Abtak Media Google News

Table of Contents

કલેકટર, પ્રાંત અને મામલતદારો સતત ફિલ્ડમાં : વધુ એક એનડીઆરફની ટિમ મંગવાય : ડિઝાસ્ટર વિભાગ પણ એલર્ટ મોડ ઉપર : 6 હજારથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર : લોકોને બહાર ન નીકળવા અપીલ

વાવાઝોડાને પગલે રાજકોટ જિલ્લો હાઈ એલર્ટ ઉપર મુકવામાં આવ્યો છે. આજે રાતથી વાવાઝોડાની અસર શરૂ થવાની છે. જેને પગલે કલેકટર, પ્રાંત, મામલતદારો સતત ફિલ્ડમાં વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. ઉપરાંત ડિઝાસ્ટર વિભાગ પણ સતત એલર્ટ મોડ ઉપર છે.

બિપરજોય વાવાઝોડું કાલે સાંજના અરસામાં કચ્છના દરિયાકાંઠે ટકરાવવાનું છે. જેની અસર રાજકોટમાં પણ વર્તવાની છે. રાજકોટ જિલ્લામાં આજ રાતથી જ અસર શરૂ થવાની છે. જેમાં 80થી 100ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ભારે વરસાદ પણ પડી શકે છે. ત્યારે જાન માલની ઓછામાં ઓછી નુકસાની થાય તે માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર સતત બચાવની આગોતરી વ્યવસ્થાઓ કરી રહ્યું છે.

છેલ્લા બે દિવસથી વાવાઝોડાની અસરને પગલે કલેકટર, પ્રાંત અને મામલતદારો સતત ફિલ્ડમાં વ્યવસ્થા ગોઠવવા તથા તેની સમીક્ષા કરવા દોડધામ કરી રહ્યા છે. વધુમાં ડિઝાસ્ટર વિભાગ પણ સતત એલર્ટ રહી તમામ તાલુકાઓ સાથે સંપર્કમાં રહી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપી રહ્યું છે.

બચાવ કાર્ય માટે રાજકોટ જિલ્લામાં એનડીઆરએફ વધુ એક ટિમ મંગવવામાં આવી છે. જે ટિમ ગાંધીનગરથી રાજકોટ પહોંચી છે.

અગાઉ જિલ્લામાં તૈનાત બે એસડીઆરએફની ટીમોમાંથી એક ટીમને મોરબી અને એક ટીમને કચ્છ મોકલી દેવામાં આવી છે. ઉપરાંત રાજકોટમાં અગાઉ એનડીઆરએફની 3 ટિમો હતી. જેમાંથી બે ટીમોને કચ્છ મોકલી દેવામાં આવી છે.

હાલ તકેદારીના ભાગરૂપે અંદાજે 6 હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ તમામ લોકો માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિવિધ સેવાકીય સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે.

ક્યાં તાલુકામાં કેટલા લોકોનું સ્થળાંતર ?

ધોરાજી – 325
ગોંડલ – 747
જામકંડોરણા – 310
જસદણ-  280
જેતપુર-  1023
કોટડા સાંગાણી – 178
લોધિકા- 260
પડધરી -465
રાજકોટ- 227
ઉપલેટા- 732
વીંછીયા -108

જિલ્લામાં 34 વૃક્ષો ધરાશાયી

રાજકોટ જિલ્લામાં વાવાઝોડા પૂર્વે જ તબાહી સર્જાઈ છે. આજે રાજકોટ શહેરમાં 12 વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યારે ગોંડલમાં એક વૃક્ષ ધરાશાયી થયા છે. આમ આજે કુલ 13 વૃક્ષો ધરાશાયી થયા છે. બીજી તરફ છેલ્લા 2થી 3 દિવસમાં કુલ 34 વૃક્ષ પડ્યા હોવાનું ડિઝાસ્ટર વિભાગમાંથી જાણવા મળ્યું છે.

જિલ્લામાં 134 સગર્ભાઓનું સ્થળાંતર, તમામ ઉપર તબીબોનું સુપરવીઝન

રાજકોટ જિલ્લામાં એવી 134 સગર્ભા મહિલાઓની ઓળખ કરવામાં આવી હતી કે તેઓ જોખમી સ્થળે રહેતા હોય, વાવાઝોડાની અસર વખતે જો તેઓને તબીબી સહાયની જરૂર પડે તો તેમાં કોઈ મોડું ન થાય તે માટે આવી સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવી છે અને હાલ તેઓ ઉપર સતત તબીબોનું સુપરવિઝન હોવાનું જાણવા મળ્યું છે.

તમામ વાયરલેસ ફોન સજ્જ કરી દેવાયા

રાજકોટ જિલ્લામાં અનેક જુદા જુદા સરકારી વિભાગો પાસે વાયરલેસ ફોન છે. ગઈકાલે ડિઝાસ્ટર વિભાગના માર્ગદર્શન હેઠળ આ તમામ વાયરલેસ ફોનનું ટેસ્ટિંગ કરી તેને સજ્જ કરી દેવામાં આવ્યા છે. જેને પગલે જો નેટવર્ક ખોરવાય તો આ વાયરલેસ ફોન વડે સંદેશાની આપ લે થઈ શકે.

