Abtak Media Google News

ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર રૂ.૭૩૬.૫૬ કરોડ ચોખ્ખો નફો રૂ.૪.૦૮ કરોડ: ચેરમેન ગૌવિંદભાઇ રાણપરીયાએ હિસાબ રજુ કર્યો

રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ની પ૬મી વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા મુકામે સમારંભનાં અઘ્યક્ષ તરીકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સમારંભનાં ઉદધાટક તરીકે જીતુભાઇ વાઘાણી, સાધારણ સભાના અઘ્યક્ષ તરીકે પોરબંદરનાં સંસદસભ્ય અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ. બેંકના ચેરમેન વિઠલભાઇ રાદડીયા, ખાસ મહેમાન તરીકે નાબોર્ડનાં સીનીયર જનરલ મેનેજર સુનીલ ચાવલા, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ઇશ્ર્વરસિંહ પટેલ, જશાભાઇ બારડ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, જયરાજસિંહ જાડેજા, પ્રવિણભાઇ માંકડીયા, કાંતિભાઇ અમૃતીયા, શ્રીમતિ ભાનુબેન બાબરીયા, બાવનજીભાઇ મેતલીયા, મહંમદ જાવીદ પીરજાદા, ભોળાભાઇ ગોહીલ મળી હતી. રાજકોટ દુધ સંઘના અઘ્યક્ષ ગોવિંદભાઇ રાણપરીયાએ દૂધ સંઘનો અહેવાલ અને હિસાબો રજુ કર્યા હતા.

સંઘે ગતવર્ષની સરખામણીએ પ્રતિ કીલોફેટે રૂ ૩૮ નો વધારો ચૂકવી વર્ષ દરમ્યાન રૂ ૩૨ કરોડ દૂધ ઉત્પાદકોને વધારે ચૂકવી સંઘે રૂ. ૪.૦૮ કરોડનો નફો કર્યાની જાહેરાત કરેલ હતી. વર્ષ દરમ્યાન સંઘે રૂ.૭૩૬.૫૬ કરોડનુ ટર્નઓવરની સિઘ્ધી હાંસલ કરેલ છે. સંઘના અઘ્યક્ષએ ઉપસ્થિત દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ સમક્ષ ૧૫ ટકા ડીવીડન્ડ ચૂકવવાની તથા તા. ૧/૮/૨૦૧૭ થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કીલો ફેટે રૂ. ૧૦ નો વધરો કરી રૂ.૬૭૦ ચુકવવાની જાહેરાત કરતાં તમામે તાળીઓથી વધાવેલ હતી.

સંઘના અઘ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું કે, આપણી આ પ્રગતિનાં ખરા જશનાં ભાગીદારો આપણા ૬૫૦૦૦ દૂધ ઉત્પાદકો અને અમૂલ દૂધ ઉપર અતૂટ વિશ્ર્વાસ મુકનાર આપતા વિશાળ દૂધ ઉપભોકતાઓ છે. તેમને હું અભિનંદન પાઠવું છું. વર્ષ દરમ્યાન દૂધના વેચાણમાં આપણે ૩.૮ ટકા નો વધારો કરી દૈનિક ૩ લાખ લીટર દૂધનાં વેચાણ સુધી પહોંચ્યા છીએ.

સંઘે વર્ષ દરમ્યાન સરેરાશ પ્રતિ કીલોનાં રૂ. ૬૦૮ દૂધનાં ખરીદ ભાવ ચૂકવી ગાયનાં દૂધનાં રૂ. ૨૮.૧૪, ભેંસનાં દૂધનાં રૂ. ૪૨.૭૦ અને મીશ્ર  દૂધના રૂ.૩૮.૮૯ એમ ત્રણેકનું થઇ સરેરાશ રૂ.૩૮.૭૦ પ્રતિ કિલોના ભાવ ગામડે બેઠા દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવેલ છે.

સંઘે દૂધ ઉત્પાદકો, પ્રગતિશીલ ખેડુતો સાથે મહિલાઓને પણ સાંકળી તેમનું દૂધ મંડળીના સંચાલનમાં ભાગીદારી વધે, પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, મહિલાઓનું સશકિતકરણ અને આગળ વધવાની તકો વધે તે માટે મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની રચના કરવાનો અભિગમ અપનાવ્યો છે. સંઘની કુલ કાર્યરત દૂધ મંડળીઓમાંથી ૫૭ ટકાથી વધારે એટલે કે કુલ ૪૫૫ મહીલા સંચલીત દૂધ મંડળીઓ ચાલી રહી છે. જે એક નોંધનીય બાબત છે. તેવું સંઘના અઘ્યક્ષએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.