્તીમાં વધારો થતાં ફરિયાદોનું પ્રમાણ પણ વધવા પામ્યું છે. સાથે સાથે લોકોની અપેક્ષાઓ પણ વધી છે. કોર્પોરેશન દ્વારા કોલ સેન્ટરમાં નોંધાતી ફરિયાદો ખરા અર્થમાં સમયસર અને યોગ્ય નિકાલ થાય તે માટે કોલ સેન્ટરનું અપગ્રેડેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ જે પ્રણાલી છે

તેમાં આમુલ પરિવર્તન લાવવામાં આવશે. પ્રોજેકટમાં ફરિયાદી નાગરિકોનો ફીડબેક ખુબજ જરૂરી બનશે. વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદનો નિકાલ થયે મહાપાલિકાના અધિકારી કે કર્મચારી કોલ સેન્ટર સીસ્ટમમાં પોતાનો રિપોર્ટ રજૂ કરે તે પહેલા જ ફરિયાદીના મોબાઈલમાં એક ઓટીપી મોકલવામાં આવશે. આ ઓટીપી ફરિયાદી પાસેથી મેળવ્યા બાદ સીસ્ટમમાં ફરિયાદ નિકાલનો રિપોર્ટ અપલોડ કરી શકાશે. સાથે સાથે સંબંધીત અધિકારી કે કર્મચારીએ ફરિયાદ નિકાલ કર્યાનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. આ ઉપરાંત શહેરીજનો આઈવીઆર મારફત ફરિયાદ નોંધાવી શકશે. આ માટે બજેટમાં 25 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકા દ્વારા તમામ સેવા હવે વોટ્સએપ પર આપવામાં આવશે આ માટે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ સેવાનો ઉપયોગ કરી તેનું વોટ્સએપ સાથે ઈન્ટીગ્રેશન કરવામાં આવશે. વોટ્સએપ પર શહેરીજનોને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ આધારિત સેવાઓ જેવી કે પ્રોપર્ટી ટેકસના બીલ રીસીવ, રિસીપ્ટ, વોટર ચાર્જીસ અને તમામ સેવાનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. આ ઉપરાંત જન્મ અને મરણ પ્રમાણપત્ર અને લગ્ન અંગેની વિગતો વોટ્સએપ પરથી ડાઉનલોડ કરી શકશે. આ માટે બજેટમાં રૂા.1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહાપાલિકાની વિવિધ સેવા અંગેની ફરિયાદ વોટ્સએપના માધ્યમથી નોંધાવી શકાશે અને ફરિયાદનું વોટ્સએપ પર આપોઆપ મળતું રહેશે. સ્પોર્ટસ ફેસીલીટીની નોંધણી અંગેની વિગતો તેમજ વિવિધ સેવાના ફોર્મ મેળવી શકાશે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.