રાજકોટ : હાશ…! પ્રદ્યુમન પાર્કના દરવાજા ખુલશે,જાણો ક્યારથી

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં ગત ૧૯મી માર્ચથી મહાપાલિકા દ્વારા પ્રદ્યુમન પાર્ક ઝૂ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.હવે જ્યારે કોરોનાની બીજી લહેર સમાપ્ત થવા પર છે ત્યારે આગામી સોમવારથી મુલાકાતીઓ માટે ઝુ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત આજે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

કોરોનાનું સંક્રમણ વધતા ગત ૧૯ માર્ચથી ઝુ બંધ હતું:સરકારની મંજુરી મળતા હવે ઝુ ખોલવાનો કોર્પોરેશનનો નિર્ણય

આ અંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાગ બગીચા સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીના કારણે ૧૯ માર્ચથી મુલાકતીઓ માટે ઝૂ બંધ રાખવામાં આવ્યુ હતું. હાલમાં, કોરોનાની સ્થિતિ સારી છે તેમજ સરકાર દ્વારા બાગ બગીચા વિગેરે ખોલી નાંખવાની મંજુરી આપવામાં આવેલ હોય જેના અનુસંધાને આગામી સોમવાર પ્રાણીઉદ્યાન કોરોનાની ગાઈડલાઈન સાથે ફરી શરૂ કરવામાં આવશે.

પ્રાણીઉદ્યાનની મુલાકાતે આવનાર લોકોને સેનેટાઈઝ કરવામાં આવશે તથા થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવશે. માસ્ક પહેરવું ફરજીયાત રહેશે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. પ્રાણીઉદ્યાનનો સમય સવારે ૯ થી સાંજે ૬ વાગ્યાનો રહેશે, તેમજ ઈલેક્ટ્રીક કાર પણ ચાલુ રખાશે. દર શુક્રવારે બંધ રહેશે.

રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે.સેન્ટ્રલ ઝુ ઓથોરિટી નવી દિલ્હીની ગાઈડલાઈન મુજબ દર વર્ષે નવા નવા વન્યપક્ષીઓ, વન્યપ્રાણીઓ વિનિમય હેઠળ અન્ય ઝૂ પાસેથી મેળવી ઝૂ નો વિકાસ કરવામાં આવે છે.

ઝૂ નો ટોટલ વિસ્તાર ૧૩૭ એકરમાં છે અને નૈસર્ગિક વાતાવરણમાં પ્રાકૃતિક પર્યાવરણનો અહેસાસ થાય છે. ઝૂ ખાતે હાલ જુદી જુદી ૫૫ પ્રજાતીના કુલ ૪૪૬ પ્રાણીઓ, પક્ષીઓ આવેલ છે.