Abtak Media Google News

Screenshot 1 36 શહેરમાં કોરોનાની હવે કોઇ નવી લહેર આવે તેવી સંભાવના નહિંવત: ટેસ્ટીંગ પણ વધારાયા

ચીન સહિત વિશ્ર્વના અનેક દેશોમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. કોરોનાની સંભવિત: લહેરના ખતરાને ટાળી દેવા કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે.

જ્યારે રાજકોટવાસીઓ માટે આજે સૌથી સારા સમાચાર મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાનો જે એક એક્ટિવ કેસ હતો તેને પણ હવે ડિસ્ચાર્જ કરી દેવામાં આવતા રાજકોટ મહિનાઓ બાદ ફરી એક વખત કોરોનામુક્ત થઇ ગયું છે.

બીજી તરફ સંભવિત: ખતરાને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ટેસ્ટીંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

શહેરમાં વોર્ડ નં.7માં જાગનાથ વિસ્તારમાં કોરોનાનો એક એક્ટિવ કેસ હતો. જે યુવતી ક્વોરેન્ટાઇન પિરિયડ પૂર્ણ થતાં આજે બપોરે તેને સ્વસ્થ્ય જાહેર કરવામાં આવતાની સાથે જ રાજકોટ કોરોનામુક્ત થઇ ગયું છે. હાલ શહેરમાં કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી. ગઇકાલે દિવસ દરમિયાન 363 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક પણ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો નથી. અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના 65,703 કેસ નોંધાયા છે. જે પૈકી 65,199 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. રિક્વરી રેટ 99.23 ટકા નોંધાયો છે. શહેરમાં કુલ 19,94,160 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

પોઝીટીવીટી રેટ 3.29 ટકા જેવો નોંધાયો છે. ડિસેમ્બર માસમાં અત્યાર સુધીમાં કોરોનાના માત્ર પાંચ કેસ નોંધાયા છે. ગત જાન્યુઆરી માસમાં કોરોનાની ત્રીજી લહેરે હાહાકાર મચાવતાં 18,730 કેસ નોંધાયા હતા. જ્યારે ફેબ્રુઆરીમાં 2,168, માર્ચમાં 36, એપ્રિલમાં પાંચ, મે માં 14, જૂનમાં 183, જુલાઇમાં 638, ઓગસ્ટમાં 869, સપ્ટેમ્બરમાં 144, ઓક્ટોમ્બરમાં 105, નવેમ્બરમાં 60 અને ડિસેમ્બરમાં પાંચ સહિત વર્ષ દરમિયાન 22,947 કેસ નોંધાયા છે. આજે રાજકોટ કોરોનામુક્ત થઇ ગયું છે. છતાં સંભવિત: ચોથી લહેરને ધ્યાનમાં રાખી લોકોએ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.