Abtak Media Google News

રેડિયો ફિક્વન્સી આઇડેન્ટીફીકેશન ચીપ ખરીદવા માટે અમદાવાદની બીઝ ઓરબીટ કંપનીને ઓર્ડર અપાયો: ચીપ માટે માલધારીઓ પાસેથી કેટલો ચાર્જ વસૂલવો તે અંગે ટૂંકમાં નિર્ણય લેવાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરમાં ૪,૦૦૦થી વધુ પશુઓના ગળે આરએફઆઇડી ચીપ બાંધવામાં આવશે. જેનાથી પશુના માલિકની ઓળખ સહિતની કામગીરી ખૂબ જ સરળ થઇ જશે. ચીપ ખરીદવા માટે અમદાવાદની બીઝ ઓરબીટ કંપનીને ઓર્ડર આપી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. માલધારીઓ પાસેથી ચાર્જ વસૂલવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

આ અંગે પશુ રંજાડ અંકુશ વિભાગના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ મહાપાલિકા દ્વારા જે-તે સમયે ૩,૭૫૦ ઢોરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને રજીસ્ટ્રેશન માટે જે-તે સમયે માલધારી પાસેથી લાયસન્સની પેટે રૂ.૧૦૦ની વસૂલાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે રજીસ્ટ્રર્ડ તમામ પશુઓના ગળે રેડિયો ફીકવન્સી આઇડેન્ટીફીકેશન ચીપ લગાડવી અમદાવાદ અને વડોદરા કોર્પોરેશન દ્વારા બે વર્ષ પૂર્વે જ તમામ પશુઓ પર આરએફઆઇડી ચીપ લગાવી દેવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે બજેટમાં આ કામ માટે રૂ.૧૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. દરમ્યાન ૪,૦૦૦ નંગ આરએફઆઇડી ચીપ ખરીદવા માટે અમદાવાદની બીઝ ઓરબીટ કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ચીપ મહાપાલિકાને ૧૫૦ રૂપિયામાં પ્રાપ્ત થશે. ૧૫ દિવસમાં આરએફઆઇડી ચીપનું સપ્લાઇ શરૂ કરી દેવામાં આવશે. સંભવત જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરી માસના પ્રારંભથી ૪,૦૦૦ જેટલા આશરે પશુઓના ગળે ચીપ બાંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

તેઓએ ઉમેર્યું હતું કે હાલ રજીસ્ટ્રેશન બાદ પશુઓના કાન પર ટેગ લગાવવામાં આવે છે તે માલધારીઓ કાઢી નાંખતા હોય છે અથવા તે તૂટીને નીકળી જતું હોય છે.આવા કિસ્સામાં પશુઓ રાજમાર્ગો પર રખડતું-ભટકતું પકટાઇ જાય તો કોની માલિકીનું છે તેનોં ખ્યાલ આવતું નથી. આરએફઆઇડી ચીપની મદદથી સ્કેન કરી પશુના માલિક અને તેના એડ્રેસ સહિતની તમામ વિગતોનું ખ્યાલ આવશે. અગાઉ એક વખત માલધારીઓ પાસેથી રજીસ્ટ્રેશન ફીની વસૂલાત કરી લેવામાં આવી હોય હવે આરએફઆઇડી ચીપ માટે કોઇ ચાર્જ વસૂલવો કે કેમ તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.