• 25મીએ રાજકોટમાં આવી રહેલા પીએમ ભવ્ય રોડ-શો યોજશે: શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 25મી ફેબ્રુઆરીના રોજ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. જે અંતર્ગત તેઓ શહેરના જૂના એરપોર્ટથી લઇ રેસકોર્ષ સભા સ્થળ સુધી ભવ્યાતિભવ્ય રોડ-શો યોજે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઇ રહી છે. શહેર ભાજપ દ્વારા પીએમના રોડ-શોને લઇને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. વિવિધ સેવાકીય સંસ્થાઓ અને વેપારી એસોસિએશન સાથે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

શહેર ભાજપના વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આગામી 25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ, અટલ સરોવર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના લોકાર્પણ માટે આવી રહ્યા છે. તેઓ હિરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉત્તરાણ કરશે. ત્યાંથી હેલીકોપ્ટર મારફત રાજકોટના જૂના એરપોર્ટ પર આવશે. જ્યાંથી રેસકોર્ષ સભા સ્થળે રવાના થશે. જૂના એરપોર્ટથી લઇ રેસકોર્ષ સુધીના સવા કિલોમીટર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોડ-શો યોજવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.

પીએમના સંભવિત: રોડ-શોને લઇને પ્રદેશમાંથી આદેશ આવતા શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ અલગ-અલગ સમાજના આગેવાનો સાથે અને વેપારી એસોસિએશનના હોદ્ેદારો સાથે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટમાં મોદીનો ક્યારેય ન યોજાયો હોય તેવો વિશાળ રોડ-શો યોજવાની શહેર ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઇ મોદીએ 2017માં પ્રથમવાર રાજકોટમાં રોડ-શો યોજ્યો હતો. આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા બાદ તેઓએ આજી ડેમથી જૂના એરપોર્ટ સુધી આશરે 7 કિલોમીટરનો વિશાળ રોડ-શો યોજી રાજકોટની જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ માટે રાજકોટ આવેલા વડાપ્રધાને જૂના એરપોર્ટથી રેસકોર્ષ સભા સ્થળ સુધી રોડ-શો યોજ્યો હતો. હવે ત્રીજીવાર પીએમ રાજકોટમાં આગામી 25મી ફેબ્રુઆરીના રોજ રોડ-શો યોજવા જઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.