Abtak Media Google News

“એક્સ એમએલએ” લખેલી કારનો ચાલક ફરાર: વૃદ્ધા સહિત પરિવારના છ સભ્યો ઘાયલ

મોરબી રોડ પર કારની ઠોકરે ઘવાયેલા મોરબીના પદયાત્રી યુવાનનું મોત

ભાઇબીજના દિવસે સાવરકુંડલા-અમરેલી હાઇવે પર સાવરકુંડલાથી ચારેક કિ.મી. દુર એક્સ એમએલએ લખેલી વેગનઆર કારના ચાલકે રાજકોટના પરિવારની રિક્ષાને ઠોકરે લેતાં રિક્ષા રોડ નીચે ખાડામાં ખાબકતાં દેકારો મચી ગયો હતો. તેમાં બેઠેલા રાજકોટ કોઠારીયા સોલવન્ટ રહેતા પરિવારના સાત લોકોને ઇજાઓ થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ પરિવારના મોભીનું મોત નિપજ્યું હતું.

બગદાણા અને ઉંચા કોટડા ગામે પરિવારના લોકો બે રિક્ષા લઇ દર્શન કરવા ગયા હતાં. પરત આવતી વખતે એક રિક્ષાને અકસ્માત નડયો હતો. સ્વજનના કહેવા મુજબ કાર રોંગ સાઇડમાં ધસી આવી હતી અને રિક્ષાને ઉલાળી દીધી હતી.

આ અંગે પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં 25 વારીયામાં રહેતાં બળવંતભાઇ વિઠ્ઠલભાઇ ટુંડીયા (વણકર) (ઉ.60), તેમના પત્નિ જયાબેન (ઉ.55) તથા ભાણેજ હિતેષ અરજણભાઇ વાઢેર (ઉ.30), હિતેષના માતા જીવુબેન અરજણભાઇ વાઢેર (ઉ.55), તેમજ ગૌતમ નથુભાઇ વેગડા (ઉ.32), મહેન્દ્ર અજરણભાઇ વાઢેર (ઉ.33) તથા નટુભાઇ લવજીભાઇ વેગડા તથા બીજા પરિવારજનો બે રિક્ષા મારફત બગદાણા દર્શને ગયા હતાં. ત્યાં દર્શન કરી બધા ઉંચા કોટડા આવ્યા હતાં અને અહિથી ભાઇબીજના દિવસે દર્શન કર્યા બાદ રિક્ષા નં. જીજે03બીએક્સ-2560માં બેસી રાજકોટ આવવા નીકળ્યા હતાં.

રિક્ષા હિતેષભાઇ ચલાવી રહ્યો હતો. સાવરકુંડલાથી ચારેક કિ.મી. દૂર હાઇવે પર પહોંચ્યા ત્યારે એકસ એમએલએ ગુજરાત લખેલી જીજે14બીએ-4299 નંબરની વેગનઆર કારના ચાલકે રિક્ષાને ઉલાળતાં રિક્ષા રોડ નીચે ખાડામાં ખાબકતાં બુકડો બોલી ગયો હતો અને અંદર બેઠેલા તમામને ઇજાઓ થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં.

પરંતુ અહિ બળવંતભાઇ ટુંડીયાનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. જ્યારે તેમના પત્નિ જયાબેન સહિતનાને સારવાર માટે દાખલ કરાયા હતાં. મૃત્યુ પામનાર બળવંતભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પુત્ર દિલીપભાઇએ જણાવ્યું હતું કે અમે બીજી રિક્ષામાં હતાં.મારા પિતા જે રિક્ષામાં હતાં તેની સાથે અથડાયેલી વેગનઆર રોંગ સાઇડમાં ધસી આવી હતી. તેમાં એક્સ એમએલએ ગુજરાત લખેલુ હતું. તેનો ચાલક સહિતના કારમાંથી ઉતરી કાર મુકી ભાગી ગયા હતાં. કારમાં પણ નુકસાન થયુ હતું.

તો અન્ય બનાવમાં કુવાડવા નજીક મોરબી હાઇવે પર મોમાઇ હોટલ પાસે રાત્રીના નવેક વાગ્યે હિટ એન્ડ રનની ઘટનામાં મોરબીના રિલીફનગર-14માં રહેતાં પદયાત્રી યુવાન મયુરભાઇ રમેશચંદ્ર મેડા (ઉ.વ.39)નું મોત નિપજ્યું હતું. તેઓ છ લોકો મોરબીથી પાંચવડા માતાજીના મઢે દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે કાર ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. જાણવા મળ્યા મુજબ મોરબી રહેતાં મયુરભાઇ મેડા અને બીજા પાંચ લોકો પરમ દિવસે મોરબીથી પાંચવડા માતાજીના મઢે દર્શન કરવા જવા પગપાળા નીકળ્યા હતાં. ગત રાતે નવેક વાગ્યે આ પદયાત્રીઓ કુવાડવા નજીક મોરબી હાઇવે પર પહોંચ્યા ત્યારે એક કારનો ચાલક મયુરભાઇને ઠોકરે ચડાવી ભાગી ગયો હતો. ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. મૃતક મયુર ભાઈ ત્રણ ભાઇમાં નાના હતા અને સિરામિક કંપનીમાં કામ કરતા હતા. યુવાન મયુરભાઈના મૃત્યુના કારણે પરિવારમાં ગમગીની છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.