Abtak Media Google News

શહેરમાં રાત્રી કરફયુનો સમય ઘટાડવા તથા રસીકરણ માટેના વધુ સેન્ટરો શરૂ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરકાર સુધી રજૂઆત કરવામાં આવી છે. વિશ્ર્વવ્યાપી કોરોના મહામારીએ ફરીવાર રાજય તથા સમગ્ર દેશમાં પગ પેસારો કર્યો છે. કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજય દ્વારા કોરોનાને કાબુમાં લાવવા માટે જરૂરી પગલાઓ અને નિયમોની અમલવારી કરેલ છે. તે આવકારદાયક છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નોડલ ઓફિસર (રાજકોટ જિલ્લો) રાહુલ ગુપ્તા, કલેકટર રેમ્યા મોહન તથા મ્યુનિશીપલ કમિશ્ર્નર ઉદિત અગ્રવાલ સમક્ષ વિવિધ મુદે રજૂઆત કરાઇ છે.

Advertisement

સરકારે શહેરમાં રાત્રીના 10થી સવારના 6 સુધી કર્ફયુની અમલદારી કરી છે જે સબબ અગાઉ સતત 2 મહિના આસપાસ લોકડાઉનને કારણે વેપાર-ઉદ્યોગને પારાવાર નુકશાન થયું છે અને આર્થિક મંદીમાં સંપડાયેલ છે. વેપાર-ધંધાએ માંડ માંડ વેગ પકડયો હોય ત્યારે રાત્રી કર્ફયુના સમયમાં ફેરફાર કરવો અયોગ્ય જણાઇ રહ્યું છે. સાથો સાથ હાલમાં જ રાજયની ઇન્કમટેક્ષ આવકમાં પણ 10થી 15નો ઘટાડો થયો છે ત્યારે વેપાર-ધંધાઓમાં આર્થિક નુકસાન ન થાય અને લોકો સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન કરી પોતાનો વેપાર-ધંધો મોડે સુધી કરી શકે તે માટે રાત્રી કર્ફયુનો સમય ઘટાડી રાત્રીના 11થી 6 રાખવા રજુઆત કરી છે. કોરોના સંક્રમણના ફેલાવા તથા તેને કાબુમાં લેવા માટે સરકારે રસી આપવાની શરૂઆત જે ખરેખર પશુસનીય અને આવકાદાયક કામગીરી છે. હાલ રસી આપવા માટેની કામગીરી માત્ર સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રમાં તથા અમુક જ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. ત્યારે શહેરની પાત્રતા ધરાવતી તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ રસીકરણની કામગીરી કરવાની મંજુરી આપવી જરૂરી છે. જેથી રસીકરણની કામગીરી ઝડપથી થઇ શકે અને સંક્રમણના ફેલાવવાને અટકાવી શકાય તેમ ચેમ્બરે જણાવ્યું છે.

સરકારે સૌપ્રથમ કોરોના વોરીયર્સ અને 60 વર્ષના વડીલો તથા 45 વર્ષથી વધુ ઉમરના કોમોર્બીડ દર્દીઓને જ રસી આપવાનું નકિક કર્યુ છે. પરંતુ હાલ બીજા તબકકામાં કોરોનાની અસર વધુ પ્રસરી ગઇ હોય ત્યારે 45 વર્ષથી વધુના ઉંમરના તમામ લોકોને તાત્કાલીક અસરથી પણ રસી આપવાની શરૂઆત કરવામાં આવે તેવી માંગ છે.

સાથો સાથ તમામ વેપાર-ઉદ્યોગકારો તથા આમ પ્રજાજનોને કોરોનાની ભયંકર બીજી લહેરને ધ્યાનમાં રાખી સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન કરી સાવચેતી રાખવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.