શું છે રાજકોટની સ્થિતિ ? : મુખ્યમંત્રીએ પણ ડિઝાસ્ટર મામલતદાર પાસેથી વિગતો જાણી

રાજ્ય માટે હવેના 24 કલાક ખૂબ ભારે ગણવામાં આવે છે. આ દરમિયાન વહીવટી તંત્ર સંભવિત વાવાઝોડાને સામે તૈયાર છે. શક્ય તેટલું ઓછું નુકશાન થાય તેવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્ય પર આવનાર આફત સામે લડવા માટે તંત્ર પૂરે પૂરી તૈયારી કરી ચૂક્યું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સાંજે 7 વાગ્યે ઓચિંતો હોટલાઈન મારફત રાજકોટ ડિઝાસ્ટર વિભાગનો સંપર્ક કર્યો હતો.

હોટલાઈનમાં સામે ડિઝાસ્ટર મામલતદાર કેતન ચાવડા દ્વારા તેમની સાથે વાત કરવામાં આવી હતી. આ વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટની શુ પરિસ્થિતિ છે અને સાધન સામગ્રી, શેલ્ટર હોમ,  સ્થળાંતર સહિતની વિગત મેળવી હતી. સામે ડિઝાસ્ટર મામલતદાર કેતન ચાવડા દ્વારા મુખ્યમંત્રીને જિલ્લાની તમામ વ્યવસ્થા અંગે અવગત કરવામાં આવ્યા હતા.

પેટ્રોલ પંપોમાં ઇંધણનો જથ્થો અંદાજે 3થી 5 દિવસ ચાલે તેટલો

વાવાઝોડાની અસર તળે ઇંધણ પુરવઠાના વહન માટે નવો રૂટ જાહેર કરાયો

રાજકોટ જિલ્લાના પેટ્રોલ પંપોમાં હાલ ઇંધણનો જથ્થો સરેરાશ 3થી 5 દિવસ ચાલે તેટલો છે. રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ ઇંધણની ઘટ ન આવે એટલા માટે સંકલનમાં રહી કામગિરી કરી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં વાવાઝોડાની અસરને પગલે ઇંધણ વ્યવસ્થા ખોરવાય નહિ તે માટે જિલ્લા પુરવઠા તંત્ર હરક્તમાં આવ્યું છે. પુરવઠા તંત્ર દ્વારા તમામ પેટ્રોલ પંપ સાથે સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં જિલ્લામાં પેટ્રોલ પંપોમાં સરેરાશ 3થી 5 દિવસ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. બીજી તરફ જો વાવાઝોડાની અસર લાંબી ચાલે તો ઇંધણની વ્યવસ્થા ખોરવાય નહિ તે માટે નવો રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જામનગર, વાડીનાર અને કંડલા તરફથી નવા રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

મોબાઈલધારક કોઈપણ નેટવર્કનો ઉપયોગ કરી શકશે

ચક્રવાત બિપરજોય”અસરગ્રસ્ત વિસ્તારોમાં નેટવર્ક વ્યવસ્થા જાળવવા સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યુ છે. જેને પગલે હવે મોબાઈલ ધરકની સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવાઓ કામ ના કરે તો  હવે કોઈપણ ટેલિકોમ ઓપરેટરની નેટવર્ક ઉપયોગ કરી શકો છો. આના માટે મોબાઇલ સેટિંગ્સ  સિમ કાર્ડ  મોબાઇલ નેટવર્કને માન્યુઅલી પસંદ કરી શકાશે.

જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો તથા ઝોનલ ઓફિસ 16 જૂન સુધી બંધ

નાગરિકોને 17 જુનથી જનસેવા કેન્દ્ર અને પુરવઠાની સવલતો રાબેતા મુજબ મળી શકશે

વાવાઝોડાને પગલે જિલ્લાના તમામ જન સેવા કેન્દ્રો તથા ઝોનલ ઓફિસો બંધ રાખવાનો જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોઈ જાનમાલની કોઈ નુકસાની ન થાય.

બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને લઈને કલેકટર પ્રભવ જોશીએ લોકોને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે ત્યારે તા.14,15 અને 16 જૂન એમ ત્રણ દિવસ નાગરિકોના હિતાર્થે તમામ “જનસેવા કેન્દ્રો” તથા પુરવઠા વિભાગની તમામ ઝોનલ ઓફિસ બંધ રહેશે. આથી સંબંધિત નાગરિકોને આ સેવાઓનો લાભ 17 જૂનથી રાબેતા મુજબ મળી શકશે, જેની સર્વે નાગરીકોએ નોંધ લેવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જણાવાયું છે.

જિલ્લાની તમામ સબરજીસ્ટાર કચેરીઓ પણ બે દિવસ બંધ

બિપરજોય વાવાઝોડા અંતર્ગત રાજકોટ જીલ્લાને હાઇ-એલર્ટ કરવામાં આવેલ હોવાથી તા.14 અને તા.15ના રોજ દસ્તાવેજ નોંધણીની કામગીરી ન કરવા જણાવેલ છે. જેથી વાવાઝોડા અંતર્ગત સંભવિત જાન-હાનીની નુકશાની નિવારી શકાય. વધુમાં ઉપરોક્ત તારીખમાં જાહેર જનતા દ્વારા એપોઇન્ટમેન્ટ ન લેવાય તે માટે રાજકોટ જીલ્લાની તમામ કચેરીના ટોકન સ્લોટ બંધ કરવા તથા આગળની તારીખથી લેવાયેલ એપોઇન્ટમેન્ટ તા.16થી રી-શિડ્યુલ થશે. તેમ મદદનીશ નોંધણીસર નીરીક્ષક રાજકોટની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.