Abtak Media Google News

ભાવનગરના મહિલા તબીબે કાંટાળા તાજનો ઇનકાર કરતા ડો.આર.એસ.ત્રિવેદી જ ચાર્જમાં રહ્યા હતા

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત બાદ સિવિલ સર્જનની બદલીનો ઓર્ડર આવ્યો: નવનિયુક્ત અધિક્ષક ડો.ભટ્ટ લાંબી રજા પર

સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલની કાંટાળા તાજ સમાન સીટ સિવિલ સર્જનની ફરી એકવાર બદલીનો ઓર્ડર આવતા તંત્રમાં ખડભડાટ મચી ગયો છે. પરંતુ છતાં પણ નવનિયુકત તબીબી અધિક્ષક ડો.જે.જી.ભટ્ટ સિવિલ સર્જનનો ચાર્જ સંભાળશે કે કેમ તે અંગે હજુ અસમંજસ સર્જાઈ રહ્યું છે. અગાઉ ભાવનગરના મહિલા તબીબે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળવા ઇનકાર કર્યો હતો. ત્યારે એક અઠવાડિયા પહેલાં જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સિવિલ મુલાકાત બાદ સિવિલ સુપરિટેન્ડેન્ટની બદલીનો ઓર્ડર આવ્યો છે. પરંતુ સર્જીકલ વિભાગના વડા ડો.જે.જી.ભટ્ટને ચાર્જ સોંપવામાં આવતા તે લાંબી રજા પર ઉતરી ગયાનું જાણવા મળ્યું છે.

રાજકોટ સિવિલમાં તબીબી અધિક્ષકની કાયમી નિમણૂક વર્ષોથી કરાઈ નથી અને ચાર્જ પર જ ગાડું ચાલે છે. આ કારણે ઘણી વખત વહીવટી પ્રશ્નો સર્જાય છે. આવું જ ડો. આર.એસ.ત્રિવેદીમાં છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું. ઈન્ચાર્જ અધિક્ષક ડો. મનીષ મહેતાની બદલી બાદ તેમનો ચાર્જ ડો. પંકજ બુચને અપાયો હતો જોકે થોડા જ સમયમાં આ ચાર્જ ફિઝિયોલોજીના પ્રોફેસર ડો.આર.એસ. ત્રિવેદીને અપાયો હતો.

ભૂતકાળમાં સિવિલ સર્જન તરીકે ભાવનગરના ડો.ભાવના મહેતાને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ પણ ચાર્જ સંભાળવાનો ઇનકાર કરતા ડો.આર.એસ.ત્રિવેદીને ચાર્જ પર સ્થિત રાખવામાં આવ્યા હતા. પૂર્વ તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાની તાત્કાલિક બદલી બાદ કાંટાળા તાજની સીટ પર કોઈ ટકવા તૈયાર ન હોય તેમ ડો.આર.એસ.ત્રિવેદીએ ચાર્જ સંભાળ્યા બાદ કોઈ અધિક્ષક તરીકે આગળ આવતું ન હોય તેવું લાગી રહ્યું છે.

એક સપ્તાહ પૂર્વ જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતાં. સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો બાદ એક સપ્તાહમાં જ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.ત્રિવેદીની બદલીનો ઓર્ડર આવતા તંત્રમાં હલચલ જોવા મળી રહી છે. સરકારના ઓર્ડરમાં સર્જીકલ વિભાગના વડા ડો.જે.જી.ભટ્ટને ચાર્જ સોંપવામાં આવ્યો છે. પરંતુ કોવીડ સમયે પણ ડો.ભટ્ટને અધિક્ષકની ખુરશી સોંપવામાં આવી હતી પરંતુ તે સમયે ડો.ભટ્ટે ચાર્જ સંભાળવાનો ઇનકાર કર્યો હતો. હાલ પણ સરકારનો ઓર્ડર આવતાની સાથે જ નવનિયુકત તબીબી અધિક્ષક ડો.ભટ્ટ લાંબી રજા પર ઉતરી જતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.