Abtak Media Google News

રાજકોટમાં આજી વસાહતમાં આવેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિક-ભાગીદાર એક વર્ષથી તેમના કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા હોવાથી અને   અન્ય કેટલાક કર્મચારીની તામિલનાડુ બદલી કરી નાખી હોવાના ત્રાસથી કંટાળી વધુ એક કર્મચારીએ કંટાળીને અંતિમ પગલું ભરી લીધું છે. જેમાં કોઠારિયા રોડ પરની સીતારામ સોસાયટીમાં રહેતા યુવકે સ્યુસાઇડ નોટ લખી પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો છે. જ્યારે હાલ તે મામલે પોલીસે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી અમુલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોની શોધખોળ હાથધરી છે.

એક વર્ષથી પગાર ન ચૂકવાતા આર્થિક ભીંસમાં આવી કર્મચારીએ સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું : સાત માસ પૂર્વે એક કર્મીએ અગ્નિસ્નાન કર્યું હતું

બનાવની વિગતો મુજબ શહેરમાં સીતારામ સોસાયટીમાં રહેતા અને અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતાં હરેશભાઇ વજુભાઇ હેરભા (ઉ.વ.44)ના પત્ની અને બાળકો શનિવારે તેના પિયર હલેન્ડા ગયા હતા. ઘરે એકલા રહેલા હરેશભાઇએ રવિવારે વહેલી સવારે પોતાના ઘરે પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઇ લીધો હતો.જ્યારે ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતા હરેશભાઇના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. હરેશભાઇએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, તેમના આપઘાત પાછળ અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિક સુરેશ સંતોકી અને તેના ભાગીદાર નીતિન સંતોકી જવાબદાર છે’.

પોલીસે સ્યૂસાઇડ નોટ કબજે કરી હતી.અને આ મામલે હરેશભાઇના નાનાભાઇ દીપકભાઇ હેરભાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિક-ભાગીદાર સુરેશ સંતોકી અને નીતિન સંતોકીના નામ આપ્યા હતા. દીપકભાઇઅે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હરેશભાઇ 25 વર્ષથી અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા હતા.કારખાનાના ભાગીદારો વચ્ચે આંતરિક વિવાદ થતાં કારખાના માલિકોએ એક વર્ષથી ફેક્ટરીના કર્મચારીઓને પગાર આપવાનું બંધ કરી દીધું હતું, તેમજ પીએફ અને ઇએસઆઇનો ફાળો પણ ચૂકવતા નહોતા. હરેશભાઇ સહિતના કર્મચારીઓએ પગાર મેળવવા લેબર કોર્ટમાં અરજી કરી હતી.

કોર્ટે પણ પગાર ચૂકવી દેવાનો હુકમ કર્યો હોવા છતાં ફેક્ટરી માલિકોએ પગાર ચૂકવ્યો નહોતો અને કિન્નાખોરી રાખી હરેશભાઇની તામિલનાડુના વેલોર જિલ્લાના રાનીપેટમાં આવેલી ફેક્ટરીની બીજી બ્રાંચમાં બદલી કરી નાખી હતી. પોલીસે ફેક્ટરીના માલિક ભાગીદાર સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી હતી.ફેક્ટરીના માલિકો સામે બીજો ગુનો નોંધાયો સાતેક મહિના પૂર્વે એક કર્મચારીએ કાલાવડ જઇ અગ્નિસ્નાન કરી જીવનનો અંત આણી લીધો હતો. આ મામલો હજુ કોર્ટમાં ચાલુ છે ત્યાં હરેશભાઇ હેરભાએ આપઘાત કરી લેતા ફેક્ટરી માલિકો સામે આપઘાતની ફરજ પાડવાનો બીજો ગુનો નોંધાતા આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.